- સૂર્ય મફત ઊર્જા આપતું વિશાળ ફ્યુઝન રિએક્ટર
- મસ્કના મતે નાના પરમાણુ રિએક્ટરો માત્ર વૈજ્ઞાાનિક જિજ્ઞાાસા પૂરતા સીમિત, સૌર ઊર્જા પૃથ્વીની તમામ ઊર્જા જરૂરીયાત સંતોષી શકે
નવી દિલ્હી : સૂર્યને એક વિશાળ ફ્યુઝન રિએક્ટર તરીકે ગણાવીને અબજપતિ ઈલોન મસ્કે ફરી એકવાર સૌર ઊર્જાનો ઉપયોગ વધારવાની ભલામણ કરી છે. તેમણે જણાવ્યું કે પૃથ્વી પર પરમાણુ ફ્યુઝન રિએક્ટરની શોધ નિરર્થક છે. પોતાના સોશિયલ મીડિયા મંચ પર પોસ્ટમાં તેમણે દલીલ કરી છે કે માનવજાતે નાના રિએક્ટરો બનાવવાની મૂર્ખતાના સ્થાને સૂર્યની વિશાળ પ્રાકૃતિક ઊર્જા સપ્લાય પર નિર્ભર રહેવું જોઈએ. મસ્કે નાના ફ્યુઝન રિએક્ટરોના નિર્માણના પ્રયાસોને અવ્યાવહારિક તેમજ બિનજરૂરી ગણાવ્યા. મસ્કના મતે ચાર ગુરુ ગ્રહ જેવા વિશાળ ખગોળીય પિંડોને ઊર્જા માટે બાળવામાં આવે તો પણ સૂર્ય સૌર મંડળમાં ઉત્પન્ન થતી તમામ ઊર્જાનો મુખ્ય સ્રોત રહેશે.
મસ્કે કંપનીઓને આગ્રહ કર્યો છે તેઓ નાના રિએક્ટરોમાં રોકાણ કરવાનું બંધ કરે. મસ્કે જણાવ્યું કે આવા પ્રોજેક્ટો વીજળીના સમાધાનના સ્થાને વૈજ્ઞાાનિક જિજ્ઞાાસા માટે વધુ યોગ્ય છે. મસ્કની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સિલિકોન વેલીની મોટી કંપનીઓ પરમાણુ રિસર્ચમાં રોકાણ કરી રહી છે. તાજેતરમાં જ કોમનવેલ્થ ફ્યુઝન સીસ્ટમ્સે ૮૬૩ મિલિયન ડોલરનું ફંડિંગ હાંસલ કર્યું જેને નવિદિયા સહિત મુખ્ય રોકાણકારોનું સમર્થન મળ્યું અને જે એક સંભવિત સ્વચ્છ ઊર્જા સ્રોત તરીકે ફ્યુઝનમાં ટેક ઉદ્યોગનો વધતો રસ દર્શાવે છે.
મસ્કની ટીકા એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાનું ઊર્જા ક્ષેત્ર જોરદાર તણાવનો સામનો કરી રહ્યું છે. નવા ઊર્જા સચિવ ક્રિસ રાઈટના જણાવ્યા મુજબ વીજળીના ભાવ ઘટશે. તેમણે જણાવ્યું કે બિડેન પ્રશાસનની અગાઉની નીતિઓને કારણે ઊર્જાની કિંમત વધી હોવાથી હવે તેમાં તીવ્ર ઘટાડો થશે. અમેરિકાની ઊર્જા માહિતી પ્રશાસનનો ડાટા દર્શાવે છે કે ૨૦૨૨થી વીજળીના ખર્ચમાં સરેરાશ ૧૩ ટકાનો વધારો થયો છે, જે ફૂગાવા કરતા વધુ છે.
દરમ્યાન ટેસલાના પોતાના સ્વચ્છ ઊર્જા સાહસો વેગ પકડી રહ્યા છે. કંપનીએ તેના ઊર્જા સંગ્રહ વ્યવસાયમાં ૪૪ ટકા આવકનો ઊછાળો નોંધાવ્યો છે, જેણે ત્રીજા ત્રિમાસીકમાં ૩.૪ અબજ ડોલરથી વધુની કમાણી કરી છે. આ ક્ષેત્ર હવે ટેસલાના કુલ વેચાણમાં બાર ટકાનો હિસ્સો ધરાવે છે, જે એક વર્ષ અગાઉ માત્ર નવ ટકા હતો.


