ટ્રમ્પ ભારત,ચીન રશિયા સાથે મળી C-5 બનાવી શકે

- આ નવું સંગઠન બનશે તો ગ્લોબલ ઓર્ડર જ બદલાઈ જશે
- અમેરિકન પ્રમુખની નવા જ પ્રકારની રાજકીય સોગઠીએ આખા યુરોપને ઝાટકો આપ્યો અને વિચારતું કરી દીધું
- નવી સુપર ક્લબના લીધે વિશ્વના બીજા પ્લેટફોર્મ જી-૭, ક્વાડ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલ જેવા ગ્રુપની અસરકારકતા જ નહીં રહે
નવી દિલ્હી : કંઈ નવું ન કરે તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ન કહેવાય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પએક નવી કોર ફાઈવ કે સી-ફાઈવ નામની એલાઇટ ક્લબ બનાવવા વિચારી રહ્યા છે, જેમા અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાન સામેલ થશે. આ જી-૭ જેવા જૂના ગ્રુપને કોરાણે લગાવવાનું સાહસિક પગલું પણ બની શકે છે. જી-૭માં ફક્ત સમૃદ્ધ અને લોકશાહી દેશો જ છે.
તેનાથી વિપરીત સી-ફાઇવમાં સૌથી વધુ વસ્તીવાળા અને તાકાતવાળા દેશોને પણ જગ્યા મળશે, પછી ભલેને તેમની સરકાર ગમે તે હોય. ગયા સપ્તાહે વ્હાઇટ હાઉસે તેની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી (એનએસએસ)નું ૩૩ પેજનું વર્ઝન જારી કર્યુ. પરંતુ પોલિટિકો અને ડિફેન્સ વન જેવા અમેરિકન મેગેઝિન મુજબ આ એક લાંબુ અનપબ્લિશ્ડ વર્ઝન છે, જેમા સી-ફાઇવનો ઉલ્લેખ છે. આ ગ્રુપ અમેરિકા, ચીન, રશિયા, ભારત, અને જાપાનનું બનેલું હશે. પાંચેય દેશની કુલ વસ્તી ૩.૫ અબજથી પણ વધુ થાય છે.
જી-૭ (અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, કેનેડા)ની જેમ સી-ફાઈવ પણ નિયમિત રીતે બેઠક યોજશે. પણ આ બેઠક ખાસ મુદ્દા પર રહેશે. તેનો પ્રથમ એજન્ડા મધ્યપૂર્વમાં ઇઝરાયેલ-સાઉદી અરેબિયાના સંબંધોને વધુ સારા બનાવવાનો હશે. ટ્રમ્પનું કહેવું છે કે વિશ્વ બહુઆયામી બની ગયું છે. આજે અનેક તાકાતવર દેશો છે. આ સ્થિતિની સાથે ડીલ કરતા ફક્ત જી-૭ જેવા જૂથ પૂરતા નથી. સી-ફાઇવના કારણે મોટા દેશો વચ્ચે ડીલ સરળ થશે. ટ્રમ્પે ઉનાળામાં જ જણાવ્યું હતું કે રશિયાને જી-૮ (જૂનું જી-૭)માંથી કાઢવું મોટી ભૂલ હતી. તેમણે તો ચીનને પણ જોડીને જી-૯ રચવાનું સૂચન કર્યુ હતું.
ટ્રમ્પ તંત્રના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સી-ફાઇવ અને સી-સેવન પર વાત થઈ છે, પરંતુ જી-૭ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલ જેવી જૂની સિસ્ટમ નવા દેશો માટે ફિટ નથી.ટ્રમ્પના આ વલણથી અમેરિકાના સહયોગી પરેશાન છે. આ પગલું રશિયાને યુરોપ પર પ્રભાવ વધારવાનું લાઇસન્સ આપી શકે છે. પશ્ચિમી એક્તા અને નાટોને નબળું પાડી શકે છે. યુરોપીયન ડિફેન્સ અધિકારીઓએ આ આયોજનને યુરોપને નબળા પાડતું આયોજન ગણાવ્યું.
ભારત માટે ફાયદાકારક બાબત એ છે કે તે વિશ્વની સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવાથી તેને સી-ફાઇવમાં જગ્યા મળશે. તેનાથી ભારતને વૈશ્વિક ટેબલ પર મજબૂત અવાજ મળશે. તેમા પણ ખાસ કરીને મધ્ય પૂર્વ અને ઇન્ડોપેસિફિક મુદ્દામાં ભારતનો અવાજ મહત્ત્વનો બનશે. જો કે હજી તો સી-ફાઇવ પેપર પર છે, પરંતુ તે બનશે તો આખો વૈશ્વિક ઓર્ડર જ બદલાઈ જશે.

