પાકિસ્તાનમાં ટિકટોક સ્ટાર સુમીરા રાજપૂતનો ઘરમાં જ મૃતદેહ મળ્યો, દીકરીએ કહ્યું- ઝેર અપાયું
Pakistan Tiktok Star Death: પાકિસ્તાનમાં વધુ એક મહિલા ટિકટોક કન્ટેન્ટ ક્રિએટરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. સિંધના ઘોટકી જિલ્લાના બાગો વાહ વિસ્તારમાં રહેતી સુમીરા રાજપૂત નામની ટિકટોક સ્ટારનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાની દીકરીએ કહ્યું છે કે, 'મારી માતાનું મૃત્યુ ઝેરના કારણે થયું છે. કેટલાક લોકો મારી માતા પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે તેમણે ના પાડી ત્યારે આ લોકોએ તેને બળજબરીથી ઝેર પીવડાવ્યું, જેના કારણે મારી માતાનું મૃત્યુ થયું.'
પોલીસે બે લોકોની અટકાયત
અહેવાલો અનુસાર, સુમીરાની 15 વર્ષની દીકરીએ જણાવ્યું કે, 'મારી માતાને ઝેરી ગોળીઓ આપવામાં આવી હતી.' નોંધનીય છે કે, મૃતક સુમીર રાજપૂતના ટિકટોક પર 58,000 ફોલોઅર્સ હતા. તે ખૂબ જ લોકપ્રિય હતી અને તેની કેટલીક પોસ્ટને દસ લાખથી વધુ લાઈક્સ મળી હતી. સુમીરાની દીકરીના નિવેદન બાદ પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પરંતુ સુમીરાના મૃત્યુ પાછળના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: અમેરિકાના મિશિગનમાં મોટી ઘટના : વૉલમાર્ટમાં 11 લોકો પર ચપ્પા વડે હુમલો, આરોપીની ધરપકડ
ઘોટકી પોલીસના જણાવ્યાનુસાર, આ કેસની તપાસ ચાલી રહી છે. કેટલાક લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, 'સુમીરાની હત્યા ખરેખર ઝેર આપીને કરવામાં આવી છે કે આની પાછળનું કારણ કંઈક બીજું છે.'
પાકિસ્તાનમાં મહિલાઓ સામે હિંસા
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રભાવ ધરાવતી મહિલાઓ સામે હિંસાઓ વધી રહી છે. અગાઉ ઈસ્લામાબાદમાં 17 વર્ષીય ટિકટોક સ્ટાર સના યુસુફને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સનાની હત્યા બદલ 22 વર્ષીય ઉમર હયાતની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ પહેલા પણ નોંધાઈ છે.