ચાર્લી કર્ક મર્ડર કેસ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે પુષ્ટિ કરતાં કહ્યું- મોતની સજા આપીશું
Trump Confirms Arrest in Charlie Kirk Assassination Case : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ( 12 સપ્ટેમ્બર ) જાહેરાત કરી છે કે રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના શંકાપસદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બુધવારે યુટા વેલી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સેંકડો લોકોની ભીડની વચ્ચે ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદથી જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર અમેરિકામાં દેશવ્યાપી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ચાર્લી કર્કના હત્યારાની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી છે કે શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે હત્યારાની નજીકની વ્યક્તિએ જ સુરક્ષા એજન્સીઓને તેની ભાળ આપી હતી. આશા છે કે ચાર્લીના હત્યારાને મોતની સજા મળશે. નોંધનીય છે કે ચાર્લી કર્ક ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ ખાસ વ્યક્તિ તરીકે જાણીતા હતા.
કોણ હતા ચાર્લી કર્ક? કેમ હતા જાણીતા?
નોંધનીય છે કે ચાર્લી કર્ક લેખક, પૉડકાસ્ટ હોસ્ટ તથા ટર્નિંગ પોઈન્ટ નામક વિદ્યાર્થી સંગઠનના સહ-સંસ્થાપક હતા. તેઓ સમગ્ર અમેરિકામાં પોતાના તેજાબી નિવેદનોના કારણે વાઈરલ હતા. તથા તેમની કટ્ટર વિચારધારાના કારણે લેફ્ટ વિચારધારાના લોકો સાથે તેમના અવાર-નવાર વિવાદ થતાં હતા. એવામાં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હજારોની ભીડ વચ્ચે સ્નાઈપરથી ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી.
FBIના જણાવ્યા અનુસાર હુમલાખોર કેમ્પસની છત પર પહોંચ્યો અને ગોળી ચલાવ્યા બાદ કૂદીને ભાગી ગયો હતો. બાદમાં તપાસ અધિકારીઓને પાસેલા જંગલ વિસ્તારમાંથી એક રાઈફલ મળી આવી હતી.