અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર : ત્રણનાં મોત, 17 ઘાયલ
- મૃતકોમાં હુમલાખોર પણ સામેલ
- સ્કૂલની બાજુમાં આવેલા ચર્ચની બારીમાંથી હુમલાખોરે ગોળીબાર કર્યો હતો
- શાળાના મેદાનમાં બાળકો સવારની પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે કરાયેલો ગોળીબાર
મિનિયાપોલીસ : અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં આવેલ એક કેથોલિક સ્કૂલમાં બુધવારે સવારે કરવામાં આવેલ ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ૧૭ લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલની બાજુમાં આવેલા ચર્ચની બારીમાંથી હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શાળામાં બાળકો સવારની પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોેર પાસે રાયફલ, શોટગન અને પિસ્તોલ હતી. મૃતકોમાં હુમલાખોર પણ સામેલ છે. હુમલાખોરની ઉંમર ૨૦ વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે.
હુમલાખોર કોઇ ક્રિમિનલ ઇતિહાસ ધરાવતો ન હતો. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર ૮ થી ૧૦ વર્ષની વચ્ચે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર બાળકો શાળાના મેદાનમાં સવારની પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ સ્કૂલ કેથોલિક ચર્ચની બાજુમાં અને મિનિયાપોલીસના દક્ષિણ પૂર્વમાં આવેલા રહેણાંક વિસ્તારમાં આવેલી છે.
આ શાળામાં પ્રી સ્કૂલથી લઇને આઠમા ધોરણ સુધીના બાળકો ભણે છે. આ શાળાની કુલ સંખ્યા ૩૯૫ છે. મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે આ ઘટનાને ભયાનક ગણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણા બાળકો અને શિક્ષકો માટે આ એક ખૂબ જ દુ:ખદ ઘટના છે. સ્કૂલના નવા વર્ષનો પ્રથમ હપ્તો આ હિંસાને કારણે ખરાબ થઇ ગયો છે. તેમણે બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરી હતી.