mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાંગ્લાદેશની રાજનીતિમાં ભારતીય સાડીઓને લઈને હોબાળો, લેણદેણ થતી જામદાની સાડી શું છે?

Updated: Apr 3rd, 2024

બાંગ્લાદેશની રાજનીતિમાં ભારતીય સાડીઓને લઈને હોબાળો, લેણદેણ થતી જામદાની સાડી શું છે? 1 - image


India Bangladesh Relation: વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.જેમાં શેખ હસીના ફરી એકવાર જીત્યા હતા. ત્યારથી તેના પર વિવાદ શરૂ થયો હતો. વિપક્ષનો આરોપ છે કે અવામી લીગ પાર્ટીએ અન્ય પક્ષોને દબાવી દીધા અને હેરફેર કરીને જીત મેળવી હતી. હવે પ્રશ્ન એવો થાય કે આમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કેવી રીતે આવી? હવે થયું એવું કે હસીનાની જીત બાદ ભારતે તેને અભિનંદન પાઠવ્યા હતા, જેના કારણે વિપક્ષ રોષે ભરાઈ હતી. તેણે આરોપ લગાવ્યો કે હસીનાની નીતિઓ ભારતની તરફેણમાં હતી આથી તેની જીતમાં ભારત પણ સામેલ હતું. 

પીએમ હસીનાએ અઢી મહિના બાદ તોડ્યું મૌન

આથી બાંગ્લાદેશમાં વિપક્ષ અને કેટલાક ઇન્ફ્લુએન્સરએ માંડીને 'ઇન્ડિયા આઉટ'નું અભિયાન જાન્યુઆરીના મધ્યમાં ચલાવ્યું છે. જેમાં તેઓએ બાંગ્લાદેશના લોકોને ભારતમાં બનેલી વસ્તુઓ ન ખરીદવાની અપીલ કરવાનું શરુ કર્યું હતું. આ અભિયાનની આગેવાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) કરી રહી છે. આ ઘટના પર લગભગ અઢી મહિના બાદ પીએમ હસીનાએ મૌન તોડ્યું અને એક એવું નિવેદન આપ્યું જેણે હંગામો મચાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે, "વિપક્ષી નેતાઓની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? જ્યારે તેઓ પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીની સાડીઓ સળગાવશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ભારતમાં બનેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે." 

સાડી ડિપ્લોમસી તરીકે જાણીતી બની હતી આ ઘટના 

એક અખબારી અહેવાલ મુજબ પીએમ હસીનાએ ભારતમાંથી આયાત કરવામાં આવતા મસાલા અંગે પણ ચર્ચા કરી હતી પરંતુ સાડીનો મુદ્દો વધુ ઉછળ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અગાઉ પણ સાડી ડિપ્લોમસીની વાત થઈ હતી. જ્યારે દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આ પદ સાથે પહેલીવાર બાંગ્લાદેશ ગયા હતા ત્યારે પીએમ હસીના પોતે તેમનું સ્વાગત કરવા હાજર હતા. પ્રારંભિક વાતચીત પછી, સ્વરાજે તેણીને જામદાની પેટર્નની સાડી આપી હતી. બદલામાં હસીનાએ પણ તેમને જામદાની સાડી આપી હતી. જે બાદમાં સાડી ડિપ્લોમસી તરીકે જાણીતી બની હતી, જે ભારતની શાલ ડિપ્લોમસીની ટક્કરની હતી. 

જામદાની સાડીનું ખાસ સ્થાન 

ભારતીય નેતાઓ ઘણીવાર દેશી અને વિદેશી નેતાઓને શાલ ભેટમાં આપતા હોય છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફને પણ શાલ આપી હતી જ્યારે શરીફે પીએમ મોદીની માતાને સાડી ભેટમાં આપી હતી. પરંતુ જ્યારે આપણે ભારત અને બાંગ્લાદેશ વિશે વાત કરીએ છીએ, ત્યારે સાડી ડિપ્લોમસી એક અલગ જ સ્તરની છે, ખાસ કરીને જામદાની સાડી. ઘણીવાર દુર્ગા પૂજા નિમિતે પણ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી માટે બાંગ્લાદેશથી સાડીઓ આવતી રહે છે. 

લેણદેણ થતી જામદાની સાડી શું છે? 

જામદાની વણાટની આ પરંપરા મૂળ બંગાળની છે. તેનું કેન્દ્ર બાંગ્લાદેશનું નારાયણગંજ છે. લાંબા સમય સુધી તે સુતરાઉ અને સોનાના દોરાને મિક્સ કરીને વણવામાં આવતું હતું. અત્યારે પણ સોનાનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થાય છે. જામદાનીને ઢાકાઈ પણ કહેવામાં આવે છે, જેનું નામ ઢાકા પરથી પડ્યું છે. આ વણાટકામ ખૂબ જ કુશળ કારીગરો દ્વારા કરવામાં આવે છે. ગૂંથતા પહેલા તેઓ શું બનાવશે તેની સંપૂર્ણ પેટર્ન તેમના મગજમાં હોય છે. તેમાં ભૌમિતિક પેટર્ન અથવા લેન્ડસ્કેપ્સ ડીઝાઇન પણ બનાવવામાં આવે છે. 

આ સાડીઓમાં સોનાથી તેમજ ઝીણવટપૂર્વક કામ થતું હોવાથી તે બનાવવામાં વધુ સમય લાગે છે અને તેના કારણે જ તે ખૂબ મોંઘી બને છે. આ સાડીઓની કિંમત રૂ. 10 હજારથી વધુ સુધી પણ જઈ શકે છે. પહેલાના સમયમાં શાહી પરિવાર તેમજ ખૂબ જ ધનિક વર્ગના લોકો જ આ સાડીઓ પહેરતા હતા. હાલ જામદાનીના સ્કાર્ફ પણ બને છે. તેમજ થોડા વર્ષ પહેલા યુનેસ્કો દ્વારા આ પેટર્નને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરી હતી.

તાંગેલ સાડી વિવાદ

શેખ હસીના સામાન્ય રીતે જામદાની સાડી પહેરે છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે જર્મનીમાં એક કોન્ફરન્સ દરમિયાન તાંગેલ સાડી પહેરી હતી. તેમણે આ વિષે જાણકારી પણ આપી હતી. વિશ્વ કક્ષાએ બાંગ્લાદેશના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે તેમણે તાંગેલ સાડી પહેરી હતી. આ ઘટના પહેલા જ પશ્ચિમ બંગાળને તાંગેલ સાડીઓ માટે જીઆઈ ટેગ મળ્યું હતું. 

પૂર્વ બર્ધમાન અને નાદિયા જિલ્લામાં તૈયાર થતી આ સાડીઓ પર પશ્ચિમ બંગાળ તેના અધિકારનો દાવો કરે છે, તેમજ બાંગ્લાદેશ પણ પોતાનો હક દર્શાવે છે. આ બાબતે બાંગ્લાદેશનું માનવું છે કે ભારતે જીઆઈ ટેગ લઈને તેની સાથે ખોટું કર્યું છે. પશ્ચિમ બંગાળને જીઆઈ ટેગ મળ્યાની ઘોષણા બાદ બાંગ્લાદેશી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ જ પીએમ હસીનાએ તાંગેલ સાડી પહેરીને એવું દર્શાવ્યું હતું કે તાંગેલ પ્રથમ તેમનું હતું. 

જીઆઈ ટેગ એ ઉત્પાદનોને આપવામાં આવે છે જે કોઈ ચોક્કસ જગ્યાએથી હોય છે. પછી તેના નામ પર એક ટેગ આપવામાં આવે છે જેથી કરીને અન્ય કોઈ તેનો ઉપયોગ ન કરી શકે. બાંગ્લાદેશને 2016માં જ જામદાની સાડીનું જીઆઈ ટેગ મળ્યું હતું.

ભારત બાંગ્લાદેશને શું નિકાસ કરે છે?

ભારત મુખ્યત્વે મસાલા, કપાસ, અનાજ, પ્લાસ્ટિક ઉત્પાદનો, ખાંડ, ઈલેક્ટ્રોનિક સાધનો, કોફી, ચા, મેટ, લોખંડ, સ્ટીલ, કપડાં, સાડી વગેરે બાંગ્લાદેશને મોકલે છે. તે બાંગ્લાદેશથી ઉચ્ચ ગુણવત્તાનું કાપડ ખરીદે છે. છેલ્લા 9 વર્ષમાં ભારત અને બાંગ્લાદેશ સાથેનો વેપાર ત્રણ ગણો વધ્યો છે. ઘણી ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં બિઝનેસ કરી રહી છે. આ સંઘર્ષ બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો અને વેપારને વધુ ખરાબ કરી શકે છે. બાંગ્લાદેશ ભારત વિરોધી અભિયાન ચલાવીને પોતાનું જ નુકસાન કરી રહ્યું છે. જો ભારત સાથેના વ્યાપારિક સંબંધોમાં ખટાશ આવશે તો બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને અસર થશે. જો ભારત સાથે નિકાસમાં કોઈ સમસ્યા હશે તો તેનું નુકસાન બાંગ્લાદેશને થશે.

બાંગ્લાદેશની રાજનીતિમાં ભારતીય સાડીઓને લઈને હોબાળો, લેણદેણ થતી જામદાની સાડી શું છે? 2 - image

Gujarat