બેઈજિંગ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
વુહાનમાંથી કોરોના વાયરસ ફેલાયો તેનું સાચું કારણ બહાર આવે તે પહેલા જ કોવિડ-19ના ત્રણ વ્હિસલબ્લોઅર પાછલા બે મહીનામાં ગાયબ થઈ ગયા છે. ચેન ક્વિશી, ફાંગ બિંગ અને લી જેહુઆ આ ત્રણેય વ્યક્તિએ વિશ્વને વુહાનમાં ફેલાયેલા વાયરસના સત્ય અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ફેબ્રુઆરી મહીનાથી તેઓ રહસ્યમય રીતે ગાયબ છે. ચીની અધિકારીઓએ પણ આ અંગે સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળેલું છે.
આ ત્રણેય નાગરિક પત્રકારોએ તે સમયે વાયરસનું કેન્દ્ર રહેલા વુહાન ખાતેથી યુટ્યુબ અને ટ્વિટર પર વીડિયો અપલોડ કરીને વિશ્વને વાયરસના ઘાતક પરિણામોની જાણ કરી હતી. ચીનમાં યુટ્યુબ અને ટ્વિટર પર પ્રતિબંધ છે પરંતુ તેમણે વીડિયોના માધ્યમથી ચીનના મીડિયા આઉટલેટ્સ કરતા અલગ તસવીરો સામે લાવવાનું કામ કર્યું હતું.
વુહાન બંધ કરવામાં આવ્યું તે પહેલા ત્યાં પહોંચેલ 34 વર્ષીય ચેન છ ફેબ્રુઆરીના રોજ ગાયબ થઈ ગયા હતા. તેઓ ફાંગ ગાંગની મેકશિફ્ટ હોસ્પિટલ જવાની તૈયારીમાં હતા અને તે પહેલા ગાયબ થયા હતા. ચેને પોતાના મિત્રને પોતાના વતી બોલવાનો અધિકાર આપેલો અને તે મિત્રે બુધવારે ટ્વિટરના માધ્યમથી ચેન 68 દિવસથી સંપર્કવિહોણો હોવાની જાણ કરી હતી. ચેનની માતાએ તે સુરક્ષિત પાછો ફરે તે માટે વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
મૃતકોના શબને લઈને જઈ રહેલી બસ સહિત અનેક વીડિયો અપલોડ કરનારા વુહાનના નાગરિક ફાંગ બિંગ નવમી ફેબ્રુઆરીથી ગાયબ છે. તે ગાયબ થયા તેના પહેલા તેમની ધરપકડ કરાઈ હોવાનો આરોપ છે. અંતિમ વીડિયોમાં તેમના શરીરનું તાપમાન માપવા ઘરે આવેલા અધિકારી દેખાયા હતા અને તેમણે પોતે સ્વસ્થ હોવાનું કહ્યું હતું.
તે સિવાય 25 વર્ષીય યુવાન અને સૌથી હાઈ પ્રોફાઈલ પત્રકાર લી જેહુઆ પણ ગાયબ છે. ચીની બ્રોડકાસ્ટર સીસીટીવીના પૂર્વ કર્મચારી જેહુઆ વુહાનમાં સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને 26 ફેબ્રુઆરીના રોજ તેમના સાથે અંતિમ સંપર્ક થયો હતો. તેના પહેલા તેમણે વુહાનના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

