ક્રિપ્ટોથી કમાણીના ચક્કરમાં ટ્રમ્પે અમેરિકાના આંતરરાષ્ટ્રીય સંબંધ બગાડ્યા? ભારત માટે પણ ખતરાની ઘંટડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump's Crypto Currency Income: વિવિધ મુદ્દે અવારનવાર પલ્ટી મારવામાં ઉસ્તાદ એવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સી મુદ્દે પણ જબરો યુ-ટર્ન લીધો છે. અગાઉ તેઓ ક્રિપ્ટોકરન્સીના કટ્ટર વિરોધી હતા, હવે તેઓ તેના સૌથી મોટા હિમાયતી બની ગયા છે. ફક્ત હિમાયતી જ નહીં, તેમણે ક્રિપ્ટોકરન્સી માટે લાલ જાજમ બિછાવી છે, જેને આધારે ટ્રમ્પ પરિવારે અબજો ઘરભેગા કરી લીધા છે. ટ્રમ્પનો આ ક્રિપ્ટો-પ્રેમ ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે, કેમ કે તેમણે પોતાનો ક્રિપ્ટો-ખજાનો વિસ્તારવા માટે પાકિસ્તાનને બગલબચ્ચું બનાવ્યું છે.
ક્રિપ્ટોકરન્સી બાબતે ટ્રમ્પ વિરોધીમાંથી હિમાયતી શા માટે બન્યા?
ભૂતકાળમાં ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીના કટ્ટર વિરોધી હતા, હવે તેઓ તેના સૌથી મોટા હિમાયતી બની ગયા છે. 2024ની ચૂંટણી ઝુંબેશ દરમિયાન તેમને 7.5 મિલિયન ડૉલર જેટલું ક્રિપ્ટો-દાન મળ્યું હતું, જેને લીધે તેમનો અભિગમ ક્રિપ્ટોકરન્સી પ્રત્યે બદલાઈ ગયો હતો. બીજા કાર્યકાળની શરુઆત થતાં જ તેમણે ક્રિપ્ટોના વેપારમાં પ્રવેશ કર્યો, પ્રો-ક્રિપ્ટો નીતિઓને પ્રોત્સાહિત કરી અને ડિજિટલ સંપત્તિને રાજદ્વારી વ્યૂહરચનાનો હિસ્સો બનાવ્યો. ટ્રમ્પે ક્રિપ્ટોને અમેરિકન નાણાકીય વ્યવસ્થામાં સમાવી લીધું છે અને તેની અનામત સુદ્ધાં રચી છે. એટલું જ નહીં, તેમણે તો ક્રિપ્ટો-ગુનાઓની તપાસ કરતી એજન્સીને પણ વિખેરી નાખી છે.
વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF) – મુખ્ય કડી
ટ્રમ્પના ક્રિપ્ટો સાહસનું કેન્દ્ર છે ‘વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ’ (WLF), જે એક ડીસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પ્લેટફોર્મ છે. નાણાકીય સેવાઓ પ્રદાન કરતી બ્લોકચેન-આધારિત આ સિસ્ટમનું મુખ્ય મથક વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં છે. એક બૅંક જે કંઈ કરે છે તે બધું જ WLF કરે છે. એનો બધો વ્યવહાર ક્રિપ્ટોમાં થાય છે.
પોતાના જ નામના મીમકોઇન રજૂ કર્યા
2024માં ટ્રમ્પ પરિવારે WLFની સ્થાપના કરી અને પોતાના જ $WLFI ટોકન લોન્ચ કર્યા. બાદમાં ટ્રમ્પ અને તેમની પત્નીના નામે $TRUMP અને $MELANIA નામે મીમકોઇન રજૂ કરાયા, જેનો ભાવ કોઈપણ આંતરિક સમર્થન વિના, વ્યવહારિક ઉપયોગના કેસોને બદલે ટ્રેડિંગ, હાઇપ, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટીઓના પ્રભાવ પરથી નક્કી થતો રહ્યો છે. હવે તેમનું લક્ષ્ય WLF ને Nasdaq પર લિસ્ટ કરવાનું છે.
આંતરરાષ્ટ્રીય સોદા અને ટ્રમ્પનો નફો
ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી WLF મારફતે અનેક દેશો સાથે સોદા થયા છે.
- પાકિસ્તાને WLF સાથે ક્રિપ્ટો વેપાર શરુ કર્યો છે અને ખાસ નિયમનકારી માળખું પણ ઊભું કર્યું છે.
- UAEમાં સરકારી ફંડોએ WLFI ટોકન અને ટ્રમ્પના સ્ટેબલકોઈનમાં મોટા રોકાણ કર્યા છે.
- ચીનની કંપની GD કલ્ચર ગ્રૂપે $TRUMP મીમકોઇનમાં 300 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.
- મેક્સિકો સ્થિત ટેક કંપની Fr8Tech એ પણ $TRUMP મીમકોઇનમાં 20 મિલિયન ડૉલરનો હિસ્સો ખરીદ્યો છે.
- Nasdaq-લિસ્ટેડ ફિનટેક અને ડિજિટલ એસેટ ટ્રેઝરી કંપની ALT5 Sigma Corporation એ તો 1.5 બિલિયન ડૉલરનો કરાર કરીને WLFI ટોકનનો 7.5% હિસ્સો લીધો, જેનાથી WLFI ટોકનના બજાર ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
ક્રિપ્ટોકરન્સીને લીધે ટ્રમ્પની નેટવર્થ આકાશ આંબી ગઈ
ક્રિપ્ટો પ્લેટફોર્મ પર ટ્રમ્પ પરિવારની નેટવર્થનો સાચો આંકડો જાણવો મુશ્કેલ છે. એ બાબતે ફક્ત અંદાજો જ લગાવવામાં આવી રહ્યો છે. જેમ કે, ન્યૂયોર્ક ટાઇમ્સે જુલાઈમાં તેને $7.1 બિલિયન (આશરે રૂ. 60000 કરોડ) અંદાજ્યો હતો, ફોર્બ્સ દ્વારા $3.3 બિલિયન(આશરે રૂ. 28000 કરોડ)નો અંદાજ લગાવાયો હતો, તો બ્લૂમબર્ગે તેને $620 મિલિયન (આશરે રૂ. 5270 કરોડ) સુધી મર્યાદિત કર્યો હતો.
ટોકન અને મીમકોઇનની વાસ્તવિક સંખ્યા બાબતે બજારમાં અસ્પષ્ટતા છે
WLFI ટોકન અને $TRUMP તથા $MELANIA મીમકોઇનની વાસ્તવિક સંખ્યા કેટલી છે એનો આંકડો ઉપલબ્ધ નથી, જેને લીધે બજારમાં અસ્પષ્ટતા સર્જાઈ છે અને તેથી જ ટ્રમ્પ પરિવારની નેટવર્થના અંદાજા બાબતે આટલા મોટા તફાવત જોવા મળે છે. જોકે, એ હકીકત છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી એમના પરિવારે ખૂબ બધી ક્રિપ્ટો સંપત્તિ એકત્ર કરી છે.
આ પણ વાંચોઃ US Openમાં ટ્રમ્પના કારણે વિલંબ થતાં ફેન્સ ભડક્યા, ચાલુ કાર્યક્રમમાં હૂટિંગ; વીડિયો વાઈરલ
ટ્રમ્પની ક્રિપ્ટો મહત્ત્વાકાંક્ષાએ નૈતિક પ્રશ્નો સર્જ્યા
ક્રિપ્ટો પ્રત્યે પ્રેમ ઉભરાયા પછી ટ્રમ્પે પ્રમુખપદનો દુરુપયોગ કઈ રીતે કર્યો એના ઉદાહરણો જોઈએ.
- ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ ‘સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન’ (SEC) એ બ્રાયન આર્મસ્ટ્રોંગના નેતૃત્વ હેઠળના ક્રિપ્ટો ટ્રેડિંગ સંગઠન Coinbaseની તપાસ બંધ કરી દીધી હતી. Coinbase પર બિન-નોંધાયેલ સિક્યોરિટીઝનું માર્કેટિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોઈપણ દંડ વિના તપાસ રદ થયા પછી, આર્મસ્ટ્રોંગે WLF સાથે કરાર કર્યો અને $TRUMP અને $MELANIAને તેના પ્લેટફોર્મ પર વેચાણ માટે સૂચિબદ્ધ કર્યા.
- એ જ રીતે Tron ક્રિપ્ટોકરન્સીના સ્થાપક જસ્ટિન સન સામેનો એક મોટો છેતરપિંડીનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો અને તેમણે ફેબ્રુઆરીમાં WLFમાં તાત્કાલિક $75 મિલિયનનું રોકાણ કર્યું.
- Ripple Labs, Binance, Robinhood, PayPal જેવી મોટી કંપનીઓને પણ ટ્રમ્પની નીતિઓનો લાભ મળ્યો છે, જેને લીધે પ્રમુખે નીતિ-ઘડતરને ભોગે વ્યક્તિગત નફો મેળવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
વૈશ્વિક સુરક્ષા પર શું અસર પડશે?
કોઈપણ નિયમનકારી સંસ્થાની ગેરહાજરી હોવાથી ક્રિપ્ટો આતંકવાદ સહિત ગેરકાયદેસર કૃત્યોમાં સામેલ લોકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. વિશેષજ્ઞો ચેતવણી આપે છે કે ટ્રમ્પનો નિયંત્રણમુક્તિનો અભિગમ યુએસને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેમના પગલાં મની લોન્ડરિંગ વિરોધી પ્રયત્નોને નબળા પાડી શકે છે. આતંકવાદી જૂથો યુએસ આધારિત પ્લેટફોર્મ મારફતે નાણાં એકત્ર કરવાની તકો મેળવી શકે છે, જે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં જોખમ ઊભું કરવા સક્ષમ છે. આમ, ક્રિપ્ટોકરન્સી બાબતે ટ્રમ્પની નીતિ ફક્ત અમેરિકા પૂરતી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભૂ-રાજકીય ઉથલપાથલ સર્જી શકે એવી ભીતિ સર્જાઈ છે.
ભારત માટે ખતરાની ઘંટડી
- ભારત માટે આ સ્થિતિ ખાસ ચિંતાજનક છે, કારણ કે પાકિસ્તાન હવે WLF સાથે ઊંડે સુધી જોડાઈ ગયું છે. પાકિસ્તાન તેના આતંકવાદી નેટવર્કને ભંડોળ, નાણાં અને સશક્ત બનાવવા માટે ક્રિપ્ટો ચેનલોનો ઉપયોગ કરશે તો ભારત માટે ગંભીર સુરક્ષા પડકારો પેદા થશે.
- ટેરિફના મુદ્દે અમેરિકા-ભારતના સંબંધ તણાવપૂર્ણ થઈ ગયા છે ત્યારે અમેરિકા પાકિસ્તાનને દક્ષિણ એશિયામાં ક્રિપ્ટો હબ તરીકે ઊભું કરવાનો પ્રયાસ કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ભારતે સંતુલિત અને વ્યૂહાત્મક અભિગમ અપનાવવો પડશે. યોગ્ય નીતિઓ ઘડવામાં આવે તો ભારત પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે, ડૉલર પરની નિર્ભરતા ઘટાડી શકે છે અને ક્રિપ્ટો રોકાણકારોને આકર્ષી શકે છે. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે કે જેથી દેશના આર્થિક હિતોને નુકસાન ન થાય અને સુરક્ષા જોખમો પર કાબૂ રાખી શકાય.








