ટ્રમ્પ સરકારે એચ-1બી અને એચ-4 વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા

- અચાનક જ આવેલા મેઇલથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટમાં ફફડાટ
- વિઝાધારકની વર્તમાન સ્થિતિમાં ફેર નહીં પડે, પરંતુ અમેરિકા છોડીને જશે તો પરત નહીં આવી શકે
- વિઝાધારકના વર્તમાન દરજ્જાને લઈને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ નવી વિઝા એપોઇન્ટમેન્ટ વખતે સ્ક્રુટિની થઈ શકે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રએ લીધેલા નવા પગલામાં એચ-૧બી અને એચ-૪ વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિદેશ વિભાગે મોકલેલા મેઇલના કારણે અમેરિકાના મોટાપાયા પરના એચ-૧બી વિઝાધારક અને એચ-૪ વિઝાધારકની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકામાં આ ઘટના ત્યારે થઈ છે જ્યારે વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા તપાસ કરવાની સ્કીમ લાગુ કરી છે.
તાજેતરના દિવસોમાં અનેક એચ-૧બી અને એચ-૪ વિઝાધારકને અમેરિકન કોન્સ્યુલેટ્સ તરફથી ઇ-મેઇલ મળ્યા છે. આ સંદેશાઓમાં જણાવાયું છે કે તેમના વિઝાને કામચલાઉ ધોરણએ રદ કરવામાં આવ્યા છે. તેના કારણે સંખ્યાબંધ વિઝાધારકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. તેમણે તરત જ ઇમિગ્રેશન એટર્નીને ફોન ઘુમાવવા માંડયા છે.
આ ઇ-મેઇલ્સમાં ખાસ જણાવાયું છે કે વિઝાધારક અમેરિકા બહાર હશે તેના પર તો તાત્કાલિક અસરથી લાગુ પડશે. જ્યારે દેશની અંદર હશે તેના પર આ નિયમ તે અમેરિકા છોડશે નહીં ત્યાં સુધી અમલમાં રહેશે. એક વખત તે અમેરિકાની બહાર જાય પછી તે આ વિઝાની મદદથી અમેરિકામાં પ્રવેશી નહી શકે. આ સ્થિતિને વિઝા કેન્સલેશન કે વિઝા રદ ઇન્કારની સ્થિતિ ન કહી શકાય. પણ પછીની વિઝા નિમણૂક વખતે વિઝાધારકે નવેસરથી સ્ક્રુટિનીમાંથી પસાર થવું પડશે.
ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેન મુજબ પ્રુડેન્સિયલ વિઝા રદ કરવાનો નિર્ણય એક અસ્થાયી અને તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલું પગલું છે. આ કંઈ વિઝા કાયમ માટે રદ કરવાનો નિર્ણય નથી.
એચ-૧બી અને એચ-૪ વિઝાધારકોના મામલામાં પ્રુડેન્સિયલ વિઝા રદ કરવાના મામલા વધી રહ્યા છે. હવ તેના અધિકાર ક્ષેત્રમાં એવા લોકોને પણ લેવામાં આવી રહ્યા છે જેમને અગાઉ કાયદાકીય એજન્સીઓ સાથે સંપર્ક થયો હતો, પરંતુ તેમને કોઈ સજા થઈ ન હતી. ટેક્સાસના હ્યુસ્ટન શહેરના વકીલના જણાવ્યા મુજબ કેન્સલેશનથી અમેરિકામાં કોઈ વ્યક્તિના કાયદાકીય દરજ્જામાં કોઈ ફેર નહી પડે. છતાં તેનો અર્થ એમ કરી શકાય કે અરજદારના આગામી વિઝા એપોઇન્ટમેન્ટના મામલાની ફરીથી ચકાસણી કરવામાં આવશે
વકીલે જણાવ્યું હતું કે આ સમજવું મુશ્કેલ છે કે કેમકે આ પ્રકારની ઘટનાની તપાસ તો પહેલા જ તપાસ થઈ ચૂકી હોય છે.ન્યુમેને અમેરિકન વિદેશ વિભાગની એક જૂની પોસ્ટ શેર કરી છે. તેમા જણાવાયું હતું કે વિઝા સ્ક્રીનિંગ સતત ચાલતી પ્રક્રિયા છે. તાજેતરમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તે એચ-૧બી વિઝા અરજદારો અને આશ્રિત વિઝા પર કુટુંબના સભ્યોની સોશિયલ મીડિયાનું સ્ક્રીનિંગ શરૂ કરશે તેના તરત જ પછી આ પ્રકારનો મેઇલ જારી કરવામાં આવ્યો છે.

