ટ્રમ્પની સરમુખત્યારશાહી વિરુદ્ધ અમેરિકામાં દેખાવ, યુએસ કેપિટોલ તરફ ભીડ આગળ વધી

Doland Trump News : અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરમુખત્યારશાહી અને લોકશાહી વિરોધી ગતિવિધિઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ આ રેલીને 'નો કિંગ' (કોઈ રાજા નહીં) નામ આપ્યું છે, જે સ્પષ્ટપણે ટ્રમ્પના શાસન સામેનો જનઆક્રોશ દર્શાવે છે.
 
મોટા શહેરોમાં દેખાવોનું આયોજન
શનિવારે વોશિંગ્ટન, ન્યૂયોર્ક સિટી, શિકાગો અને હ્યુસ્ટન જેવા મોટા શહેરો સહિત દેશભરમાં 2600થી વધુ રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વોશિંગ્ટનમાં દેખાવકારોની ભારે ભીડ ધ્વજ, બેનરો અને ફુગ્ગાઓ સાથે યુએસ કેપિટોલ (સંસદ ભવન) તરફ આગળ વધતી જોવા મળી હતી.
 
ટ્રમ્પના કયા નિર્ણયો લોકોના ગુસ્સા માટે જવાબદાર?
લોકોના હાથમાં રહેલા બેનરો પર "ટ્રમ્પ પર ફરીથી મહાભિયોગ ચલાવો" જેવા સૂત્રો લખેલા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ લોકશાહીના સમર્થનમાં છે અને જે યોગ્ય છે તેના માટે લડવા તૈયાર છે. આ વિરોધ પ્રદર્શનો પાછળ ટ્રમ્પ પ્રશાસનના અનેક વિવાદાસ્પદ નિર્ણયો જવાબદાર છે. જેમાં રાષ્ટ્રપતિના રાજકીય વિરોધીઓ પર કથિત રીતે ફોજદારી કેસ દાખલ કરવા, દેશવ્યાપી ઇમિગ્રેશન દરોડા પાડવા અને અમેરિકન શહેરોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધ વિરુદ્ધ પેલેસ્ટિનિયન સમર્થક પ્રદર્શનો અને અન્ય કેમ્પસ વિવાદોને લઈને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને મળતી ગ્રાન્ટમાં કાપ મૂકવાના નિર્ણયથી પણ લોકોમાં ભારે રોષ છે.
 
લોકો મૂંઝવણમાં કે કઈ દિશામાં દેશ જાય છે?
હ્યુસ્ટનમાં એક દેખાવમાં ભાગ લેનાર ભૂતપૂર્વ યુએસ મરીન ડેનિયલ ગામેઝે કહ્યું, "મને સમજાતું નથી કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે." ગામેઝ ઈરાક, અફઘાનિસ્તાન અને સીરિયામાં સેવા આપી ચૂક્યા છે. આ વિરોધ માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી, પરંતુ અન્ય દેશોની રાજધાનીઓમાં પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.


