સુરક્ષાની ગેરંટી, સેના વધારવાની સ્વતંત્રતા... ઝેલેન્સ્કીની ત્રણ શરતો માટે પુતિનને કેવી રીતે મનાવશે ટ્રમ્પ?
Russia-Ukraine War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિશામાં તેમણે પહેલા અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સોમવારે (18મી ઓગસ્ટ) વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સંમત થયા છે. પરંતુ પુતિનને મનાવવાનું ટ્રમ્પ માટે મુશ્કેલ કામ હશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પુતિનને મનાવવા પડકારજનક
સોમવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે ત્રણ મુખ્ય શરતો મૂકી હતી. જેમાં યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવી, યુક્રેનને સેના વધારવાની સ્વતંત્રતા આપવી અને શાંતિ પુનઃસ્થાપિત થયા પછી દેશમાં ચૂંટણીઓ યોજવી. હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ શરતો પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મનાવવા પડકારજનક રહેશે.
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીએ માંગ કરી છે કે યુક્રેનને ભવિષ્યમાં રશિયન આક્રમણથી બચાવવા માટે મજબૂત સુરક્ષા ગેરંટી મળે. આનો અર્થ નાટો જેવા લશ્કરી જોડાણ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય ગેરંટીઓમાં સભ્યપદ હોઈ શકે છે, જે રશિયા માટે અસ્વીકાર્ય છે કારણ કે પુતિને વારંવાર યુક્રેનને નાટોમાં જોડાવાનો વિરોધ કર્યો છે. ટ્રમ્પ પોતે પણ ઇચ્છે છે કે યુક્રેન નાટો સભ્ય બનવાનો પોતાનો ઇરાદો છોડી દે. આ ઉપરાંત ઝેલેન્સ્કી ઈચ્છે છે કે યુક્રેનને તેની લશ્કરી ક્ષમતા વધારવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે જેથી તે ભવિષ્યમાં પોતાનો બચાવ કરી શકે. આ સ્થિતિ રશિયા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે પુતિન યુક્રેનની લશ્કરી તાકાતને મર્યાદિત કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાથી તણાવ વચ્ચે ચીનની ભારતને મોટી ઓફર, કહ્યું- આ ત્રણ સમસ્યા દૂર કરીશું
ઉલ્લેખનીય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે. અલાસ્કામાં પુતિન સાથેની તેમની મુલાકાતમાં કોઈ નક્કર સમજૂતી થઈ ન હતી, પરંતુ ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયા સાથે ડીલ કરવાની સલાહ આપી છે.
યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિનની શરતો શું છે?
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધ સમાપ્ત કરવા માટે પોતાની શરતો મૂકી છે, જેમાં યુક્રેનનું ડોનેટ્સક અને અન્ય પ્રદેશો છોડી દેવા, ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને સ્વીકારવા અને યુક્રેન નાટોમાં ન જોડાવાનો સમાવેશ થાય છે. આ શરતો ઝેલેન્સ્કીની શરતોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે કારણ કે ઝેલેન્સ્કીએ કોઈપણ પ્રાદેશિક છૂટછાટો આપવાનો ઈનકાર કર્યો છે.
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત સકારાત્મક રહી અને પુતિને તેને શરૂઆતનો મુદ્દો માન્યો. જો કે, પુતિને ઝેલેન્સ્કીની શરતો સાથે સંમત થવાનો કોઈ સંકેત આપ્યો ન હતો. તેના બદલે પુતિને યુક્રેનને ડોનબાસ પ્રદેશ છોડવાની માંગ કરી, જેને ઝેલેન્સ્કીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું. નોંધનીય છે કે, પુતિન અને ઝેલેન્સ્કીની સ્થિતિ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. પુતિન ઇચ્છે છે કે યુક્રેન નાટોમાં જોડાય અને લશ્કરી વિસ્તરણ બંધ કરે, જ્યારે ઝેલેન્સ્કી સુરક્ષા ગેરંટી અને લશ્કરી સ્વતંત્રતા ઇચ્છે છે.