સુપરપાવર દેશોનું અલગ ગ્રૂપ! ભારત અને ચીન સહિત આ 5 પાર્ટનર, જાણો ટ્રમ્પનો નવો 'C5' પ્લાન

Donald Trump Planning New Superclub : આમ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા અને ચીન સાથે જીભાજોડી થતી રહે છે. ટ્રમ્પે કાર્યકાળ દરમિયાન યુક્રેન મામલે રશિયાને ટાર્ગેટ કર્યું હતું. જ્યારે તેમણે પ્રમુખ બન્યા બાદ ટેરિફ મામલે ચીન સાથે શાબ્દિક પ્રહારો શરુ કરી દીધા હતા. એટલું જ નહીં તેમણે ભારતને પણ રશિયા મામલે સાણસામાં લઈ 50 ટકા ટેરિફ ઝિંકી દીધો હતો. આ ઉપરાંત ટ્રમ્પના કારણે અમેરિકા-યુરોપ વચ્ચે છ દાયકા જૂના ગાઢ સંબંધોને પણ અસર થઈ છે. જોકે આ તમામ વિવાદો વચ્ચે હવે ટ્રમ્પ સુપર પાવર દેશોનું અલગ સંગઠન બનાવવાની તૈયારીમાં લાગી ગયા હોય, તેવો રિપોર્ટ સામે આવ્યો છે.
ટ્રમ્પ પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવાવની તૈયારીમાં
અમેરિકન મીડિયામાં દાવો કરાયો છે કે, ટ્રમ્પનું તંત્ર પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવાવની તૈયારી કરી રહ્યો છે. આ પાંચ દેશોમાં અમેરિકા, ભારત, રશિયા, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. અમેરિકા પોતાની નવીનતમ અને વ્યાપક વ્યૂહરચના હેઠળ ‘C5’ અથવા 'Core 5' નામનું ‘નવું વૈશ્વિક સંગઠન’ બનાવવાનો પ્રસ્તાવ લાવી છે. આ દાવો સામે આવ્યા બાદ હવે C5ની ચોતરફ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આમાં યુરોપને સામેલ ન કરાયું હોવાની પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે.
અમેરિકાએ તાજેતરમાં જ નવો ‘નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી (NSS)’ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં જુદા જુદા દેશો મામલે અમેરિકાનું વલણ કેવું હોવું જોઈએ? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજીતરફ ડિજિટલ પ્લેટફોર્મ ‘અમેરિકન આઉટલેટ ડિફેન્સ વન’એ દાવો કર્યો છે કે, NSS રિપોર્ટ હજુ અપૂર્ણ છે અને તેમની પાસે રિપોર્ટ અંગેની સંપૂર્ણ વિગતો છે.
C5 નામનું વૈશ્વિક સંગઠન બનાવવાનો પ્રસ્તાવ
પ્લેટફોર્મના દાવા મુજબ, અમેરિકાના ટ્રમ્પ તંત્રએ રિપોર્ટમાં C5 નામનું વૈશ્વિક સંગઠન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાન સામેલ છે. નવું સંગઠન G7ની જેમ દર વર્ષે સમિટ યોજશે. અત્રે એ યાદ રહે કે, જી7 પશ્ચિમ દેશોનું સંગઠન છે, જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ સામેલ છે. આ સંગઠન વૈશ્વિક આર્થિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નિયમિતપણે બેઠક યોજે છે. ત્યારે ટ્રમ્પ આવું જ પાંચ દેશોનું એક સંગઠન બનાવવા માંગે છે. જોકે હજુ સુધી આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ટ્રમ્પના ચીન-રશિયા પ્રત્યે નરમ વલણથી C5ની સંકેત
અમેરિકાની જાણીતી સમાચાર સંસ્થા ‘અમેરિકન આઉટલેટ પોલિટિકો’ના રિપોર્ટમાં પણ દાવો કરાયો છે કે, ‘આ અઠવાડિયે વોશિંગ્ટન વિચારી રહ્યું છે કે, એક નવો કોર-5 સંગઠન બનાવવું જોઈએ અને તેમાં ચીન-રશિયાને સામેલ કરવું જોઈએ. આમ કરવાથી અમેરિકાની બંને દેશો સાથેની દુશ્મની દૂર થશે અને નવું સંગઠન જી7થી તદ્દન અલગ રીતે કામ કરશે.’ ટ્રમ્પે તાજેતરમાં જ અમેરિકન ટૅક્નોલૉજી કંપની Nvidiaને ચીનને ચીપ વેચવાની મંજૂરી આપી હતી, એટલું જ નહીં તેમણે પોતાના વિશેષ રાજદૂતોને યુક્રેન યુદ્ધ મામલે વાતચીત કરવા રશિયા મોકલ્યા હતા, તેથી આ બંને સંકેત નવા ગઠબંધન તરફના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

