| (IMAGE - IANS) |
Trump Board of Peace Gaza: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંકટના ઉકેલ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલું 'બોર્ડ ઑફ પીસ'(Board of Peace) અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે.
શું છે આ 'બોર્ડ ઑફ પીસ'?
સામાન્ય રીતે આ બોર્ડને ગાઝામાં યુદ્ધવિરામ અને ત્યારપછીની વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી રહ્યું છે. જોકે, ટ્રમ્પના આમંત્રણ પત્રોમાં જે ભાષાનો પ્રયોગ થયો છે તે કંઈક અલગ જ ઇશારો કરે છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'આ વૈશ્વિક વિવાદોને ઉકેલવા માટેની એક નવી અને સાહસિક પદ્ધતિ છે, જે વર્તમાન સંસ્થાઓ(જેમ કે UN) કરતાં અલગ માર્ગ બતાવે છે.'
સભ્યપદ માટેનો વિવાદિત 'મની મોડેલ'
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 'બોર્ડ ઑફ પીસ'નું આ સૂચિત માળખું અત્યંત વિવાદાસ્પદ બની રહ્યું છે, કારણ કે તેમાં સભ્યપદ માટે નાણાકીય માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ જે દેશ 1 અબજ ડૉલર(આશરે 8300 કરોડ રૂપિયા)નું યોગદાન આપશે, તેમને જ બોર્ડમાં સ્થાયી સભ્યપદ આપવામાં આવશે, જ્યારે કોઈપણ નાણાકીય યોગદાન વગરના દેશોને માત્ર 3 વર્ષ માટે અસ્થાયી સભ્યપદ મળી શકશે.
આ પણ વાંચો: ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, 20 હજારથી વધુ લોકો બેઘર, ઈમરજન્સી જાહેર
આ મોડેલની વિશ્વ સ્તરે આકરી ટીકા થઈ રહી છે, કારણ કે ટીકાકારોનું માનવું છે કે આનાથી વૈશ્વિક શાસન વ્યવસ્થા માત્ર 'પૈસા' અને આર્થિક શક્તિના આધારે ચાલતી થઈ જશે. જોકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો આ પદ્ધતિનો બચાવ કરતાં જણાવી રહ્યા છે કે, આ વ્યવસ્થા જટિલ આંતરરાષ્ટ્રીય વિવાદોમાં બિનજરૂરી વિલંબ અટકાવી ઝડપી અને અસરકારક નિર્ણયો લેવાનું એક સક્ષમ માધ્યમ સાબિત થશે.
UNSCના નામે અલગ રમત?
રસપ્રદ વાત એ છે કે ભારત અને અન્ય દેશોને મોકલવામાં આવેલા આમંત્રણમાં ઉલ્લેખ છે કે UNSCએ અમેરિકાની 20 મુદ્દાની ગાઝા યુદ્ધવિરામ યોજનાનું સમર્થન કર્યું છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ UNSCની માન્યતાનો ઉપયોગ તો કરી રહ્યા છે, પરંતુ જમીની નિર્ણયો લેવા માટે એક સમાંતર મંચ ઊભો કરી રહ્યા છે.
શું યુનાઇટેડ નેશન્સને સાઇડલાઇન કરાશે?
ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધીમાં 31 યુએન(UN) એજન્સીઓમાંથી અમેરિકાને અલગ કરી દીધું છે અને ફંડિંગમાં મોટો કાપ મૂક્યો છે. બીજી તરફ, UNSCમાં ભારત, બ્રાઝિલ અને તૂર્કીયે જેવા દેશોને લાંબા સમયથી સ્થાયી સભ્યપદથી દૂર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પે આ તમામ દેશોને 'બોર્ડ ઑફ પીસ'માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ટ્રમ્પ ધીમે-ધીમે સંયુક્ત રાષ્ટ્રની શક્તિ ઘટાડીને એક નવો 'વર્લ્ડ ઑર્ડર' બનાવવા જઈ રહ્યા છે?


