World

મધ્યપૂર્વ ફરી ભડકે બળ્યું, અમેરિકાનો હુમલો: ઇરાનનો પણ વળતો પ્રહાર

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકાએ 29 જુલાઈ પછી પહેલીવાર ઇરાનના લારક ટાપુ પર હુમલો કર્યો. વોશિંગ્ટન દ્વારા બે રોકેટ લોન્ચર નષ્ટ કરાયા અને અનેક ઇરાનીઓ માર્યા ગયાનો દાવો કરાયો. હોર્મુઝમાં જહાજોની સલામતી માટે આ હુમલો કરાયો હતો. ઇરાને જોર્ડનમાં અમેરિકન લશ્કરી થાણાઓને મિસાઇલ અને ડ્રોનથી નિશાન બનાવી વળતો જવાબ આપ્યો, જેથી મધ્યપૂર્વમાં તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપૂર્વ ફરી ભડકે બળ્યું, અમેરિકાનો હુમલો: ઇરાનનો પણ વળતો પ્રહાર
  • અમેરિકાનો ઇરાન પર 29 જુલાઈ પછી પહેલો હુમલો
  • અમેરિકાનો ઇરાનના લારક ટાપુ પર હુમલો, બે રોકેટ લોન્ચર ખતમ કર્યા, અનેક ઇરાની માર્યા ગયા

વોશિંગ્ટન : મધ્યપૂર્વ ફરી પાછું ભડકે બળવા લાગ્યું છે. અમેરિકાએ ઇરાન પર હુમલો કરતાં અને ઇરાને પણ વળતો જવાબ આપતા આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઇરાનના લારક ટાપુ પર હુમલો કર્યો હતો અને ઇરાનના બે રોકેટ લોન્ચરો નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો. ઇરાને જણાવ્યું હતું કે આ હુમલામાં તેના ઘણા બધા નાગરિકો અને લશ્કરી કર્મચારી માર્યા ગયા છે. જો કે તેણે તેનો આંકડો આપ્યો નથી.
અમેરિકાએ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને નિશાન બનાવતા લારક ટાપુ પરના રોકેટ લોન્ચરો ખતમ થતાં ઇરાન બરોબરનું ભડક્યુ છે. ઇરાનને લાગી રહ્યુ છે કે અમેરિકા આમ કરીને હવે હોર્મુઝ પરની તેની પક્કડ ઓછી કરે આખી ખાડીને તેના નિયંત્રણમાં લેવાની પેરવીમાં છે. તેથી જ ઇરાને વળતો હુમલો કરતાં જોર્ડનમાં અમેરિકન લશ્કરી થાણાઓને મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા.
અમેરિકાનો ૨૯ જુલાઈ પછી ઇરાન પર આ પહેલો હુમલો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઇરાન પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા હોર્મુઝમાં જહાજોનું આવાગમન સલામત રાખવા કરવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીઓનો દાવો છે કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે લારક દ્વીપ પર એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા જેનાથી દરિયામાં વિસ્ફોટક સુરંગો લોન્ચ કરવાની હતી.
ઇરાને તેના જવાબમાં જોર્ડનમાં આવેલા કિંગ હુસૈન એરબેઝ અને અલ-અઝરક એરબેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. ઇરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં અમેરિકન લશ્કરી થાણાના સાધનો, ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લડાયક વિમાનોના ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે અમેરિકન સૂત્રો મુજબ તેની એર ડિફેન્સ સિસ્ટમે લગભગ બધી ઇરાની મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.
અમેરિકાએ ઇરાન પર તાજા હુમલા ત્યારે કર્યા છે જ્યારે નવેમ્બરમાં અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી થવાની છે. ઇરાન યુદ્ધને લઈને અમેરિકન રાજકારણમાં પણ ગરમાટો છે. ડેમોક્રેટિક સેનેટર જેક રીડે ટ્રમ્પ તંત્રની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે છ મહિના પછી પણ ટ્રમ્પ તંત્ર યુદ્ધમાં જાહેર કરેલું કોઈપણ લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી. જો ઇરાન હારી ગયું હોય તો તેણે હજી સુધી સરેન્ડર કેમ કર્યુ નથી, અમેરિકા જીતી ગયું હોય તો પછી અમેરિકન લશ્કર યુદ્ધ પૂરુ થયા પછી મધ્યપૂર્વમાં શું કરે છે તેવા અણિયાળા સવાલો પૂછ્યા હતા. સોમવારે ઇરાનીયન ડ્રોન યુએઈએ પણ આંતર્યા હતા.
ઇરાન સામેનું યુદ્ધ જીતવામાં ગયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને નિષ્ફળ દેશ ગણાવ્યો છે. ઇરાન મરી ચૂક્યું છે. ઇરાન પાસે નૌકાદળ નષી, હવાઈદળ નથી અને મજબૂત ચલણ પણ નથી. તેઓ પોતાના સૈનિકો અને પોલીસને પગાર સુદ્ધા પણ આપી શકતા નથી. ઇરાનમાં મોંઘવારી ૩૦૦ ટકા સુધી પહોંચી ગઈ છે. ઇરાનમાં એક લાખથી વધુ દેખાવકારોને ખતમ કરવામાં આવી ચૂક્યા છે. તેનું નેતૃત્વ યોગ્ય હાથમાં નથી. ઇરાનના તંત્રએ માનવતાને શર્મસાર કરી છે. તેના શાસકો પર યુદ્ધઅપરાધોના આરોપમાં કેસ ચાલવો જોઈએ. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખતરનાક એઆઈ વિડીયો શેર કર્યો, તેમા ખાર્ગ દ્વીપનો ખાત્મો બતાવાયો હતો. ઉલ્લેખનીય છે કે ખાર્ગ દ્વીપ પરથી ઇરાન ૯૦ ટકા ક્રૂડની નિકાસ કરે છે. આ જોતાં અમેરિકાના કોઈ મોટા હુમલાના સંકેત તો નથી તેવું નિષ્ણાતો પૂછી રહ્યા છે. ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે હોર્મુઝ ખૂલ્લું છે, પરંતુ ગયા સપ્તાહે માંડ ૨૪ જહાજ પસાર થઈ શક્યા હતા. જ્યારે સામાન્ય સંજોગોમાં દૈનિક ધોરણે ૧૩૦ જહાજ પસાર થાય છે.

મક્કા કરારના ત્રણેય દેશોની પ્રથમ સંયુક્ત બેઠક તુર્કીમાં યોજાશે
મક્કા જોઇન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ હેઠળ વ્યૂહાત્મક રાજકીય અને સંરક્ષણ સમિતિની બેઠક તુર્કીમાં ઇસ્તંબુલ ખાતે યોજાશે. પાકિસ્તાન તરફથી આ બેઠકમાં નાયબ વડાપ્રધાન મોહમ્મદ ઇશાક દાર, સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફ અને ફિલ્ડ માર્શલ અસિમ મુનિર જશે.
આ બેઠકમાં પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા અને તુર્કીના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન હાજરી આપશે.આ મહિને અગાઉ મક્કામાં આ ત્રણેય દેશ વચ્ચે જોઇન્ટ ડીફેન્સ ડીલ થયું હતું.