ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર પણ મૂકી શરત, અમેરિકા પાસે માગી એક ગેરન્ટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel-Hamas war: ઇઝરાયલ પર હમાસના ભીષણ હુમલાને બે વર્ષ પૂર્ણ થયા છે. 7 ઑક્ટોબર, 2023ના રોજ થયેલા આ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ દ્વારા ગાઝા પર શરુ કરવામાં આવેલી વળતી કાર્યવાહી હજી પણ ચાલુ છે. આ બે વર્ષમાં લાખો લોકોના મોત, બેઘર થવું અને વ્યાપક વિનાશે મધ્ય-પૂર્વના પ્રદેશને હચમચાવી દીધો છે. હવે હમાસે મંગળવારે કહ્યું કે, અમે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના પર આધારિત ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ અમારી હજુ પણ કેટલીક માગ છે અને અમે ગેરન્ટી પણ માગીએ છીએ. આ વચ્ચે કતારના વડાપ્રધાન અને એક વરિષ્ઠ યુએસ મધ્યસ્થી પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ અને ઇઝરાયલ વચ્ચે પરોક્ષ વાટાઘાટોમાં સામેલ થવા માટે ઈજિપ્ત જવા રવાના થઈ ગયા છે. ઇઝરાયલ પર હમાસના હુમલાની બીજી વર્ષગાંઠ પર ટ્રમ્પે ગાઝા કરાર તરફ પ્રગતિની આશા વ્યક્ત કરી. ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ અને તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન મધ્ય પૂર્વના પૂર્વ રાજદૂત રહેલા જેરેડ કુશનર સહિત એક અમેરિકન ટીમ વાટાઘાટો માટે રવાના થઈ છે.
અમેરિકન પ્રમુખે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યું કે, 'મારું માનવું છે કે મધ્ય પૂર્વમાં ગાઝાથી ઉપર પણ શાંતિની શક્યતા છે.' એક સૂત્રના જણાવ્યા પ્રમાણે વાટાઘાટો એ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી અને માહોલ સોમવારની તુલનામાં સારો હતો. સૂત્રએ જણાવ્યું કે, વરિષ્ઠ મધ્યસ્થીઓની હાજરીને જોતાં બુધવારની વાટાઘાટો પ્રગતિ શક્ય છે કે નહીં તે નક્કી કરવામાં નિર્ણાયક સૂચક હશે.
ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર પણ મૂકી શરત
એક અધિકારીએ જણાવ્યું કે, પ્રમુખ મધ્યસ્થીઓમાંથી એક કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ અઝીઝ બુધવારે ગાઝા યુદ્ધવિરામ યોજના અને બંધકોને મુક્ત કરવાના કરારને આગળ વધારવાના હેતુથી વાટાઘાટોમાં સામેલ થશે. ઇજિપ્તના શર્મ અલ-શેખ રિસોર્ટમાં વાતચીતના બીજા દિવસે હમાસના ટોચના નેતા ખલીલ અલ-હય્યાએ ઈજિપ્તની સરકારી ન્યૂઝ ટીવીને જણાવ્યું હતું કે, 'જૂથ ગંભીર અને જવાબદાર વાતચીતમાં સામેલ થવા માટે આવ્યું છે.' હય્યાએ કહ્યું કે 'હમાસ ડીલ માટે તૈયાર છે. પરંતુ તે ઇચ્છે છે કે, તેને એ વાતની ગેરન્ટી મળે કે યુદ્ધ સમાપ્ત થશે અને તે ફરી શરુ નહીં થાય.'
આ પણ વાંચો: 7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ
હમાસ-ઇઝરાયલ યુદ્ધ
7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર 5000 રોકેટ વડે હુમલો કર્યો તે ઘટનાને 2 વર્ષ પૂરા થયા છે. ઇઝરાયલ આમ તો દાયકાઓથી અસ્તિત્વની લડાઈ લડતું રહ્યું છે પરંતુ પ્રથમ વાર આટલો મોટો હુમલો થયેલો જેમાં 1200 ઇઝરાયલી નાગરિકોના મુત્યુ થયા હતા, આ ઉપરાંત હમાસે 250થી વધુ લોકોના અપહરણ કર્યા હતા. બંધકોમાં મોટા ભાગના ઇઝરાયલી અને કેટલાક અન્ય દેશોના નાગરિકો હતા. હુમલા પછી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસનું નામોનિશાન મિટાવવા ઇઝરાયલ ઇન વોરની જાહેરાત કરીને ગાઝામાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું. છેલ્લા બે વર્ષમાં હમાસ અને સહયોગી સંગઠનો વિરુદ્ધની કાર્યવાહીમાં 69,000 લોકોના મુત્યુ થયા છે. હજુ પણ વૉર ચાલું હોવાના સંજોગોમાં મુત્યુઆંક વધે તેવી શક્યતા છે.









