Trump joins Penguin meme trend: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવા માટે ઉત્સુક છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વનું ગણાવે છે. આ વિષયને લઈને વ્હાઇટ હાઉસ દ્વારા શનિવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડ તરફ આગળ વધતા દેખાય છે અને સાથે 'એમ્બ્રેસ ધ પેંગ્વિન'(પેંગ્વિનને અપનાવો) એવું કેપ્શન પણ લખ્યું હતું. જોકે, ગ્રીનલેન્ડમાં પેંગ્વિનનું અસ્તિત્વ જ ન હોવાથી, વ્હાઇટ હાઉસની આ પોસ્ટ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર ભારે મજાકનું કારણ બની ગઈ હતી.
ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચેની સમજમાં વ્હાઇટ હાઉસે થાપ ખાધી
વ્હાઇટ હાઉસે કરેલી આ ભૂલને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે તુરંત પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે પેંગ્વિન કુદરતી રીતે માત્ર દક્ષિણ ગોળાર્ધમાં, ખાસ કરીને એન્ટાર્કટિકામાં જ વસે છે, જ્યારે ગ્રીનલેન્ડ તો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે. ભૂગોળની આ પાયાની જાણકારીના અભાવે ઇન્ટરનેટ પર ટીકાઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય લોકોથી લઈને બ્રિટનના કેબિનેટ ઓફિસ જેવા સત્તાવાર એકાઉન્ટ્સે પણ કટાક્ષ કરતા કહ્યું કે, ગ્રીનલેન્ડમાં પેંગ્વિન જોવા મળવા એ તદ્દન અવાસ્તવિક બાબત છે.
હું છે આ પેંગ્વિન મીમ ટ્રેન્ડ?
આ ટ્રેન્ડના મૂળમાં વર્ષ 2007ની ડોક્યુમેન્ટ્રી 'એનકાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ'(Encounters at the End of the World) છે. તેમાં એક ભાવુક દ્રશ્ય છે જ્યાં એક પેંગ્વિન પોતાની કોલોની છોડીને એન્ટાર્કટિકાના વિશાળ બરફના મેદાનોમાં એકલું ચાલવા લાગે છે. આ દ્રશ્યમાં પેંગ્વિનની એકલતા અને તેની અજીબ સફરને કારણે તે મીમ્સ અને વીડિયો માટે લોકપ્રિય બન્યું છે.
આ પણ વાંચો: અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ
સોશિયલ મીડિયા પર લોકો આ ભટકેલા પેંગ્વિનના વીડિયોનો ઉપયોગ પોતાની એવી પરિસ્થિતિઓ દર્શાવવા માટે કરે છે જેમાં તેઓ મૂંઝવણમાં હોય અથવા ભીડથી અલગ કંઈક કરી રહ્યા હોય. એવામાં ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાના દબાણ વચ્ચે વ્હાઇટ હાઉસની આ ભૂલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.


