| ફાઈલ તસવીર |
America winter storm: અમેરિકામાં બરફના તોફાને દસ્તક દેતા હાહાકાર મચી ગયો છે. અચાનક જ 8 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. આ ખતરો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો હોવાનું જણાઈ રહ્યું છે. USના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશના અપાતકાળની સ્થિતિ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકામાં હાલ ભારે બરફવર્ષા અને તોફાનને જોતાં 15 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી હાઇ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
ટ્રમ્પે કહ્યું આવનાર ખતરો ખૂબ મોટો
રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા જ આવનારા ખતરાથી દેશને સચેત કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે. 'દેશ મોટા ભાગના રાજ્યો ભીષણ હિમયુગ જેવી ઠંડીના પ્રકોપનો સામનો કરવા તૈયાર રહે, જ્યાં તાપમાન માયનસ 40 ડિગ્રી કરતાં પણ ઓછું જઈ શકે છે.' મહત્ત્વનું છે કે અત્યારે અમેરિકાના અનેક રાજ્યોમાં બરફ વર્ષાએ કાળો કહેર મચાવ્યો છે. જેના કારણે ઘણા દિવસો સુધી વીજળી ઠપ થઈ શકે છે. મુખ્ય રસ્તાઓ બંધ થવાના સંભાવના છે.
8 હજાર ફ્લાઇટ રદ
અમેરિકાએ ખતરાને ભાંખી લેતા 15 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરવામાં આવી રહી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware મુજબ શનિવારે 3400થી વધુ ફ્લાઇટ લેટ પડતાં રદ કરવામાં આવી છે. તેમજ અગમચેતી રાખી રવિવારની 5 હજારથી વધુ ફ્લાઇટ રદ કરી છે. સંઘીય સરકારે મુસીબતને પહોંચી વળતાં માટે 30 રેસ્ક્યૂ ટીમને સ્ટેન્ડબાય રાખી છે. 70 લાખ લોકો માટે ભોજન, 6 લાખ લોકો માટે ઠંડીથી બચવા માટેના ધાબળા તેમજ 300 જેટલા જનરેટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ન્યુયોર્ક અને નેવાર્ક: એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરીની ફ્લાઇટ્સ કરી રદ
અમેરિકાના પૂર્વ કિનારાના વિસ્તારો, ખાસ કરીને ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં રવિવાર વહેલી સવારથી સોમવાર સુધી ભારે હિમવર્ષા અને શિયાળુ તોફાનની આગાહી કરવામાં આવી છે. આ પ્રતિકૂળ હવામાનને કારણે વિમાનની કામગીરી પર મોટી અસર પડવાની શક્યતા છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરીના રોજ ન્યુયોર્ક અને નેવાર્ક જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જે મુસાફરોએ આ તારીખો માટે બુકિંગ કરાવ્યું છે, તેમને એર ઇન્ડિયાની ટીમ સંપૂર્ણ મદદ કરશે. વધુ માહિતી માટે મુસાફરો એર ઇન્ડિયાના 24x7 કોલ સેન્ટર (+91 1169329333, +91 1169329999) પર સંપર્ક કરી શકે છે અથવા તેમની વેબસાઇટ airindia.com તપાસી શકે છે.

આ પણ વાંચો: UNમાં ભારતે ઈરાનનું ખુલ્લેઆમ કર્યું સમર્થન, અમેરિકા અને યુરોપિયન દેશો પણ ચોંક્યા
ન્યુ મેક્સિકોથી ન્યુ ઇંગ્લૅન્ડ સુધીના લગભગ 14 કરોડ લોકો પ્રભાવિત થવાના સંકેત છે, અમેરિકાના હવામાન વિભાગ મુજબ ઉત્તરી કેરોલિના સુધી ભારે વિનાશકારી બરફવર્ષાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોએ કહ્યું છે કે બરફવર્ષાથી પ્રભાવિત ક્ષેત્રોમાં તોફાન જેટલું નુકસાન થઈ શકે છે. શુક્રવાર સુધી બરફનું તોફાન ટેક્સાસના કેટલાક હિસ્સાઓમાં પહોંચ્યું હતું. હવે તે દક્ષિણથી પસાર થઈને ઉત્તર પૂર્વમાં તબાહી મચાવશે. વોશિંગ્ટનથી ન્યુયોર્ક અને બોસ્ટન સુધી લગભગ એક ફૂટ (30 સેન્ટિમીટર) બરફ પડવાની સંભાવના છે. હાલમાં અમેરિકામાં ઘણી જગ્યાઓ પર માયનસ 40 જેટલું તાપમાન થઈ ગયું છે જેથી લોકોનું જીવન કઠિન બન્યું છે.


