ટ્રેડ વૉર વચ્ચે ચીનની અમેરિકાને સલાહ, રેસિપ્રોકલ ટેરિફ ખતમ કરવાની ટ્રમ્પને કરી અપીલ

Trade War: ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે (13 એપ્રિલ, 2025) અમેરિકાને પારસ્પરિક (રેસિપ્રોકલ) ટેરિફને સંપૂર્ણપણે રદ કરવાની અપીલ કરી છે. અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન, લેપટોપ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે છૂટ આપી હતી.
ન્યૂઝ એજન્સી AFPએ મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી કહ્યું હતું કે, 'અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાની ભૂલો સુધારવા માટે એક મોટું પગલું ભરે, રેસિપ્રોકલ ટેરિફની ખોટી પ્રથાને સંપૂર્ણ રીતે રદ કરે અને એકબીજાના સન્માનના સાચા રસ્તા પર પરત ફરે.'
ટેરિફ કારણે ચીનની આર્થિક બગડી રહી છે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. ચીનના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આ વાતને લઈને ચિંતામાં છે કે આવનારા સમયમાં દેશની સ્થિતિ શું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાએ ચીનની વિદેશી સંપત્તિ જપ્ત કરી લીધી તો ચીનની હાલત રશિયા જેવી થઈ જશે.
શું કહી રહ્યા છે ચીનના અર્થશાસ્ત્રીઓ?
સાઉથ ચીનના પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ચીનના એક વરિષ્ટ અર્થશાસ્ત્રી અને પૂર્વ સેન્ટ્રલ બૅંકના સલાહકાર યુ યોંગડિંગની અમેરિકા સાથે વધતાં વેપાર યુદ્ધ વચ્ચે ચીનની વિદેશી સંપત્તિની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચીની અધિકારીઓને સતર્ક રહેવા અને સંભવિત નુકસાનને ઓછું કરવા માટે જરૂરી તૈયારીઓ કરવાની સલાહ આપી છે.
અમેરિકા ડૉલરને હથિયાર બનાવી શકે છે
યુ યોંગડિંગના બેઇજિંગમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'અમેરિકા ડૉલરને હથિયાર બનાવી શકે છે. ટ્રેડ વોર તીવ્ર બની રહ્યો છે, મને ડર છે કે, સંઘર્ષ ચીનની વિદેશી સંપત્તિઓ સુધી પહોંચી શકે છે.
ચીન પાસે 2024ના અંત સુધીમાં 10.2 ટ્રિલિયન ડૉલરની વિદેશી સંપત્તિ હોવાની અપેક્ષા હતી. ભારતીય રૂપિયામાં આ લગભગ 850 લાખ કરોડ રૂપિયા થાય જેમાંથી $3.2 ટ્રિલિયન ફોરેક્સ રિઝર્વ છે. તેમાથી મોટાભાગના યુએસ ડૉલરમાં છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન યુએસ ટ્રેઝરી બિલ્સમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડી રહ્યું છે. વર્ષ 2017 બાદ ચીને યુએસ બોન્ડમાં લગભગ 25 ટકાનો ઘટાડો કર્યો છે.
રશિયાની જેમ ચીન સાથે પણ આવું બની શકે છે
યુ યોંગડિંગે ચેતવણી આપતાં કહ્યું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ જે રીતે રશિયન સંપત્તિ જપ્ત કરી તેમાંથી બોધપાઠ લેવો જોઈએ, અને ચીને સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું, 'આપણે તૈયાર રહેવું જોઈએ અને ભવિષ્યના નુકસાનને ઓછું કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.'
"માર-એ-લાગો એકોર્ડ" પણ જોખમમાં છે?
આ ઉપરાંત યુએ "માર-એ-લાગો એકોર્ડ" નામની કાલ્પનિક યોજના પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં યુએસ વિદેશી ઉધાર લેનારાઓના ડૉલર-નિર્મિત દેવાને 100-વર્ષના બોન્ડમાં રૂપાંતરિત કરી શકે છે. યુના કહેવા પ્રમાણે, 'આ એક પ્રકારનું ડિફોલ્ટ હશે, જે ચીન માટે મોટો ખતરો બની શકે છે.'

