Get The App

વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
New Rules For US visa


New Rules For US visa: અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે, ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વિઝાની મુદત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે (27 ઓગસ્ટ, 2025) જાહેર થયેલા નવા નિયમ મુજબ, આ લોકોને હવે યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા માટે અરજી કરવી પડશે.

જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. આ નવા નિયમો વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વર્કર્સ અને વિદેશી પત્રકારો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરશે. હાલમાં, આ વિઝા તેમના કાર્યક્રમ કે નોકરીની મુદત સુધી માન્ય રહે છે, પરંતુ નવા નિયમથી આ સમયગાળો નિશ્ચિત થઈ જશે.

વિઝાના નવા નિયમો શું છે?

પ્રસ્તાવિત નિયમ મુજબ, વિદેશી વિદ્યાર્થીઓ માટે F વિઝા, કલ્ચરલ એક્સચેન્જ કાર્યક્રમો માટે J વિઝા અને પત્રકારો માટે I વિઝાની મુદત નક્કી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ 

આ વિઝાની મુદત ચાર વર્ષથી વધુ નહીં હોય. યુ.એસ. સરકારના 2024ના આંકડા મુજબ, 1.6 મિલિયન વિદેશી વિદ્યાર્થીઓ F વિઝા પર હતા. નાણાકીય વર્ષ 2024માં 3.55 લાખ એક્સચેન્જ વિઝિટર્સ અને 13,000 પત્રકારોને વિઝા આપવામાં આવ્યા હતા.

પત્રકારો

પત્રકારો માટેનો વિઝા, જે હાલમાં વર્ષો સુધી ચાલી શકે છે, તે હવે 240 દિવસ સુધીના રહેશે. જોકે, ચીનના નાગરિકો માટે આ મુદત માત્ર 90 દિવસની રહેશે. આ વિઝા ધારકો મુદત પૂરી થયા બાદ ફરી અરજી કરીને તેને લંબાવી શકશે.

ટ્રમ્પ સરકારનો તર્ક

ટ્રમ્પ સરકારે આ નિયમ પાછળનો હેતુ વિઝા ધારકો પર વધુ સારી રીતે 'નિરીક્ષણ અને દેખરેખ' રાખવાનો જણાવ્યો છે.

આ પ્રસ્તાવ પર લોકો આગામી 30 દિવસ સુધી પોતાનો અભિપ્રાય આપી શકશે. નોંધનીય છે કે, ટ્રમ્પના પહેલા કાર્યકાળના અંતમાં 2020માં પણ આવો જ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યારના પ્રમુખ જો બાઈડને તેને 2021માં પાછો ખેંચી લીધો હતો.

ટ્રમ્પ સરકારના કડક પગલાંથી વિઝા અને ગ્રીન કાર્ડ રદ થવાનું જોખમ

NAFSA, જે વિશ્વભરની 4,300થી વધુ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે, તેણે 2020માં પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પ સરકારે કાયદેસર ઇમિગ્રેશન પર તપાસ વધારી છે, જેમાં વિદ્યાર્થીઓના વૈચારિક મંતવ્યોના આધારે તેમના વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવા અને હજારો માઇગ્રન્ટ્સની કાયદેસર સ્થિતિ છીનવી લેવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 'વેપાર હવે હથિયાર બની ગયો છે...' પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ટેરિફ મુદ્દે ભારતને ચેતવ્યો

22 ઓગસ્ટના એક મેમોમાં, યુ.એસ. સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે (CIS) જણાવ્યું કે તે નાગરિકતા અરજદારોના રહેઠાણ, નૈતિક ચારિત્ર્ય અને 'અમેરિકન આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા' ચકાસવા માટે તેમના પડોશમાં ફરીથી મુલાકાત લેવાનું શરૂ કરશે.

શું આ નિર્ણયથી વિદ્યાર્થીઓને નુકસાન થશે?

ટ્રમ્પ સરકારે ભલે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના નામે લીધો હોય, પરંતુ કેટલાક નિષ્ણાતો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ નિયમોથી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર નકારાત્મક અસર પડી શકે છે.

ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લાંબા ગાળાના રિસર્ચ અથવા મલ્ટી યર કોર્સ કરતા હોય છે. નવા નિયમો મુજબ, તેમને તેમના અભ્યાસ દરમિયાન વારંવાર વિઝા રિન્યુઅલની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ જ રીતે, પત્રકારો માટે વિઝાની મર્યાદિત મુદત તેમની સ્વતંત્ર અને અવિરત રિપોર્ટિંગને અસર કરી શકે છે.

વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા 2 - image

Tags :