વિનોદ કાંબલીની મદદ માટે આ પૂર્વ ક્રિકેટર આગળ આવ્યા, મહિને મળશે આટલી રકમ
૫૩ વર્ષના કાંબલીને મહિને ૩૦ હજાર રુપિયા આજીવન આપશે.
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ૧૦૪ વન ડે અને ૧૭ ટેસ્ટ રમી રમ્યો હતો.
મુંબઇ,15 એપ્રિલ,2025,મંગળવાર
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ઘણા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહયો છે. તે સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી પણ પીડાય છે. ગત ડિસેમ્બર ૨૦૨૪માં તબીયત ખરાબ થવાથી હોસ્પિટલમાં ભરતી થવું પડયું હતું. એક સમયના સુપ્રસિધ્ધ ક્રિકેટર અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે પોતાની કરિયરનો આરંભ કરનારા વિનોદ કાંબલીને મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ટેસ્ટ ખેલાડી સુનીલ ગાવસ્કરે હાથ લંબાવ્યો છે.
ગાવસ્કરનું ચેમ્પ્સ ફાઉન્ડેશન ૫૩ વર્ષના કાંબલીને મહિને ૩૦ હજાર રુપિયા આજીવન આપશે.પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની મદદ માટે આ ફાઉન્ડેશનની સ્થાપના ૧૯૯૯માં થઇ હતી. આ આર્થિક મદદની ૧ એપ્રિલથી શરુઆત થશે. આ ઉપરાંત ૩૦ હજાર સુધીની મર્યાદામાં વાર્ષિક મેડિકલ ખર્ચ પણ આપવામાં આવશે. ભારત માટે ૧૦૪ વન ડે અને ૧૭ ટેસ્ટ રમી ચુકેલા વિનોદ કાંબલીને ૩૦ હજાર રુપિયા ખર્ચ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ ગાવસ્કરે વાનખેડે સ્ટેડિયમની ૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે કાંબલીની મુલાકાત લીધી હતી. કાંબલી લાંબા સમયથી શરાબની લત સામે ઝઝુમી રહયો છે. મસ્તિષ્કમાં પણ કેટલીક સમસ્યા જોવા મળે છે. કેટલાક મહિના પહેલા આ પૂર્વ ક્રિકેટરે લોકોને શરાબ અને નશીલા પદાર્થથી દૂર રહેવાની અપીલ કરી હતી કે બુરી આદતો જીંદગી બરબાદ કરી નાખે છે.
કાંબલીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં કોચ રમાકાંત આચરેકરની યાદમાં આયોજિત કાર્યક્રમમાં ખૂબજ કમજોર જણાતો હતો. પોતાના પગ પર ઉભા રહેવામાં પણ તકલીફનો અનુભવ થતો હતો. આ કાર્યક્રમમાં પોતાના જુના દોસ્ત સચિન તેંડુલકરનો હાથ પકડીને ભાવુક થઇ ગયો હતો.