કોરોના પીડિત માતાનું મોં જોવા લાગણીશીલ પુત્ર હોસ્પિટલની બારી પર ચડયો ?
પેલેસ્ટાઇનના જીહાદ નામના યુવાનનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
આ તસ્વીર કોરોનાની મહામારીમાં લાગણીના સંબંધોને સમજાવે છે
જેરુસલામ,20, જુલાઇ ,2020, સોમવાર
કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ખૂબ મહત્વનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ બહાર જ નહી પરીવારમાં પણ જરુરી બની ગયું છે. પરીવાર સાથે લાગણીના સંબંધો હોવાથી સોશિયલ અંતર રાખવામાં ખૂબજ મુશ્કેલી પડતી હોય છે. ઘરમાં કોઇ વ્યકિત કોરોના પોઝિટિવ હોય ત્યારે લાગણીના સંબંધો કેવી રીતે જાગૃત થાય છે તે સમજાવતી એક સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. કોવિડ-૧૯નો ભોગ બનેલી એક પેલેસ્ટાઇનની માતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. એ તો સૌ જાણે છે કે કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે પેશન્ટના
કોઇ પણ સગાને હોસ્પિટલમાં પ્રવેશ મળતો નથી. સારવાર આપતા ડોકટરો અને મેડિકલ સ્ટાફ પણ ખાસ પોતાના રક્ષણ માટેની ખાસ કિટ પહેરીને જ પ્રવેશ કરતા હોય છે. જો કે કયારેક આ બધુ લાગણીઓ સમજતી નથી. કોરોનાની સારવાર લઇ રહેલી માતાને જોવા માટે પુત્ર જોખમ લઇને હોસ્પિટલની દિવાલના સહારે ચડીને સારવાર લઇ રહેલી માતાનું મોં જુએ છે. ટવીટર પર વાયરલ થયેલી આ માહિતીને ૫૫ હજારથી વધુ લોકોએ રિ ટવીટ્ કરી છે એટલું જ નહી લાખો લોકોએ આ પસંદ કરી છે.
બેઇટ અવા નામની ૭૩ વર્ષની મહિલાની બેબ્રન સ્ટેટ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર ચાલતી હતી. તેનો ૩૫ વર્ષનો પુત્ર જીહાદ અલી સુવાતી સૌથી વ્હાલો હતો. તે બિમાર માતાને મળી શકતો ન હોવાથી ખૂબજ દુખી થઇ જતો હતો. છેવટે પોતાની લાગણીઓ પર કાબુ ના રાખી શકતા તેણે હોસ્પિટલની બારીમાંથી માતાને જોવા પ્રયત્ન કર્યો હતો. માતા કોરાના ઉપરાંત લ્યૂકેમિયાથી પણ પીડાતી હતી. પાંચ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ તબીબો માતાને બચાવી શકયા ન હતા. તેનું ગત અઠવાડિયે જ મુત્યુ થતા પુત્ર જીહાદ શોકમાં ડૂબી ગયો હતો. આ જીહાદ વિશે પોતાના દેશના લોકલ મીડિયામાં સ્ટોરી પ્રકાશિત થઇ છે જેમાં જીહાદે જણાવ્યું કે છેલ્લી પળો સુધી લાચાર બનીને આઇસીયુની બારીમાંથી મારી માતાને જોતો રહયો હતો. ૧૫ વર્ષ પહેલા પિતા ગુમાવ્યા અને હવે માતા પણ છોડીને જતી રહી છે.