ઈન્ડોનેશિયાનું જાકાર્તા 4.2 કરોડની વસતી ધરાવતું દુનિયાનું સૌથી ગીચ શહેર, દિલ્હી ચોથું

| (AI IMAGE) |
World's Most Populated City: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના 18 નવેમ્બરના 'વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટસ, 2025' રિપોર્ટ મુજબ, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાએ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરનું સ્થાન મેળવ્યું છે. જકાર્તાની વસ્તી લગભગ 4.2 કરોડ નોંધાઈ છે, જે કેનેડા જેવા દેશની કુલ વસ્તી જેટલી છે અને આ સાથે તેણે લાંબા સમયથી પ્રથમ સ્થાને રહેલા જાપાનની રાજધાની ટોક્યોને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા લગભગ 3.7 કરોડની વસ્તી સાથે બીજા સ્થાને છે, જ્યારે ટોક્યો ખસીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે અને ભારતની રાજધાની દિલ્હી ચોથા સ્થાને છે.
રેન્કિંગમાં મોટો ઉછાળો: 33મા સ્થાનેથી પ્રથમ પર
જકાર્તા માટે આ બદલાવ ખૂબ આશ્ચર્યજનક છે, કારણ કે વર્ષ 2018ના UN રિપોર્ટમાં તેની સ્થિતિ 33મા સ્થાને હતી અને વસ્તી માત્ર 1.1 કરોડ હતી, જ્યારે તે સમયે ટોક્યો 3.7 કરોડની વસ્તી સાથે ટોચ પર હતું. જકાર્તાના રેન્કિંગમાં આ જંગી ઉછાળો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલી નવી ગણતરી પદ્ધતિમાં આવેલા મોટા પરિવર્તનનું પરિણામ છે.
UNની નવી ગણતરી પદ્ધતિ શું છે?
અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર શહેરી વસ્તીના આંકડા માટે સંબંધિત દેશોના સરકારી રૅકોર્ડ અને રાષ્ટ્રીય આંકડાઓ પર આધાર રાખતું હતું. આ પદ્ધતિમાં મુશ્કેલી એ હતી કે દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ શહેરની સીમાઓ નક્કી કરતો હતો. કેટલાક દેશો માત્ર નગર નિગમ વિસ્તારને જ શહેર માનતા, તો કેટલાક સમગ્ર મહાનગરીય વિસ્તારને, જેના કારણે વૈશ્વિક સરખામણીમાં અસમાનતા સર્જાતી હતી. આ ખામીને દૂર કરવા માટે, 2025ના રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે તમામ દેશો માટે શહેર, કસબા અને ગ્રામ્ય વિસ્તારને વર્ગીકૃત કરવા માટે એક જ માપદંડ લાગુ કર્યો. નવી પદ્ધતિ હેઠળ, શહેર ત્યાં સુધી ફેલાયેલું માનવામાં આવ્યું, જ્યાં સુધી લોકો કામ કરે છે, રહે છે અને જેનું રોજિંદું જીવન શહેર સાથે જોડાયેલું છે, તેવા તમામ વિસ્તારોને શહેરી વસ્તીમાં સામેલ કરવામાં આવ્યા.
આ પણ વાંચો: તમે મૂર્ખ છો કે શું? અફઘાનિસ્તાન અંગેના સવાલ પર અચાનક જ કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
જકાર્તામાં નવી પદ્ધતિની અસર
જકાર્તાના કિસ્સામાં આ નવા માપદંડની સૌથી વધુ અસર જોવા મળી. જકાર્તા જે જાવા દ્વીપના ઉત્તર-પશ્ચિમી કિનારે ફેલાયેલું છે, તેની આસપાસના ઘણા ગીચ વસ્તીવાળા વિસ્તારો ખરેખર શહેરનો જ ભાગ હતા. જોકે, ઈન્ડોનેશિયાની સત્તાવાર ગણતરીમાં લાંબા સમય સુધી આ વિસ્તારોને જકાર્તા મહાનગરીય ક્ષેત્રનો ભાગ માનવામાં આવ્યા નહોતા. નવી પદ્ધતિથી આ તમામ વિસ્તારોને જોડવામાં આવતાં જકાર્તાની વસ્તી ઝડપથી વધીને 4.2 કરોડના આંકડા સુધી પહોંચી ગઈ, જેના પરિણામે તે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું.

