- નવા નિયમ હેઠળ સ્કીલ અને ઊંચા વેતનવાળાને અગ્રતા
- ટ્રમ્પ તંત્રએ એચ-1બી વિઝા હેઠળ વિદેશી કામદારોની પસંદગીની પ્રક્રિયા જ બદલતા ફ્રેશર્સ માટે નોકરી અશક્ય : નવા નિયમ 27 ફેબ્રુઆરીથી અમલમાં આવશે
- અમેરિકાએ એચ-1બીમાં વિદેશી કામદારો માટેની લોટરી સિસ્ટમ જ બદલી નાખતા વિદેશી વિદ્યાર્થીઓમાં અજંપો
Donald Trump on H-1B : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજી ટર્મમાં સત્તા પર પરત ફર્યા પછી દરેક રીતે ભારત અને ભારતીયોને ફટકો મારવાનું જારી રાખ્યું છે. ટ્રમ્પ તંત્રના નવા તઘલખી નિયમના કારણે ત્યાં ભણીને નોકરીનું સપનું સેવતા ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સહિતના વિદેશી સ્ટુડન્ટ્સનું ભાવિ અદ્ધરતાલ અહીં ભણતા બધા વિદેશી વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ તંત્રનું આ કંપારી છૂટે તેવું પગલું છે.
ટ્રમ્પે H-1Bમાં ફેરફાર કરીને વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં નોકરીઓ મેળવવાનું મુશ્કેલ બનાવી દીધું છે.
આ વિદ્યાર્થીઓને અમેરિકામાં ભણી રહ્યા પછી અત્યાર સુધી H-1B વિઝા હેઠળ નોકરી મળતી હતી. ટ્રમ્પ તંત્રએ અહીં H-1B વિઝાની પસંદગીની પ્રક્રિયા જ બદલી નાખી છે. હજી તો થોડા સમય પહેલાં જ ટ્રમ્પે વસવસો વ્યક્ત કર્યો હતો કે ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણીને તેમના દેશ પાછા જતાં રહે છે તે આપણી સિસ્ટમ માટે શરમજનક છે. તેમણે અમેરિકામાં અભ્યાસ કર્યો હોય તો પછી તે અમેરિકામાં જ રહેવા જોઈએ.
બિલકુલ આનાથી વિપરીત વર્તન કરતા ટ્રમ્પે વિદેશી કામદારને વિઝા લોટરી સિસ્ટમથી નહીં મળે, પણ તેની સ્કીલના આધારે મળશે. આનો સીધો અર્થ એમ જ થાય કે અમેરિકન યુનિવર્સિટીમાંથી ભણીને બહાર નીકળેલા ફ્રેશર્સને H-1B હેઠળ નોકરી સીધી મળી જતી હતી તે હવે પહેલા જેટલી સરળતાથી નહી મળે, તેના બદલે તેના હેઠળ વધારે અનુભવી હશે તેને જ મળશે.
જ્યારે ફ્રેશર હોય તેવા વિદેશી વિદ્યાર્થીએ નોકરી માટે દોડતાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જી છે. તેમના માટે નોકરી મેળવવી જ અશક્ય બનાવી દેવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે.
એચ-વનબી વિઝાનું લેવલ
નવા નિયમ હેઠળ તેવા લોકોને વિઝામાં અગ્રતા આપવામાં આવશે, જેમનું વેતન વધારે છે અને જેમની પાસે સારું કૌશલ્ય છે. વાસ્તવમાં H-1B વિઝામાં પગારના ચાર સ્તર હોય છે. તેમા પહેલા લેવલથી લઈને ચોથા લેવલ સુધીનો સમાવેશ થાય છે. આથી લેવલ-૪ના જેટલો સેલરી મેળવતા ઉમેદવારને લોટરીમાં ચાર વખત સામેલ કરાશે, જ્યારે લેવલ-૩ને સેલરી મેળવતાને ત્રણ વખત, લેવલ-૨નો સેલરી મેળવનારને બે વખત અને લેવલ-૧નો પગાર મેળવનારને ફક્ત એક જ વખત તક મળશે. સેલેરીના આધારે સિલેકશનની સિસ્ટમના કારણે લેવલ-૪ હેઠળ જેટલા પણ વિદેશી કામદાર હશે તેને સરળતાથી નોકરી મળી જશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬થી આ નવો નિયમ અમલમાં આવશે. આમ ટ્રમ્પ અમેરિકન નોકરીઓમાં અમેરિકન જ આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.
નવી સિસ્ટમમાં નોકરીની સંભાવના
વર્તમાન સિસ્ટમ હેઠળ લોટરીમાં સામેલ ચારેય લેવલના બધા કામદારોને નોકરી મળવાની સંભાવના ૨૯.૫૯ ટકા છે. જ્યારે નવા નિયમ હેઠળ H-1B માટે અરજી કરનાર લેવલ-૪ પર હોય તો તેના સિલેકશનની સંભાવનામાં સીધો ૧૦૭ ટકાનો વધારો થશે. જ્યારે પહેલા લેવલવાળા કામદારની સંભાવના ૪૮ ટકા ઘટી જશે. આમ અનુભવી અને વધારે વેતન મેળવનારાને સરળતાથી વિઝા મળશે. તેનાથી વિપરીત યુનિ.માંથી ગ્રેજ્યુએટ થઈ એન્ટ્રી લેવલ જોબ શોધતા વિદ્યાર્થીઓએ નોકરી માટે ફાંફા મારવા પડશે.તેમા પણ કંપનીઓ વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપવાથી બચશે, કારણ કે ઓછા વેતનના કારણે તેમના માટે વિઝા મેળવવો અઘરો થશે. બીજી બાજુએ ટ્રમ્પે H-1B વિઝાની ફી જ એક લાખ ડોલર જેટલી કરી નાખી છે, જેથી કોઈ કંપની પણ ભાગ્યે જ તૈયાર થાય.
હાઇસ્કીલ્ડને પ્રાધાન્ય
નવા નિયમ હેઠળ H-1B વિઝાની કામગીરીમાં હાઇલી સ્કીલ્ડ વર્કર અને ઊંચા વેતનને ટોચની અગ્રતા આપવામાં આવી છે. આમ ટ્રમ્પ તંત્ર વિઝા પ્રોગ્રામમાં જ ધરમૂળથી ફેરફાર કરી રહ્યું છે. આના પગલે અહીં નીચા વેતને કામ કરતાં વિદેશી કામદારોને રોજગારી નહીં મળે, પરંતુ અનુભવી અને ઊંચા વેતને કામ કરનારાને જ રોજગારી મળશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ વિભાગના પ્રવક્તા મેથ્યુ ટ્રાગેસરનું કહેવું છે કે H-1Bની વર્તમાન લોટરી પ્રણાલિ શોષણભરી છે. તેના હેઠળ અમેરિકન કંપનીઓ સસ્તા દરે વિદેશી કામદારને લાવે છે અને તેથી અમેરિકનોને જોબ મળતી નથી.
સ્ટુડન્ટના વિઝાને અગ્રતા તળિયે ગઈ
અમેરિકા દર વર્ષે ૬૫ હજાર H-1B વિઝા જારી કરે છે. તેમા ત્યાં ભણતા સ્ટુડન્ટ્સ માટે ૨૦ હજાર વિઝા અલગથી જારી કરે છે. હવે ટ્રમ્પ તંત્રએ ભરેલા પગલામાં આ વિઝા હેઠળ ફોડ પાડવામાં આવ્યો નથી. હાલમાં આ વિઝા હેઠળ ત્રણ વર્ષના H-1B વિઝા મળે છે અને તેમા ત્રણ વર્ષ સુધી એકસ્ટેન્શન પણ મળે છે, પરંતુ તેને પ્રાયોરિટીમાં છેક નીચલા સ્તરે મૂકી દેવામાં આવતા નોકરી મળવી અત્યંત અઘરી બની જશે.
સમર્થકો-ટીકાકારોની દલીલ
સરકારના આ પગલાંના સમર્થકોનું કહેવું છે કે તેના કારણે શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રે નિષ્ણાત કર્મચારી મળશે. અમેરિકામાં નવી જ શોધો અને આર્થિક વૃદ્ધિને વેગ મળશેકંપનીઓને ખાસ ક્ષેત્રના નિષ્ણાતોનો ફાયદો મળશે. જ્યારે ટીકાકારોની દલીલ છે કે આ વિઝા વાસ્તવમાં સ્પેશ્યલાઇઝ્ડ નહીં પણ એન્ટ્રી લેવલની જોબનું જ કામ કરતા હતા. કંપનીઓ વધુ અનુભવી કામદારની ભરતી કરે તો પણ જે સ્કીલને લોએસ્ટ સ્કીલ તરીકે વર્ગીકૃત કર્યુ હોય ત્યાં નીચું જ વેતન ચૂકવે છે. પછી ભલેને તેણે ગમે તેવા અનુભવીને કેમ ન લીધો હોય.


