ડ્રોન એટેકમાં ચીનના 3 એન્જિનિયર્સના મોત, અફઘાન સરહદે સોનાની ખાણમાં કરતા હતા કામ

Chinese Workers Killed Tajikistan: અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV(ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, 'આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો.
અફઘાન સરહદે વર્કર્સ કેમ્પ પર હુમલો
આ હુમલો બુધવારે રાત્રે થયો હતો અને તેણે યૉલ બોર્ડર ડિટેચમેન્ટમાં ફર્સ્ટ બોર્ડર ગાર્ડ પોસ્ટ 'ઇસ્તિકલોલ' નજીક આવેલી LLC શોહિન SM વર્કર્સ કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ કંપની, LLC શોહિન SM, તાજિકિસ્તાનમાં સોના સહિત અન્ય કિંમતી ધાતુઓના માઇનિંગનું કામ કરે છે.
તાજિકિસ્તાનનો આક્ષેપ અને સુરક્ષા ચિંતાઓ
તાજિકિસ્તાને આ હુમલા માટે અફઘાનિસ્તાનના વિસ્તારમાં હાજર 'ક્રિમિનલ' અને 'આતંકવાદી જૂથો'ની ખતરનાક ગતિવિધિઓને જવાબદાર ઠેરવી છે. મંત્રાલયે આ હરકતોની સખત નિંદા કરી છે અને અફઘાન અધિકારીઓને તેમની સરહદને સ્થિર અને સુરક્ષિત કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 1350 કિલોમીટર લાંબી આ પહાડી સરહદ પર તણાવ ચાલુ રહે છે, તાજિકિસ્તાને અગાઉ ડ્રગ સ્મગલરોને મારવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને ઓગસ્ટમાં તાલિબાન લડવૈયાઓ સાથે ગોળીબાર પણ થયો હતો. આ ડ્રોન હુમલો પ્રાદેશિક જૂથ 'કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(CSTO)'ની બેઠક પહેલાં થયો હતો.
ચીનના રોકાણ અને સંબંધો પર અસર
- આ હુમલો મધ્ય એશિયામાં નવો તણાવ પેદા કરી રહ્યો છે, જ્યાં ખાણકામ અને કુદરતી સંસાધનોના ક્ષેત્રમાં ચીની કંપનીઓનું કરોડો ડોલરનું રોકાણ છે.
- આ ઘટનાએ ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ(BRI)'ની સુરક્ષાને સીધી રીતે પડકારી છે, જેનાથી ચીનના રોકાણ અને આર્થિક વ્યૂહરચના પર જોખમ ઊભું થયું છે.
- તાજિકિસ્તાન પર ચીન તેના રોકાણ અને સુરક્ષા હિતો માટે દબાણ વધારી રહ્યું છે, જ્યારે તાજિકિસ્તાન આંતરિક અસ્થિરતા અને ચીનની વધતી હાજરી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
- વધુમાં, ચીન અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે પણ આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માંગે છે, ત્યારે આ હુમલાએ તાલિબાન સાથેના ચીનના સંબંધોમાં નવા પડકારો ઊભા કર્યા છે.

