જૂનમાં અમેરિકાની બજેટ ખાધ 864 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ
- કુલ બજેટ ખાધ 3700 અબજ ડોલર રહેવાનો અંદાજ
- એક ઓક્ટોબરથી શરૂ થતાં બજેટ વર્ષના પ્રથમ 9 મહિનામાં બજેટ ખાધ 2740 અબજ ડોલર
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
અમેરિકાની સંઘીય સરકારને ચાલુ વર્ષના જૂન મહિનામાં અત્યાર સુધીના સૌથી મોટી બજેટ ખાધનો સામનો કરવો પડયો છે. સરકારને એક તરફ કોરોના મહામારી સામે લડવામાં વધુ ખર્ચ કરવો પડયો તો બીજી બાજુ લાખો નોકરીઓ ઘટવાને કારણે તેની ટેક્સની આવકમાં પણ ઘટાડો નોંધાયો.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર ગયા મહિને ખાધ વધીને 864 અબજ ડોલરે પહોંચી ગઇ છે. આ બજેટ ખાધ અમેરિકાના ઇતિહાસમાં સૌૈથી મોટી છે. આ અગાઉ એપ્રિલ મહિનામાં બજેટ ખાધ 738 અબજ ડોલર રહી હતી.
કોરોના મહામારી સામે લડવા માટે અમેરિકન કોંગ્રેસે અગાઉ જ અબજો ડોલરની રકમ ઉપલબૃધ કરાવી છે. 1 ઓક્ટોબરથી શરૂ થયેલા ચાલુ બજેટ વર્ષના પ્રથમ 9 મહિનામાં ખાધ 2740 અબજ ડોલર રહી છે. સમગ્ર વર્ષ માટે બજેટ ખાધ 3700 અબજ ડોલર રહેવાનો અંદાજ છે.
આ અગાઉ બજેટ ખાધની સર્વોચ્ચ સપાટી 1400 અબજ ડોલર હતી જે 2009માં નોંધવામાં આવી હતી. ચાલુ વર્ષની બજેટ ખાધ 2009 કરતા ઘણી વધારે છે. 2009માં છવાયેલી મંદીને દૂર કરવા માટે અમેરિકન સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવ્યા હતાં. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમેરિકન સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી.
આવા લોકોને સહાય કરવા માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. બેકારોને પ્રત્યેક સપ્તાહ માટે 600 ડોલરની સહાય આપવામાં આવી. કંપનીઓને તેમના કર્મચારીએો માટે પગાર સંરક્ષણ સુવિધા આપવામાં આવી. જેના કારણે જૂન મહિનામાં 511 અબજ ડોલરનો ખર્ચ થયો હતો.