Get The App

કેમિસ્ટ્રીનું નોબલ મેટલ ઓગેનિક ફ્રેમવર્કની શોધ કરનારાં ત્રણ રસાયણશાસ્ત્રીઓને

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
કેમિસ્ટ્રીનું નોબલ મેટલ ઓગેનિક ફ્રેમવર્કની શોધ કરનારાં ત્રણ રસાયણશાસ્ત્રીઓને 1 - image


- સુસુમા કિટાગાવા, રિચાર્ડ રોબસન અને  ઓમર એમ યાઘી વિજેતા

- ત્રણ રસાયણવિજ્ઞાનીઓએ 1989થી કરેલાં વિવિધ ક્રાંતિકારી સંશોધનોને સ્વીકૃતિ મળી   

સ્ટોકહોમ : ધાતુ જૈવિક માળખા-મેટલ ઓગેનિક ફ્રેમવર્ક-નો વિકાસ કરનારા ત્રણ રસાયણશાસ્ત્રીઓ જાપાનની ક્યોટો યુનિવર્સિટીમાં કામ કરતાં ૭૪ વર્ષના સુસુમા કિટાગાવા, ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીમાં કામ કરતાં ૮૮ વર્ષના રિચાર્ડ રોબસન અને કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કેલેમાં કામ કરતાં ૬૦ વર્ષના ઓમર એમ યાઘીને ૨૦૨૫નો રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સીઝના સેક્રેટરી જનરલ હાન્સ એલેગ્રેને બુધવારે કરી હતી. આ રસાયણશાસ્ત્રીઓએ પરમાણુ સંરચનાનું એક નવું સ્વરૂપ વિક્સાવ્યું છે જેમાં રહેલાં અવકાશમાંથી વાયુઓ અને અન્ય રસાયણો પ્રવાહિત થઇ શકે છે. આ નવી સંરચના મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક-એમઓએફ-નો ઉપયોગ રણની હવામાંથી પાણી મેળવવા, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લેવા માટે અને ઝેરી વાયુઓનો સંગ્રહ કરવા માટે થઇ શકે છે તેમ નોબેલ કમિટીએ જણાવ્યું હતું.

 આ નોબેલ કમિટીના ચેરમેન હાઇનર લિન્કેએ જણાવ્યું હતું કે એમઓએફમાં અકલ્પનીય સંભાવનાઓ છુપાયેલી છે. તે નવા જ પ્રકારના મિટિરિયલ બનાવી શકશે જેમાં કદી ન વિચારાયેલાં ફંકશન હશે. આ બધી શરૂઆત ૧૯૮૯માં થઇ હતી. એ સમયે રિચાર્ડ રોબસને વિચાર કર્યો હતો કે પરમાણુઓની કુદરતી ખૂબીઓનો નવી રીતે ઉપયોગ કરવો જોઇએ. તેમણે પોઝિટિવ ચાર્જ ધરાવતાં તાંબાના આયનોને ચાર પાંખિયાવાળા અણુ સાથે જોડયા. આ ચારે પાંખના છેડે એક રસાયણિક જૂથ હતું. જે તાંબાને આકર્ષતું હતું. જ્યારે આ ચારે પાંખિયા મળ્યા ત્યારે એક વ્યવસ્થિત ખાલી જગ્યાઓ ધરાવતો ક્રિસ્ટલ બન્યો. રોબસને તેની ક્ષમતાઓને પારખી પણ તેની સંરચના અસ્થિર હોવાથી તે સરળતાથી તુટી જતો હતો. 

એ પછી ૧૯૯૨ અને ૨૦૦૩ દરમ્યાન કિટાગાવા અને યાઘીએ અલગ અલગ ક્રાંતિકારી શોધો કરી આ સંરચનાઓની ખાલી જગ્યાઓમાં  વાયુઓ કે રસાયણો પ્રવાહિત થઇ શકે  તેવી રચના કરી. યાઘીએ એક સ્થિર એમઓએફ બનાવી દર્શાવ્યું કે તેને રેશનલ ડિઝાઇન દ્વારા બદલી જરૂરી ગુણધર્મો આરોપી શકાય છે. એ પછી રસાયણશાસ્ત્રીઓએ આવા હજારો પ્રકારના એમઓએફ બનાવી ચૂક્યા છે. આ એમઓએફ બેટરીમાં વિદ્યુતનો સંચાર પણ કરી શકશે. આ ત્રણે વિજ્ઞાનીઓના સંશોધનોએ રસાયણ વિજ્ઞાનને નવી દિશા ચીંધી છે. 

કિટાગાવાએ નોબલ પુરસ્કાર મળ્યા બાદ પ્રતિભાવ આપતાં ફોન પર જણાવ્યું હતું કે હું સન્માનિત થયો છું અને  લાંબા સમયથી થઇ રહેલાં મારાં સંશોધનને સ્વીકૃતિ આપવામાં આવી તેનાથી હું ખુશ છું. હવે ગુરૂવારે સાહિત્યના અને શુક્રવારે શાંતિના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. જ્યારે અર્થશાસ્ત્રના નોબેલ  પુરસ્કારની આવતાં સોમવારે જાહેરાત કરવામાં આવશે. નોબલ પુરસ્કાર એવોર્ડ વિતરણ સમારોહ ઓસ્લોમાં દસ ડિસેમ્બરે યોજાશે.

Tags :