ઈરાન અને ઈઝરાયલ શાંતિ સ્થાપના માટે સામેથી મારી પાસે આવ્યા: સીઝફાયર પર ટ્રમ્પનો નવો દાવો
Trump on Iran-Israel Ceasefire: અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સીઝફાયર માટે રાજી થયા છે. એવામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અંગે ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો દાવો કરતા કહ્યું કે, 'ઇઝરાયલ અને ઈરાન લગભગ એક જ સમયે મારી પાસે આવ્યા અને શાંતિ કરાવવા વિશે વાત કરી.'
ડોનાલ્ડ ટ્રમ્પનો સીઝફાયર અંગે નવો દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ' પર આ અંગે લખ્યું કે, 'ઈઝરાયલ અને ઈરાન લગભગ એક જ સમયે મારી પાસે આવ્યા અને કહ્યું, 'શાંતિ કરાવો!' મને ખબર હતી કે હવે સમય આવી ગયો છે. દુનિયા અને મધ્ય પૂર્વ વાસ્તવિક વિજેતા છે. બંને રાષ્ટ્રો તેમના ભવિષ્યમાં જબરદસ્ત પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોઈ શકે તે માટે શાંતિ જરૂરી છે. તેમણે હજુ ઘણું બધું મેળવવાનું છે અને છતાં જો તેઓ ધર્મ અને સત્યના માર્ગથી ભટકી જશે, તો તેમણે ઘણું ગુમાવવું પણ પડશે. ઇઝરાયલ અને ઈરાનનું ભવિષ્ય આશાથી ભરેલું છે. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે.'
સીઝફાયરની જાહેરાત બાદ પણ ઈરાને હુમલો કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો
જોકે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર અંગે હજુ પણ સસ્પેન્સ છે. કારણ કે અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે પછી ઇઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે. જોકે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઇઝરાયલનો દાવો છે કે ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચો: પહેલા ઈઝરાયલ હુમલા રોકે: ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત બાદ ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા
સોમવારે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી સીઝફાયરની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ અને ઈરાન સીઝફાયર લાગુ કરવા માટે ઔપચારિક કરાર પર પહોંચી ગયા છે, જેમાં થોડા કલાકોમાં સંઘર્ષનો સત્તાવાર અંત આવવાની અપેક્ષા છે. ટ્રમ્પે લખ્યું હતું કે, 'બધાને અભિનંદન! ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણપણે સંમતિ થઈ ગઈ છે કે હવેથી લગભગ 6 કલાક પછી જ્યારે ઇઝરાયલ અને ઈરાન તેમના અંતિમ મિશન પૂર્ણ કરશે, ત્યારે સંપૂર્ણ સીઝફાયર થઈ જશે. આ પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે.'
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કરી સ્પષ્ટતા
જોકે, મીડિયા અહેવાલો અનુસાર ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, 'ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર અંગે કોઈ કરાર થયો નથી. દરમિયાન, સીઝફાયર અંગે ઇઝરાયલ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન દ્વારા પણ ઔપચારિક નિવેદનો જાહેર કરવામાં આવ્યા નથી.' જેના કારણે સીઝફાયરની જાહેરાત અંગે મૂંઝવણ અને શંકાનું વાતાવરણ સર્જાયું છે.