જોહાનિસબર્ગ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગના એક અહેવાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે આફ્રિકામાં ત્રણ લાખ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે સામાન્ય સ્થિતિમાં કોરોનાના કારણે આફ્રિકામાં ત્રણ લાખ લોકો મૃત્યુ પામશે પરંતુ જો સ્થિતિ વધુ ખરાબ થશે અને વાયરસને રોકવા માટે કોઈ હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો 33 લાખ લોકોના મૃત્યુ અને 120 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.
ઈમ્પેરિયલ કોલેજ લંડનના મોડેલ પ્રમાણે ગણતરી કરીને તૈયાર કરાયેલા આ અહેવાલમાં જો આફ્રિકા ખંડમાં યોગ્ય રીતે સામાજીક દૂરીનું પાલન કરવામાં આવશે અને સ્થિતિ ઠીક રહેશે તો પણ 12.2 કરોડથી વધુ લોકો સંક્રમિત થશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. નિષ્ણાંતોના મતે આફ્રિકાની નબળી સ્વાસ્થ્ય પ્રણાલી માટે કોરોના ખૂબ જ મુશ્કેલીજનક સાબિત થશે.
આફ્રિકામાં 18,000થી પણ વધારે લોકો કોરોનાગ્રસ્ત છે. તેવામાં નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આફ્રિકામાં યુરોપની સરખામણીએ અનેક સપ્તાહ બાદ સંક્રમણના કેસ સામે આવ્યા હતા અને કેસમાં થઈ રહેલો વધારો પણ તે જ સ્તરે છે.


