જગતની સૌથી મૂલ્યવાન 100 બ્રાન્ડની કુલ વેલ્યુ 5 ટ્રિલિયન ડૉલર
- 'ટોપ 100 મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ'નો રિપોર્ટ
- પ્રથમ ૧૦૦ બ્રાન્ડની સંપત્તિ એક વર્ષમાં ૫.૯ ટકા વધી : ૩૨ ટકા વૃદ્ધિ, ૪૧૬ અબજ ડૉલર સાથે એમેઝોન પ્રથમ ક્રમે
અમદાવાદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર
વિશ્વની સૌથી મૂલ્યવાન ૧૦૦ બ્રાન્ડ્સ અંગેનો 'બ્રાન્ડ્ઝ ટોપ ૧૦૦ મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ્સ' રિપોર્ટ તાજેતરમાં રજૂ થયો હતો. એ પ્રમાણે જગતની સૌથી વધુ મૂલ્યવાન પ્રથમ ૧૦૦ બ્રાન્ડસની કુલ વેલ્યુ ૫ ટ્રિલિયન ડૉલર એટલે કે જાપાનના અર્થતંત્ર જેટલી (અને ભારતના અર્થતંત્ર કરતાં ડબલ) થાય છે. એક વર્ષમાં આ ૧૦૦ બ્રાન્ડ્સની વેલ્યુમાં ૫.૯ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૦૬થી આજ સુધીમાં તો ટોપ-૧૦૦ બ્રાન્ડની વેલ્યુમાં ૨૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ રિપોર્ટમાં એપ્રિલ-૨૦૨૦ સુધીની નાણાકિય સ્થિતિ ધ્યાને લેવાઈ છે. રિપોર્ટ પ્રમાણે કેટલીક કંપનીઓના મૂલ્યમાં કોરોનાથી ખાસ ફરક પડયો નથી. લિસ્ટમાં પ્રથમ ક્રમે એમેઝોન છે. ૩૨ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે તેની બ્રાન્ડ વેલ્યુ ૪૧૫.૯ અબજ ડૉલર નોંધાઈ છે. એક જ વર્ષમાં એમેઝોનની સંપત્તિમાં લગભગ ૧૦૦ અબજ ડૉલરનો વધારો થયો છે. ગયા વર્ષના લિસ્ટમાં પણ એમેઝોન પ્રથમ, એપલ બીજા ક્રમે હતી. એ સ્થાન આ વખતે જળવાઈ રહ્યું છે. લિસ્ટમાં ભારતની એકમાત્ર બ્રાન્ડ તરીકે એલઆઈસીનો ૭૫મા ક્રમે સમાવેશ થયો છે. એલઆઈસીની બ્રાન્ડ વેલ્યુ ૧૭.૫ અબજ ડૉલર આંકવામાં આવી છે.
ટોપ-૧૦૦ બ્રાન્ડમાં ૩૭ ટકા બ્રાન્ડ્સ સાથે ટેકનોલોજી કંપનીઓએ દબદબો જાળવી રાખ્યો છે. સરેરાશ વૃદ્ધિ ૫.૯ ટકા થઈ છે, પણ ટેકનોલોજી કંપનીઓની બ્રાન્ડ વેલ્યુમાં સરેરાશ ૧૦ ટકા વધારો નોંધાયો છે. ૧૦૦માંથી ૫૦ બ્રાન્ડ મીડિયા અને મનોરંજન સાથે સંકળાયેલી છે. એટલે નેટફ્લિક્સ અને ઈન્સ્ટા જેવી બ્રાન્ડ્સને લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યું તેના કારણે પ્રથમ વાર માસ્ટરકાર્ડને પ્રથમ ૧૦માં સ્થાન મળ્યું છે.
પ્રદેશ પ્રમાણે જોઈએ તો ૧૦૦માંથી અડધાથી વધારે બ્રાન્ડ્સ અમેરિકાની છે. એશિયામાંથી બે દેશો ચીન અને જાપાની ટોપ-૧૦૦ બ્રાન્ડમાં નોંધપાત્ર હાજરી છે. ચીનની ૧૭ અને જાપાનની ૨ બ્રાન્ડ્સનો સમાવેશ થયો છે. ટિકટોકનો આ રેન્કમાં આ વર્ષે પ્રથમવાર સમાવેશ થયો હતો અને એ ૭૯માં નંબરની બ્રાન્ડ બની હતી. શક્ય છે કે આવતા વર્ષે એ લિસ્ટમાંથી નીકળી પણ જાય.
ટોપ-૧૦૦માંથી ટોપ-૧૦ બ્રાન્ડ્સ
ક્રમ |
બ્રાન્ડ |
વેલ્યુ (અબજ ડૉલર) |
વેલ્યુમાં વધ-ઘટ |
૧ |
એમેઝોન (અમેરિકા) |
૪૧૫.૯ |
+૩૨ |
૨ |
એપલ (અમેરિકા) |
૩૫૨.૨ |
+૧૪ |
૩ |
માઈક્રોસોફ્ટ (અમેરિકા) |
૩૨૬.૫ |
+૩૦ |
૪ |
ગૂગલ (ટેકનોલોજી) |
૩૨૩.૬ |
+૫ |
૫ |
વિઝા (અમેરિકા) |
૧૮૬.૮ |
+૫ |
૬ |
અલિબાબા (ચીન) |
૧૫૨.૫ |
+૧૬ |
૭ |
ટેન્સિન્ટ (ચીન) |
૧૫૦.૯ |
+૧૫ |
૮ |
ફેસબૂક (અમેરિકા) |
૧૪૭.૨ |
-૭ |
૯ |
મેકડોનાલ્ડ (અમેરિકા) |
૧૨૯.૩ |
-૧ |
૧૦ |
માસ્ટરકાર્ડ (અમેરિકા) |
૧૦૮.૧ |
+૧૮ |