Trump H1-B Visa Bomb Side Effect: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા ફીમાં કરાયેલા વધારાની ગંભીર અસર ભારતમાં દેખાવા લાગી છે, જેની સૌથી મોટી આડઅસર ભારતીય લગ્ન પર જોવા મળી રહી છે. ટ્રમ્પે આ વિઝા માટેની અરજી ફી વધારીને 1 લાખ ડૉલર (આશરે 88 લાખ રૂપિયા) કરી દેતાં, ભારતમાં અમેરિકામાં નોકરી કરતાં NRI વરરાજાની માંગમાં ઘટાડો થયો છે. એક અહેવાલ મુજબ, જે પરિવારો તેમના સંતાનો માટે NRI જીવનસાથી શોધી રહ્યા હતા, તેઓ હવે ટ્રમ્પની નીતિઓને કારણે આવા NRIની નોકરી પરના સંકટથી ડરીને તેમની લગ્નની યોજનાઓ બદલી રહ્યા છે.
શું છે ટ્રમ્પનો H-1B વિઝા 'બોમ્બ'?
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે હેઠળ અમેરિકન કંપનીઓ દ્વારા વિદેશી કર્મચારીઓની નવી એન્ટ્રી કે ફરી એન્ટ્રી માટે હવે પ્રતિ અરજી પર 1 લાખ ડૉલર(આશરે 88.10 લાખ રૂપિયા)નો ચાર્જ લાગુ થશે.
H-1B વિઝા એ અમેરિકન બિન-નિવાસી વિઝા છે, જે ટક્નોલૉજી, એન્જિનિયરિંગ, મેડિકલ જેવા વિશેષ ક્ષેત્રોમાં વિદેશીઓને કામ કરવાની મંજૂરી આપે છે. આ વિઝા બોમ્બ ભારત માટે મોટો ફટકો છે, કારણ કે નાણાકીય વર્ષ 2024માં H-1B વિઝાના કુલ મંજૂર લાભાર્થીઓમાંથી 71% ભારતીયો હતા.
જોકે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે આ ફી ફક્ત નવી અરજીઓ પર જ લાગુ થશે અને હાલના વિઝા ધારકો કે રિન્યુઅલ પર લાગુ થશે નહીં.
વિઝા 'બોમ્બ'થી NRI વરરાજાની માંગ ઘટી
વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હોવા છતાં, ટ્રમ્પના H-1B વિઝા ફી વધારાના નિયમની અસર ભારતમાં, ખાસ કરીને લગ્નોમાં જોવા મળી રહી છે. જે પરિવારો પોતાના બાળકોના લગ્ન NRI સાથે કરાવવા ઇચ્છતા હતા, તેમનામાં હવે ડર છે. રોયટર્સના અહેવાલ મુજબ, અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ અને વિઝા ફી વધારાને કારણે ભારતીય પરિવારો અમેરિકામાં રહેતા નાગરિકો સાથે લગ્ન કરાવવા માટે ઓછા ઉત્સુક બન્યા છે, એટલે કે NRI વરરાજાની માંગ ઘટી છે.
આ પણ વાંચો: ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર પણ મૂકી શરત, અમેરિકા પાસે માગી એક ગેરન્ટી
મેચમેકિંગ સર્વિસના સ્થાપક અનુરાધા ગુપ્તાએ જણાવ્યું કે, ટ્રમ્પની જાહેરાત બાદ આ ફેરફાર વ્યાપકપણે અનુભવાઈ રહ્યો છે. અગાઉ અમેરિકામાં વસતા લગભગ 21 લાખ NRIને લગ્ન માટેની સૌથી સારી સંભાવના માનવામાં આવતા હતા, પરંતુ હવે આ વિચારસરણી બદલાઈ રહી છે.
મેચમેકિંગ કંપનીઓ આ પગલાં લઈ રહી છે
અહેવાલો મુજબ, કેટલીક મેચમેકિંગ સર્વિસ પૂરી પાડતી કંપનીઓએ ટ્રમ્પની જાહેરાત બાદ ફેરફારો પણ અમલમાં મૂક્યા છે. એક પ્રીમિયમ મેચમેકિંગ એપએ તાજેતરમાં એક અમેરિકન વિઝા ફિલ્ટર શરુ કર્યું છે, જેનાથી પરિવારો વિઝાની સ્થિતિના આધારે સંભવિત NRI પાર્ટનરની તપાસ કરી શકે છે. તેની અસર પણ જોવા મળી છે અને કંપનીના જણાવ્યા મુજબ, ગયા સપ્ટેમ્બર મહિનામાં આ સુવિધા શરુ થયા બાદ લગભગ 1000 બિન-નિવાસી ભારતીયોએ તેના પર સાઇન અપ કર્યું છે, જેમાંથી 60% H-1B વિઝા ધારકો છે.


