Get The App

અમેરિકાથી તણાવ વચ્ચે ચીનની ભારતને મોટી ઓફર, કહ્યું- આ ત્રણ સમસ્યા દૂર કરીશું

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાથી તણાવ વચ્ચે ચીનની ભારતને મોટી ઓફર, કહ્યું- આ ત્રણ સમસ્યા દૂર કરીશું 1 - image


S. Jaishankar - Wang Yi Meet : ચાઇનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાનું વચન આપ્યું. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર (ફર્ટિલાઇઝર), ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરિયાત પૂરી કરવાનું આશ્વાસન આપ્યું છે. આ વચન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લગાવ્યો છે. ભારત ઘણા સમયથી ચીન સાથે ખનિજ સપ્લાય માટે વાતચીત કરી રહ્યું છે. આ ખનિજ ઈલેક્ટ્રિક વાહનો, પવનચક્કી અને સંરક્ષણ ઉત્પાદન જેવા ઉદ્યોગો માટે ખૂબ જ મહત્ત્વના છે.

LAC પર તણાવ ઓછો કરવા પર પણ ચર્ચા

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યીને કહ્યું કે ભારત અને ચીને સંબંધો સુધારવા માટે એક સ્પષ્ટ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ, જે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર આધારિત હોય. તેમણે પૂર્વ લદ્દાખમાં  લાઇન ઑફ કંટ્રોલ (LAC) પર તણાવ ઓછો કરવા પર પણ ભાર મૂક્યો. આ વિસ્તારમાં બંને દેશોની સેનાઓ છેલ્લા ચાર વર્ષથી સામ-સામે છે.

SCO શિખર સંમેલન પર ચર્ચા 

વાંગ યીની આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની પ્રસ્તાવિત મુલાકાત પહેલાં થઈ રહી છે. 2020માં ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષ પછી ભારત-ચીનના સંબંધોમાં ઘણો તણાવ આવ્યો હતો. આ મુલાકાતને બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

આતંકવાદ વિરુદ્ધ લડાઈ પણ એક પ્રાથમિકતા

એસ. જયશંકરે આતંકવાદ સામેની લડાઈને પણ એક મુખ્ય પ્રાથમિકતા ગણાવી અને કહ્યું કે, 'આપણા સંબંધોમાં મુશ્કેલ સમય જોયા પછી, હવે બંને દેશો આગળ વધવા માંગે છે. આ માટે બંને પક્ષો તરફથી એક સ્પષ્ટ અને સકારાત્મક દૃષ્ટિકોણ જરૂરી છે.'

આ પણ વાંચો: ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત: વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત

ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર ચર્ચા

વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'આ પ્રયાસમાં આપણે ત્રણ સિદ્ધાંતો - પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે કહ્યું કે મતભેદો વિવાદનું કારણ ન બનવા જોઈએ અને સ્પર્ધા ટકરાવમાં ન બદલાવી જોઈએ.' વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે સરહદી મુદ્દાઓ પર વાતચીત કરવા માટે દિલ્હી આવ્યા છે. વાંગ અને ડોભાલને સરહદી વાટાઘાટો માટે વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અમેરિકાથી તણાવ વચ્ચે ચીનની ભારતને મોટી ઓફર, કહ્યું- આ ત્રણ સમસ્યા દૂર કરીશું 2 - image

Tags :