બાળકોની પ્રાઇવસીના કેસમાં ટિકટોકે રૂ. 3,828 કરોડમાં સમાધાન કર્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : બાળકોની પ્રાઇવસી સાથે જોડાયેલા કેસમાં ટિકટોકે હવે રૂ. ૩,૮૨૮ કરોડ (૪૦ કરોડ ડોલર) ચૂકવશે. ટિકટોકે અમેરિકાના ન્યાયવિભાગ સાથે સમાધાન કરીને આ કેસનો અંત આણ્યો છે. આ સમાધાન પછી ૨૦૨૪માં ટિકટોક સામે દાખલ થયેલો કેસ ખતમ થઈ જશે, જેમા કંપની પર ફેડરલ ચાઇલ્ડ પ્રાઇવસી એક્ટનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે ટિકટોક રુ. ૨,૮૫૦ કરોડ (૩૦ કરોડ ડોલર)ની તાત્કાલિક ચૂકવણી કરશે અને બાકીના રૂ. ૯૫૦ કરોડ (દસ કરોડ ડોલર)ત્યારે આપવામાં આવશે જ્યારે તેની જૂની કંપની મ્યુઝિકલી સામે જારી કરવામાં આવેલા જૂના આદેશ રદ કરવામાં આવશે. અમેરિકાના એસોસિયેટ એટર્ની જનરલ સ્ટેન્લી ઇ વુડવર્ડ જુનિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમજૂતી અમેરિકન બાળકો અને તેમના માબાપ માટે મોટી જીત છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે ન્યાય વિભાગની જવાબદારી છે કે તે બાળકોની ઓનલાઇન સેફટી અને તેમની પર્સનલ ઇન્ફોર્મેશનવાળી કંપનીઓને ચેક કરે કે તે તેમની કાયદાકીય જવાબદારીઓનું પાલન કરી રહી છે કે નહીં. ટિકટોક સાથે કરવામાં આવેલી આ સમજૂતી ફેમિલીને મળનારી સુરક્ષા મજબૂત કરવાની સાથે મોટી રકમની વસૂલી સુનિશ્ચિત કરે છે.
વર્ષ ૨૦૨૪માં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કેસ ફાઇલ કર્યા પછી ટિકટોકમાં ઘણા ફેરફાર આવી ચૂક્યા છે. તેમા સૌથી મહત્ત્વનો ફેરફાર અમેરિકામાં કંપનીના માલિકી માળખાને લઈને થયેલા ફેરફારનો છે. જાન્યુઆરીમાં ટિકટોકે ઓરેકલ, સિલ્વર લેક અને સંયુક્ત આરબ અમિરાતની ઇન્વેસ્ટમેન્ટ કંપની એમજીએક્સ સહિત ઘણી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. તેની સાથે નવુ સંયુક્ત સાહસ તૈયાર કરવાની યોજના છે.
ટિકટોક અને તેની ચીન સ્થિત પેરેન્ટ કંપની બાઇટડાન્સ પર ઘણા આરોપ છે. અમેરિકન કાયદા બેઠળ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા એપ્સ અને વેબસાઇટને ૧૩ વર્ષથી નીચી વયના બાળકોની વ્યક્તિગત જાણકારી એકત્રિત કરતા પહેલા તેમના માબાપ કે ગાર્ડિયનની મંજૂરી લેવી જરૂરી છે. કંપનીએ આ જોગવાઈનો ભંગ કર્યો હતો.
આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટિકટોક અને તેની પેરેન્ટ કંપનીએ નિયમોનો ભંગ કર્યો છે. તેની સાથે કંપની પર આરોપ છે કે જ્યારે પેરેન્ટ્સે તેમના બાળકોના ખાતા ડીલીટ કરવાની માંગ કરી તો કંપનીએ ન કર્યા. ફક્ત એટલું જ નહીં કેટલાય એકાઉન્ટ તો ૧૩ વર્ષથી પણ નાની વયના બાળકોના હતા.
ટિકટોક સામે આ કેસ એવા સમયે થયો છે જ્યારે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી મીડિયા કંપનીઓ બાળકોની સુરક્ષા અને પ્રાઇવસી સાથે જોડાયેલા ઘણા કેસનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય દેશોમાં તો બાળકો માટે સોશિયલ મીડિયા પર જ પ્રતિબંધ ફરમાવાયો છે.









