અમેરિકાના લોસ એન્જલસમાં લૂંટફાટ, માર્ગો પર આગચંપી-તોડફોડ, મેયરે કર્ફ્યૂ લગાવ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળ્યાના બીજા જ દિવસથી ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડી મૂકવા માટે સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે. સેંકડો ગેરકાયદે વસાહતીઓની ધરપકડ કરીને તેમના વતન ધકેલવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ઈમિગ્રન્ટ એન્ડ કસ્ટમ વિભાગે લોસ એન્જલસમાં શુક્રવારે દરોડા પાડી 118 ગેરકાયદે વસાહતીઓની અટકાયત કર્યા પછી શહેરમાં પ્રમુખ ટ્રમ્પના વિરોધમાં ફાટી નીકળેલા રમખાણો વધુ વકર્યા છે.
કર્ફ્યુની જાહેરાત
વિરોધ પ્રદર્શનોને કારણે, લોસ એન્જલસના મેયર દ્વારા શહેરની મધ્યમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કરેન બાસે કહ્યું, 'મેં સ્થાનિક કટોકટી જાહેર કરી છે અને લોસ એન્જલસના ડાઉનટાઉનમાં તોડફોડ અને લૂંટફાટ અટકાવવા માટે કર્ફ્યુ જારી કર્યો છે. કર્ફ્યુ મંગળવારે (સ્થાનિક સમય) રાત્રે 8 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.'
આ પણ વાંચોઃ જહાજમાં ફસાયેલા 14 નાગરિકોને બચાવતા ચીન ગદગદીત, કહ્યું - ભારતીય નેવી તમારો આભાર!
ટ્રમ્પે દેખાવકારોને ડામવા આર્મી મોકલી
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગેરકાયદે વસાહતીઓની તરફેણમાં થયેલા દેખાવોને ડામવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નર ગેવિન નૂઝમની મંજૂરી વિના જ શહેરમાં 2000થી વધુ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા હતા. જોકે, ટ્રમ્પના આ પગલાંથી દેકાવકારો વધુ ઉગ્ર બન્યા હતા અને તેમણે અનેક જગ્યાએ ગાડીઓ સળગાવી હિંસક દેખાવો કર્યા હતા. આ દેખાવો ડામવા માટે ટ્રમ્પે લોસ એન્જલસમાં વધુ 2000 નેશનલ ગાર્ડ અને 700 મરીન સૈનિકો મોકલવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આમ ટ્રમ્પે 40 લાખની વસતી ધરાવતા શહેરમાં નેશનલ ગાર્ડના કુલ 4000 સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. લોસ એન્જલસમાં ગેરકાયદે વસાહતીઓની અટકાયત કરાઈ છે તે ડિટેન્શન સેન્ટર બહાર નેશનલ ગાર્ડના સૈનિકો તૈનાત હતા, પરંતુ મરિન કમાન્ડો હજુ ક્યાંય દેખાયા નથી. અમેરિકામાં વર્ષ 1965માં પ્રમુખ લિન્ડન જ્હોન્સને અલબામામાં નાગરિક અધિકારોના દેખાવો રોકવા માટે ગવર્નરની મંજૂરી વિના સૈન્ય મોકલ્યું હતું. ત્યાર પછી છેક અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું ભર્યું છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો ઉગ્ર વિરોધ
ગ્લેમર અને ચમક-દમક માટે વિશ્વવિખ્યાત લોસ એન્જલસમાં અત્યારે દેખાવકારોએ ભારે તોફાન મચાવ્યું છે. દેખાવકારોએ હાઈવે પર કબજો કર્યો છે અને વાહનો, ટાયરો સળગાવવાથી લઈને તોડફોડ સાથે ટ્રમ્પની નીતિઓનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સામે પોલીસ પણ દેખાવાકારો પર નિયંત્રણ મેળવવા માટે ગોળીબાર કરી રહી છે. ડાઉનટાઉનથી પેરામાઉન્ટ અને કોમ્પ્ટન સુધી જબરજસ્ત હિંસા થઈ રહી છે.
ડેમોક્રેટ સરકાર રોષે ભરાઈ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, લોસ એન્જલસ અત્યારે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને મેયર કેરન બ્રાસ તથા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન નૂઝમને વાસ્તવિક્તાનો કોઈ ખ્યાલ નથી. અમે જનતાની સુરક્ષા માટે સૈનિકોને મોકલ્યા છે. બીજીબાજુ નેશનલ ગાર્ડ મોકલવાના ટ્રમ્પના પગલાંથી કેલિફોર્નિયાની ડેમોક્રેટ સરકાર પણ ગુસ્સે ભરાઈ છે.
મંજૂરી વિના આર્મી મોકલતા ટ્રમ્પ સામે કેસ કર્યો
કેલિફોર્નિયાના એટર્નિ જનરલ રોબ બોન્ટાએ ગવર્નર ગેવિન નૂઝમની મંજૂરી વિના રાજ્યમાં સૈનિકો મોકલવા અને રાજ્યના અધિકારો પર તરાપ મારવા બદલ પ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ કેસ કર્યો છે. વોન્ટાએ કહ્યું કે, લોસ એન્જલસમાં કોઈ હુમલા નથી થઈ રહ્યા કે કોઈ બળવો પણ નથી થયો. પ્રમુખ ટ્રમ્પ ઈરાદાપૂર્વક જમીન પર અરાજકતા અને સંકટ પેદા કરી રહ્યા છે, જેથી તેમનું રાજકારણ કરી શકે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નરની મંજૂરી વિના સૈન્ય મોકલીને તેમની હદો પાર કરી દીધી છે. તેમણે ફેડરલ કાયદાઓનો દુરૂપયોગ કર્યો છે, જે વિદેશી હુમલા અથવા અમેરિકન સરકાર વિરુદ્ધ બળવા જેવી વિશેષ પરિસ્થિતિઓમાં જ પ્રમુખને સૈનિકોને મોકલવાની મંજૂરી આપે છે. અત્યારે કેલિફોર્નિયામાં આવી કોઈ પરિસ્થિતિ નથી. આ કેસ લોસ એન્જલસમાં 2000 નેશનલ ગાર્ડ સૈનિકોની તૈનાતી કરવાના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયો છે. ટ્રમ્પનું આ પગલું ગેરકાયદે છે. તેમના આ પગલાંથી તણાવપૂર્ણ વાતાવરણ વધુ બગડી શકે છે.
નોંધનીય છે કે, અમેરિકામાં લોસ એન્જલ્સમાં ચાલતા પ્રદર્શન દરમિયાન તોફાનીઓએ એપલના સ્ટોર અને જોર્ડન ફ્લેગશિપ સહિત બધા સ્ટોર્સને લૂંટયા હતા. આ ઘટનાક્રમ રવિવારે રાત્રે સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. દેખાવકારો એપલના સ્ટોરમાં લૂંટફાટ કરી રહ્યા હતા તે જ સમયે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ ઘણા લૂંટારૂઓ એપલના સ્ટોરની અંદર જ ફસાઈ ગયા.
એપલના સ્ટોરની લૂંટના વાઈરલ થયેલા વીડિયોમાં માસ્ક પહેરેલા ઘણા વ્યક્તિ લૂંટફાટ કરતાં અને તોડફોડ કરતાં નજરે પડે છે. એક વ્યક્તિ સામાન ઉઠાવે છે અને જોરથી કાચ પર મારે છે. તેના કારણે કાચમાં તિરાડ પડી જાય છે. પોલીસના સાયરન અને ગોળીનો અવાજ પણ સાંભળી શકાય છે. આ પહેલા ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના વિરોધમાં હજારો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટ્રમ્પે તેમને રોકવા માટે નેશનલ ગાર્ડ ગોઠવ્યા છે. પણ ફક્ત 300 નેશનલ ગાર્ડે હજારો લોકોને સંભાળવામાં ઘણો સામનો કરવો પડયો.