Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાસ વિમાન 'એર ફોર્સ વન' મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ જવા રવાના થયું હતું, જ્યાં તેઓ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવાના હતા. પરંતુ ટેકઓફ કર્યાની થોડી જ વારમાં વિમાનને અધવચ્ચેથી પરત મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર લાવવું પડ્યું હતું. વિમાન પાછું વાળવા પાછળનું કારણ ઉડાન દરમિયાન આવેલી કોઈ ટેકનિકલ ખામી હોવાનું જણાવાયું છે.
નાની એવી ઇલેક્ટ્રિકલ ખામી સર્જાઈ
ક્રૂ મેમ્બર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 11:00 વાગ્યે એર ફોર્સ વન પરત બેઝ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં એક નાની એવી ઇલેક્ટ્રિકલ સમસ્યા જોવા મળી હતી, જેના કારણે સાવચેતીના ભાગરૂપે વિમાનને પાછું ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. વિમાનમાં હાજર રિપોર્ટરોના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન પ્રેસ કેબિનની લાઈટો પણ થોડીવાર માટે ગુલ થઈ ગઈ હતી.
2020 પછી ટ્રમ્પની પ્રથમ રૂબરૂ દાવોસ મુલાકાત
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, ટેકઓફના તરત બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કોઈ જોખમ ન રહે. ટ્રમ્પની આ યાત્રા રદ કરવામાં આવી નથી, માત્ર વિમાન બદલીને તેઓ ફરીથી સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થશે. વર્ષ 2020 પછી ટ્રમ્પ પ્રથમ વખત રૂબરૂ આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને તેમની સાથે અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ પણ જોડાશે.
વિશ્વભરના નેતાઓ અને બિઝનેસ ટાયકૂન્સનું મહાસંમેલન
દાવોસમાં યોજાનારી આ વાર્ષિક બેઠકમાં આ વર્ષે વિશ્વભરના આશરે 3,000 નેતાઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વખતે રેકોર્ડબ્રેક 400 રાજકીય નેતાઓ અને 850 મોટી કંપનીઓના સીઈઓ હાજર રહેશે. ટ્રમ્પની હાજરી આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે, કારણ કે અગાઉ તેમણે વર્ચ્યુઅલ સંબોધન દ્વારા વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવી હતી.
આ પણ વાંચો: 1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 'કાંડ'! યુરોપથી લઈને હિંદ મહાસાગર સુધી હલચલ
મુખ્ય દેશોની ગેરહાજરી વચ્ચે બદલાતું રાજકારણ
જોકે, આ ભવ્ય આયોજન વચ્ચે કેટલાક મોટા વિવાદો અને ગેરહાજરી પણ જોવા મળી રહી છે. ગ્રીનલેન્ડ મુદ્દે ચાલી રહેલા વિવાદ અને ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પર નવા ટેરિફ લગાવવાની જાહેરાતને કારણે ડેનમાર્ક સરકારે આ બેઠકથી દૂરી બનાવી લીધી છે. આ ઉપરાંત, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ આ યાદીમાં સામેલ નથી. ભારત અને બ્રાઝિલના ટોચના નેતાઓ પણ આ વખતે દાવોસમાં જોવા મળશે નહીં, જેના કારણે વૈશ્વિક રાજકારણના સમીકરણો પર સૌની નજર ટકેલી છે.


