World

શાંતિ માટે ટ્રમ્પ, જિનપિંગ, પુતિન સહમત

By GS Team
20 Nov 20264 mins read
TukuTouch Logo
ચીનના શેનઝેનમાં અમેરિકાના ટ્રમ્પ, ચીનના શી જિનપિંગ અને રશિયાના પુતિન વચ્ચે ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં AI, પરમાણુ, હોર્મુઝની ખાડી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા અને ઉર્જા પુરવઠા મુદ્દે સહમતી સધાઈ, પરંતુ ઈરાન અને યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ ન થતા નિષ્ણાતોને આશંકા છે કે આ બેઠક માત્ર ફોટો ઓપ બની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ માટે ટ્રમ્પ, જિનપિંગ, પુતિન સહમત
  • સંયુક્ત ડેક્લેરેશનમાં ઈરાન અને યુક્રેન યુદ્ધ બંધ કરવા ત્રણમાંથી એક પણ નેતાએ મગનું નામ મરી ના પાડયું
  • સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, ઊર્જાનો પુરવઠો વધારવા, આંતરરાષ્ટ્રીય કોર્ટના અધિકાર ક્ષેત્ર મુદ્દે અમેરિકા, ચીન, રશિયા એકમત થયા
  • ત્રણેય નેતાઓની ઐતિહાસિક બેઠક માત્ર ફોટો ઓપ બની રહેવાની નિષ્ણાતોને આશંકા

શેનઝેન : દુનિયાની ત્રણ શક્તિશાળી દેશો અમેરિકા, ચીન અને રશિયાના પ્રમુખો ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિનની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક ગુરુવારે શેનઝેનમાં યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય નેતાઓએ એઆઈ, પરમાણુ, હોર્મુઝની ખાડી અને યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દુનિયાના માથે રશિયા-યુક્રેન અને હોર્મુઝની ખાડી સહિતના યુદ્ધો થોપનારા ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ અંતે આ બેઠકમાં વિશ્વશાંતિ માટે સહમત થયા છે. જોકે, ત્રણેય નેતાઓ આ સહમતી કેટલી ગંભીર છે તેની સામે સવાલો પણ ઊઠયા છે. કારણ કે પુતિને યુક્રેનમાં વધુ ભયાનક હુમલાની વાતો કરી છે જ્યારે જિનપિંગના ભાષણ સમયે ટ્રમ્પ ઊંઘતા ઝડપાયા હતા. દુનિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધો મુદ્દે ટ્રમ્પ બૂમબરાડા પાડતા રહે છે જ્યારે પુતિન યુક્રેન પર હુમલા કરે છે, પરંતુ જિનપિંગ કશું જ બોલતા નથી, જેને પગલે ઈરાન યુદ્ધ પાછળ સંપૂર્ણ દોરીસંચાર જિનપિંગના હાથમાં હોવાનું મનાઈ રહ્યું છે.
ચીનના શેનઝેનમાં એપેક (એપીઈસી) સંમેલનની સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત વૈશ્વિક રાજકારણ અને દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો રોકવા માટે ખૂબ જ મહત્વની મનાતી હતી. આ બેઠક બાદ ત્રણેય નેતાએ સંયુક્ત ડેક્લેરેશન જાહેર કર્યું હતું, જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, ઊર્જાનો પૂરવઠો વધારવા, આંતરરાષ્ટ્રીય કોર્ટના અધિકાર ક્ષેત્ર મુદ્દે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે, નિષ્ણાતોને આ બેઠકના ઉદ્દેશ્યો પૂરા થવાની બહુ ઓછી આશા છે. તેમનું માનવું છે કે આ ઐતિહાસિક બેઠક માત્ર ત્રણેય નેતાનો સંયુક્ત યાદગાર ફોટો બની રહેવાની સંભાવના છે. કારણ કે દુનિયામાં શાંતિની વાતો કરનારા ત્રણેય નેતાઓની ઐતિહાસિક બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત ઘોષણાપત્રમાં ઈરાન અને યુક્રેન યુદ્ધનો કોઈ ઉલ્લેખ જ નહોતો જ્યારે બેઠક પહેલાં ટ્રમ્પે કહ્યું હતુ ંકે તેઓ પુતિન અને જિનપિંગ સમક્ષ ઈરાન અને યુક્રેન યુદ્ધના મુદ્દા ઉઠાવશે. જોકે, બેઠક પછી અમેરિકાએ કોઈ દસ્તાવેજો જાહેર કર્યા નથી. બીજીબાજુ જિનપિંગે કહ્યું કે, આ બેઠક સકારાત્મક, રચનાત્મક અને સારા પરિણામ આપનારી રહી છે.
ત્રિપક્ષીય બેઠક બાદ ચીન અને રશિયા તરફથી શાંતિ ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે પરમાણુ યુદ્ધ ક્યારેય લડાવું જોઈએ નહીં તે બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો. જોકે, કોઈ મોટા આંતરરાષ્ટ્રીય વિવાદનો નક્કર ઉકેલ આવ્યો નહીં.
બેઠકની શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ પેહલી ત્રિપક્ષીય બેઠક ઐતિહાસિક ક્ષણ છે. અમેરિકા, રશિયા અને ચીન પાસે દુનિયામાં પરમાણુ હથિયારોની સંખ્યા ઓછી કરવા અને તેના ઉપયોગનું જોખમ ઘટાડવા પર વાતચીત કરવાની ક્ષમતા છે. ત્રણે દેશો પાસે એટલી તાકાત છે કે તેઓ આ દિશામાં કોઈ પહેલ કરી શકે છે.
જિનપિંગે બેઠકની શરૂઆતમાં કહ્યું કે, ત્રણેય દેશ દુનિયામાં શાંતિના મુદ્દે પર વાતચિત કરશે. પરમાણુ હથિયારો પર રોક લગાવવા અને તેને સંપૂર્ણપણે ખતમ કરવાની જરૂર છે. પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયાની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ અને કહ્યું કે તે માણસો પર લટકતી જોખમની તલવાર છે.
રશિયન પ્રમુખ પુતિને બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમેરિકા, રશિયા અને ચીન આ યુદ્ધમાં વિજેતા રહ્યા હતા. તેથી આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવી રાખવાની તેમની સંયુક્ત જવાબદારી છે. ત્રણેય દેશ સાથે મળીને સ્થિર દુનિયા બનાવી શકે છે.

એપેક સમિટના સત્ર સમયનો વિડીયો વાયરલ
જિનપિંગના ભાષણ સમયે જ ૮૦ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ ઝોકે ચઢ્યા

શેનઝેન : ચીનના શેનઝેનમાં આયોજિત એપેક સમિટના પૂર્ણ સત્ર દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ મુક્ત વેપાર પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઝોકે ચઢી ગયા હતા. જિનપિંગના ભાષણ સમયે ટ્રમ્પ આંખો બંધ કરીને બેઠા હતા.
ટ્રમ્પનો લગભગ ૧૦ સેકન્ડ સુધી ઝોકા ખાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટ્રમ્પના એક ટીકાકારે લખ્યું, અન્ય લોકો એપેકમાં સહયોગ પર વાત કરવા જાય છે અને ટ્રમ્પ ઝોકા ખાવા માટે જાય છે. હવે આપણે બાઈડનની મજાક ઉડાવી નહીં શકીએ, નહીં? એક યુઝરે લખ્યું, તેઓ ૮૦ વર્ષના છે, દુનિયાના બીજા ખૂણેથી ઊડીને આવ્યા છે, લોકોને મળવામાં વ્યસ્ત હતા, પરંતુ તમે એ જ વ્યક્તિ છો, જેમણે ચાર વર્ષ સુધી કોઈની 'સ્લીપી જો' કહીને મજાક ઉડાવી હતી.