Get The App

ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી, 6 કંપનીઓ સામે મૂક્યો પ્રતિબંધ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી, 6 કંપનીઓ સામે મૂક્યો પ્રતિબંધ 1 - image


US 6 Indian Companies Ban: અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર પર ભારત સામે ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં આલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

અમેરિકાએ કેમ લીધો આ નિર્ણય?

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે બુધવારે (30મી જુલાઈ) ઈરાની પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વેપારમાં રોકાયેલી 20 વૈશ્વિક સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા કહ્યું કે, 'ઈરાની શાસન તેની અસ્થિર પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે મિડલ ઈસ્ટમાં સંઘર્ષને ભડકાવવાનું ચાલુ રાખે છે. આજે અમેરિકા તેના રેવન્યુના પ્રવાહને રોકવા માટે કાર્યવાહી કરી રહ્યું છે જેનો ઉપયોગ શાસન વિદેશમાં આતંકવાદને સમર્થન આપવા તેમજ લોકો પર જુલમ કરવા માટે કરે છે.'

અમેરિકાએ ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઈન્ડોનેશિયાની આ 20 કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ અને ખરીદી માટે પ્રતિબંધ મૂક્યો છે.

અમેરિકાએ આ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

આલ્કેમિકેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (આલ્કેમિકેલ સોલ્યુશન્સ): આ કંપની સૌથી મોટા આરોપોનો સામનો કરી રહી છે. અમેરિકાએ તેના પર જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 વચ્ચે ઘણી કંપનીઓ પાસેથી 84 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ મૂક્યો છે.

ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ (ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ): આ કંપની યાદીમાં બીજા ક્રમે છે. તેના પર જુલાઈ 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે 51 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના મિથેનોલ સહિત ઈરાની ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ છે.

જ્યુપિટર ડાઈ કેમ પ્રાઇવેટ લિમિટેડ (જ્યુપિટર ડાઇ કેમ): આ ભારત સ્થિત પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની છે. તેના પર જાન્યુઆરી 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે 49 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ટોલ્યુએન સહિત ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ છે.

રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (રમણિકલાલ): બીજી પેટ્રોકેમિકલ કંપની છે, જે જાન્યુઆરી 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે મિથેનોલ અને ટોલ્યુએન સહિત 22 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની ઉત્પાદનોની આયાત અને ખરીદી કરી હોવાનો આરોપ છે.

પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ : અમેરિકાએ જણાવ્યું હતું કે, 'કંપનીએ ઓક્ટોબર 2024 અને ડિસેમ્બર 2024 વચ્ચે યુએઈ સ્થિત કોમોડિટી ટ્રેડિંગ કંપની બાબ અલ બરશા સહિત અનેક કંપનીઓ પાસેથી મિથેનોલ જેવા ઈરાની મૂળના પેટ્રોકેમિકલ્સ ધરાવતા આશરે 14 મિલિયન ડોલરના શિપમેન્ટની આયાત કરી હતી.

કંચન પોલિમર: આ કંપની પર આરોપ છે કે તેણે તાનાઈસ ટ્રેડિંગ પાસેથી 1.3 મિલિયન ડોલરથી વધુ કિંમતના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનો, જેમાં પોલિઇથિલિનનો સમાવેશ થાય છે, આયાત અને ખરીદી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ બધી ભારતીય કંપનીઓને ઈરાનથી પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી- વેચાણ, પરિવહન અથવા માર્કેટિંગ માટે જાણી જોઈને મહત્વપૂર્ણ વ્યવહારમાં સામેલ થવા બદલ એક્ઝિક્યુટિવ ઓર્ડર 13846 ની કલમ 3(a)(iii) હેઠળ નિયુક્ત કરાઈ છે. 

આ કારણે ભારતે પણ 25% ટેરિફ ચૂકવવો પડશે

30મી જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે હથિયારો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'

Tags :