VIDEO : થાઈલેન્ડમાં ફટાકડાના કારખાનામાં ભયાનક વિસ્ફોટ, 9 લોકોના મોત
Thailand Fireworks Factory Explosion : થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં (Suphan Buri province) આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે (30 જુ) ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાંતના મુએઆંગ જિલ્લામાં બેંગકોકના ઉત્તરમાં બન ફો સબડિસ્ટ્રિક્ટમાં આ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11 કલાકો થયો હતો.
વિસ્ફોટમાં ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ
વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે ફેક્ટરીની ઈમારત સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને ચારે બાજુથી બળીને ખાખ થઈ ગઈ છે. નજીકમાં પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન થયું છે. કેટલીક રિપોર્ટ્સ મુજબ, આ અનધિકૃત ફટાકડા ઉત્પાદન સ્થળ હતું, જે બે સામાન્ય મકાનોમાં ચાલી રહ્યું હતું. પોલીસે 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
વધુ વિસ્ફોટોનો ભય ટાળવા વિસ્તાર કોર્ડન કરાયો
પોલીસ અને અધિકારીઓ વિસ્ફોટના કારણની તપાસ કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર સંભવિત વિસ્ફોટોનો ભય ટાળી શકાય તે માટે ઘટનાસ્થળ પરના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને લોકોનું અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. નોંધનીય છે કે, થાઈલેન્ડમાં ફેક્ટરીમાં આગ લાગવાની કે વિસ્ફોટ થવાની ઘટનાઓ વારંવાર બને છે, કારણ કે ત્યાં સુરક્ષા નિયમોનું અમલીકરણ નબળું જોવા મળે છે. સુફાન બુરી પ્રાંતમાં આ પ્રકારની આ ત્રીજી મોટી ઘટના છે.
સુફાની બુરી પ્રાંતમાં ત્રીજી વખત બની ઘટના
જાન્યુઆરી 2024માં આ જ પ્રાંતમાં અન્ય એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 23 લોકોના જીવ ગયા હતા. જુલાઈ 2022માં બન ફો થાસાઈમાં એક ઘરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 2 ઘાયલ થયા હતા. આ ઘટના થાઈલેન્ડમાં ઔદ્યોગિક સુરક્ષા ધોરણો અને અનધિકૃત કામગીરી પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરે છે.