World

નોબેલ માટે ટ્રમ્પનો એકતરફી પ્રેમ! ટેરિફની ચર્ચા વચ્ચે આ દેશના મંત્રીને ફોન કરીને કહ્યું- મારું નામ નોમિનેટ કરો

By GS TEAM
15 Aug 20252 mins read
TukuTouch Logo
નોર્વેના અગ્રણી વ્યાપાર દૈનિક ‘ડેગેન્સ નાયરિંગ્સલિવ’(Dagens Naeringsliv)માં છપાયેલા અહેવાલે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. અખબારે દાવો કર્યો છે કે, ગયા મહિને વેપાર ટેરિફ અંગે ચર્ચા કરવા માટે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ પાસે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નોબેલ માટે ટ્રમ્પનો એકતરફી પ્રેમ! ટેરિફની ચર્ચા વચ્ચે આ દેશના મંત્રીને ફોન કરીને કહ્યું- મારું નામ નોમિનેટ કરો

Trump’s Nobel Request to Norway Amid Tariff Talks : નોર્વેના અગ્રણી વ્યાપાર દૈનિક ‘ડેગેન્સ નાયરિંગ્સલિવ’(Dagens Naeringsliv)માં છપાયેલા અહેવાલે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. અખબારે દાવો કર્યો છે કે, ગયા મહિને વેપાર ટેરિફ અંગે ચર્ચા કરવા માટે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ પાસે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી હતી. 

ટેરિફ ચર્ચાને બહાને નોબેલ માંગ્યો?

અખબારી અહેવાલ કહે છે કે, જુલાઈ મહિનામાં ટ્રમ્પે સ્ટોલ્ટનબર્ગને કૉલ કર્યો હતો, ત્યારે બંનેએ વેપાર ટેરિફ અને નોબેલ શાંતિ પુરસ્કાર એ બે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પોતે દુનિયાના અનેક દેશોમાં યુદ્ધ અટકાવીને શાંતિ સ્થાપવામાં નિમિત્ત બન્યા હોવાથી તેઓ શાંતિ પુરસ્કારના હકદાર છે, એમ કહીને ટ્રમ્પે પુરસ્કાર માંગ્યો હતો. અલબત્ત, સ્ટોલ્ટનબર્ગે પુરસ્કાર બાબતે શું વાત થઈ હતી, એની વધુ વિગતો ન આપતાં જણાવ્યું હતું કે, ચર્ચામાં મુખ્ય વાત વેપાર ટેરિફ અને આર્થિક સહકાર વિશે થઈ હતી. 

વ્હાઇટ હાઉસ અને નોબેલ સમિતિનું સૂચક મૌન

આ બાબતે વ્હાઇટ હાઉસ તરફથી કે નોબેલ સમિતિ તરફથી પણ કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. ટ્રમ્પે ખરેખર પુરસ્કારની માંગ કરી હતી કે નહીં, એ બાબતે બંને પક્ષે મૌન જાળવી રાખવામાં આવ્યું છે, સ્પષ્ટ નકાર પણ ભણવામાં નથી આવ્યો, જેને ઘણા ‘સૂચક’ અર્થમાં લે છે.

ક્યા આધારે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે?

નોબેલ પુરસ્કારો છ ક્ષેત્રોમાં આપવામાં આવે છે: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન, સાહિત્ય, શાંતિ અને ઇકોનોમિક્સ. પ્રત્યેક કેટેગરી માટે દર વર્ષે અનેક ઉમેદવારો(વ્યક્તિ અથવા સંગઠન)ના નામ નોમિનેટ થાય છે, જેમાંથી વિજેતાઓની અંતિમ પસંદગી નોર્વેજીયન નોબેલ સમિતિ કરે છે. એની પસંદગી પ્રક્રિયા સખત હોય છે. વિજેતાઓની જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબરમાં નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવે છે. 

આ પણ વાંચો: ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલા જ રશિયાએ ટ્રમ્પનો ખેલ બગાડ્યો! કહ્યું- સંયુક્ત નિવેદનની શક્યતા ઓછી

શું ડોનાલ્ડ ટ્રમ્પેને નોબેલ શાંતિ પુરસ્કાર મળી શકે એમ છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પોતાના પ્રયાસોથી રોકાયું હોવાનો દાવો ટ્રમ્પ વારંવાર કરતા રહે છે. એ જ રીતે તેઓ અન્ય દેશો વચ્ચેની લડાઈ રોકવા માટે પણ પ્રયત્નશીલ હોવાનું ગાણું ગાતા રહે છે. ઇઝરાયલ, પાકિસ્તાન, કંબોડિયા, અઝરબૈઝાન અને આર્મેનિયા જેવા દેશોએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે, જેને લીધે પણ ટ્રમ્પ જાહેરમાં દાવો કરતા રહે છે કે તેઓ નોર્વે દ્વારા આપવામાં આવતું આ સન્માન મેળવવા માટે યોગ્ય ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ થિયોડોર રૂઝવેલ્ટ (1906), વુડ્રો વિલ્સન (1919), જિમી કાર્ટર (2002) અને બરાક ઓબામા (2009) એમ ચાર અમેરિકન પ્રમુખને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ટ્રમ્પને પણ મળી જાય તો નવાઈ નહીં.

નોર્વે પર અમેરિકાએ કેટલો ટેરિફ લગાવ્યો છે? 

યુરોપના અન્ય દેશોની જેમ નોર્વે પર પણ અમેરિકાએ 15 % ટેરિફ લાગુ કરેલો છે. સ્ટોલ્ટનબર્ગના જણાવ્યા અનુસાર, બંને દેશો હજુ પણ આ મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છે.