Get The App

ગૂગલ AI ગ્લાસથી અજાણ્યા લોકોની અંગત માહિતીઓ પણ જાણી શકાશે

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલ AI ગ્લાસથી અજાણ્યા લોકોની અંગત માહિતીઓ પણ જાણી શકાશે 1 - image


એઆઈ ગ્લાસ ચહેરો સ્કેન કરી નામ, સરનામા સહિતની વિગતો આપશે 

ગૂગલ એઆઈ ગ્લાસ ઈન્ટરનેટ-સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ દરેક અંગત માહિતી, બાયોમેટ્રિક ડેટા પણ એક્સેસ કરી શકશે

ન્યૂયોર્ક: રસ્તા પર ચાલતા કે મેટ્રો કે ટ્રેનો કે ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે તમે દરરોજ સેંકડો લોકોને મળતા હોવ છો, જેમાંથી ૯૯ ટકા લોકોને તમે ઓળખતા નથી હોતા, પરંતુ આ લોકોનો ચહેરો જોઈને જ તમે તેમનું નામ, સરનામું, તેઓ ક્યાં નોકરી કરે છે, તેમની પસંદ-નાપસંદ શું છે તેવી અંગત વિગતો તમે જાણી શકો તો તમે કેવું અનુભવશો? અથવા અન્ય કોઈ વ્યક્તિ તમારી અંગત વિગતો જાણી લે તો તમને કેવું લાગશે? હોલિવૂડ ફિલ્મના કોઈ પ્લોટ જેવી લાગતી આ બાબત હવે વાસ્તવિક્તા બનવા જઈ રહી છે. ગૂગલના એઆઈ ગ્લાસની મદદથી કોઈપણ વ્યક્તિ કોઈપણ અજાણી વ્યક્તિની અંગત માહિતી મેળવવા સક્ષમ બની જશે.

આપણે ક્યાંય પણ જતા હોઈએ તો રસ્તામાં આપણને સેંકડો અજાણ્યા લોકો મળે છે, તેનું કારણ એ છે કે આપણે તેમના નામ, સરનામા સહિતની વિગતો જાણતા નથી હોતા. જોકે, ગૂગલ એઆઈ ગ્લાસે અજાણ્યા હોવાની આ ભેદરેખા દૂર કરી દીધી છે. ગૂગલ એઆઈ ગ્લાસ પહેરીને રસ્તા પર ફરતા ડચ ટેક્નોલોજી પત્રકાર એલેક્ઝેન્ડર ક્લોપિંગના એક ડેમો વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી દીધી છે.

વીડિયોમાં જોવા મળે છે કે ચશ્મા પહેરીને ડચ પત્રકાર ક્લોપિંગ રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોને થોડીકવાર જોઈ રહે છે અથવા તેમની પાસેથી ટ્રેન અથવા અન્ય કોઈ માહિતી પૂછે છે. આ સમયમાં તેણે પહેરેલા ગૂગલ એઆઈ ગ્લાસ આ લોકોના ચહેરા સ્કેન કરે છે, તેમને ઓળખી કાઢે છે અને તેનું નામ, સરનામું, ડિગ્રી, નોકરી, લિંક્ડઈન પ્રોફાઈલ સહિતની વિગતો  પત્રકાર ક્લોપિંગને આપે છે.

પત્રકાર એલેક્ઝેન્ડર ક્લોપિંગ સામેની વ્યક્તિને તેના નામથી બોલાવતા, તેમના વ્યવસાયની માહિતી આપતા  સામેની વ્યક્તિ એક અજાણી વ્યક્તિ પાસે તેની આ વિગતો હોવા અંગે આશ્ચર્ય થાય છે ત્યારે ક્લોપિંગ કહે છે, તેણે પહેરેલા ગૂગલ એઆઈ ગ્લાસ એટલે કે ચશ્માથી તેણે આ વિગતો મેળવી છે.

ગૂગલ એઆઈ ગ્લાસ કોઈપણ સરકારી ડેટાબેસ અથવા પોલીસ સિસ્ટમની મદદ વિના કોઈપણ વ્યક્તિની માહિતી મેળવી શકે છે. હકીકતમાં આ એઆઈ ગ્લાસ કોઈપણ વ્યક્તિની ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ બધી જ માહિતી એક્સેસ કરી શકે છે. ગૂગલ એઆઈ ગ્લાસથી કોઈપણ વ્યક્તિના બાયોમેટ્રિક ડેટા અને અન્ય અંગત માહિતી જાણી શકાય છે.

જોકે, ડચ પત્રકારના આ ડેમોએ અનેક સવાલો ઊભા કર્યા છે. જાણીતા એઆઈ પ્રાઈવસી એક્સપર્ટ પાસ્કલ બોર્નેટે કહ્યું કે, આ ટેક્નોલોજીએ લોકોને જોવા અને જાણવા વચ્ચેની ભેદરેખા જ દૂર કરી દીધી છે. આ વીડિયો જોઈને પહેલી પ્રતિક્રિયા ડરની હતી. આ ગ્લાસથી દુનિયામાં કોઈપણ વ્યક્તિ અજાણી નહીં રહે. જોકે, ગૂગલ ગ્લાસની લોકોની અંગત માહિતીઓ જાહેર થઈ જતી હોવાથી લોકોની પ્રાઈવસી જોખમાઈ શકે છે. લોકોનો અંગત ડેટા સંવેદનશીલ હોય છે, જે લીક થતાં અનેક પ્રકારના જોખમો ઊભા થઈ શકે છે.


Tags :