Thailand PM Moves To Dissolve Parliament : કંબોડિયા સાથે સૈન્ય ઘર્ષણ કરી રહેલા થાઇલૅન્ડના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. દેશના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે (Anutin Charnvirakul) ત્રણ મહિના પહેલા જ કાર્યભાર સંભાળ્યો હતો, જોકે તેમના સંસદ ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. સંસદ ભંગની સત્તાવાર સૂચના અને જાહેર કર્યા બાદ હવે દેશમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવની સંભાવના છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની સંભાવના
સંસદ ભંગ કરવા મામલે સરકારે જાહેર કરેલા ‘રૉયલ ગેજેટ’માં કહેવાયું છે કે, દેશમાં પ્રભાવી શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નવી ચૂંટણીઓ યોજવાની જરૂર છે. થાઇ બંધારણ મુજબ સંસદ ભંગ થયાના 45થી 60 દિવસની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે. આવી સ્થિતમાં જાન્યુઆરીના અંતે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. આમ તો વર્ષ પૂરું થયા બાદ સંસદ ભંગ થવાની સંભાવના હતી.
થાઇલૅન્ડ-કંમ્બોડિયા વચ્ચે સરહદ વિવાદ, 20ના મોત
ઉલ્લેખનીય છે કે, સંસદ ભંગ કરવાનો નિર્ણય એવા સમયે લેવાયો છે, જ્યારે થાઇલૅન્ડ અને કંમ્બોડિયા વચ્ચે સરહદ વિવાદ મામલે સામ સામે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે છ લાખથી વધુ લોકો પોતાની જીવ બચાવવા માટે પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. આમાંથી મોટાભાગના લોકો થાઇલૅન્ડમાં આશરો લઈ રહ્યા છે.
આ પણ વાંચો : સુપરપાવર દેશોનું અલગ ગ્રુપ! ભારત અને ચીન સહિત આ 5 પાર્ટનર, જાણો ટ્રમ્પનો નવો 'C5' પ્લાન
વર્તમાન સરકાર સામે હતા અનેક પડકારો
વર્તમાન સરકાર આંતરિક રાજકીય સંકટ, ગઠબંધનમાં તિરાડ અને પ્રજામાં અસંતોષ જેવા પડકારોનો સામનો કરી રહી હતી. અનુતિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પરંપરાગત જાહેરાત કરી હતી કે, તેઓ પ્રજાને સત્તા પરત આપવા માંગે છે. તેમની આ જાહેરાત સંસદ ભંગ કર્યા પહેલાની પરંપરાગત જાહેરાત માનવામાં આવે છે.
બે વર્ષમાં ત્રણ વડાપ્રધાન બદલાયા
થાઇલૅન્ડના રાજકારણની વાત કરીએ તો, દેશમાં બે વર્ષમાં ત્રણ વડાપ્રધાન બદલાઈ ગયા છે. અનુતિનાની પાર્ટીનું અગાઉ શિનાવાત્રાની પાર્ટી ફેઉ થાઇ પાર્ટી સાથે ગઠબંધન હતું, જોકે સરહદ વિવાદ મામલે બંને પાર્ટી વચ્ચે મતભેદ ઊભા થયા બાદ ગઠબંધન તોડી નાખવામાં આવ્યું હતું.
4 વર્ષમાં 7 વડાપ્રધાન બદલાયા
• પ્રવિત વોંગસુવાન (Prawit Wongsuwon) એ 24 ઑગસ્ટ-2022ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો અને માત્ર 37 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર-2022 સુધી જ સત્તા પર રહ્યા હતા.
• શ્રેષ્ઠા થાવિસિન (Srettha Thavisin) 22 ઑગસ્ટ-2023ના રોજ વડાપ્રધાન બન્યા અને 14 ઑગસ્ટ-2024 સુધી સત્તા પર રહ્યા, તેમણે કુલ 358 દિવસ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું.
• ફૂમથામ વેચાયાચાઈ (Phumtham Wechayachai)ને 14 ઑગસ્ટ-2024ના રોજ વચગાળાના વડાપ્રધાન બનાવાયા, પરંતુ તેમનો કાર્યકાળ માત્ર 2 દિવસ એટલે કે 16 ઑગસ્ટ-2024ના રોજ પૂરો થયો.
• પૈતોંગતારણ શિનાવાત્રા (Paetongtarn Shinawatra)એ 16 ઑગસ્ટ-2024ના રોજ સત્તા સંભાળી અને તેઓ 29 ઑગસ્ટ-2025 સુધી વડાપ્રધાન પદે રહ્યા, જે કુલ 1 વર્ષ અને 13 દિવસ જેટલો સમયગાળો છે.
• સુરિયા જુઆંગરુંગૃંગકિત (Suriya Juangroongruangkit) 1 જુલાઈ-2025થી 3 જુલાઈ-2025 સુધી માત્ર બે દિવસ માટે જ વડાપ્રધાન પદ પર રહ્યા.
• ફૂમથામ વેચાયાચાઈ (Phumtham Wechayachai)એ ફરી એકવાર 3 જુલાઈ-2025ના રોજ કાર્યભાર સંભાળ્યો અને 7 સપ્ટેમ્બર-2025 સુધી કુલ 66 દિવસ માટે સત્તા પર રહ્યા.
• અનુટિન ચાર્નવીરકુલ (Anutin Charnvirakul)એ 7 સપ્ટેમ્બર-2025ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 12 ડિસેમ્બર-2025 સુધી કુલ 95 દિવસ સુધી સત્તા સંભાળી.


