થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે થશે સમાધાન? મલેશિયામાં હાઈલેવલ મીટિંગ, અમેરિકાની પણ એક ટીમ પહોંચી
Thailand And Cambodia War: કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાન કરવા અમેરિકાની એક ટીમ મલેશિયા પહોંચી છે. યુએસ રાજ્ય સચિવ માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે સીઝફાયર કરાવવા સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સોમવારે મલેશિયા પહોંચ્યા છે. તેઓ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવાના પ્રયાસો કરશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂબિયો બંને દેશો સાથે આ મુદ્દે વાત કરી રહ્યા છે. તેમજ તેનું બારીકાઈથી નિરિક્ષણ કરી રહ્યા છે. રૂબિયોએ આજે વહેલી સવારે આ અંગે જણાવ્યું હતું કે, અમે બને તેટલી ઝડપથી બંને દેશો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરાવવા માગીએ છીએ. જેના ભાગરૂપે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ શાંતિ પ્રયાસોમાં મદદરૂપ બનવા મલેશિયા પહોંચ્યા છે.
બંને દેશોના નેતા બેઠકમાં ભાગ લેશે
થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ આજે મલેશિયામાં યોજાનારી મધ્યસ્થી બેઠકમાં ભાગ લેવાના છે. થાઈ સરકારે આ બેઠકમાં સામેલ થવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે, બંને દેશો એકબીજા પર વિવાદિત વિસ્તારોમાં તોપમારા શરૂ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. મે મહિનાના અંતમાં થયેલી સરહદી અથડામણમાં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે. ગુરુવારે (24 જુલાઈ, 2025) બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ હતું. અને માત્ર ચાર દિવસમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ પડોશી દેશો વચ્ચે એક દાયકા જૂનો વિવાદ ફરી પાછો ઉગ્ર બન્યો હતો.
આ પણ વાંચોઃ ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
આ યુદ્ધમાં 30ના મોત
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યારસુધી 30થી વધુના મોત થયા છે. જેમાં થાઈલેન્ડમાં 13 અને કંબોડિયામાં આઠ નાગરિકોનો સમાવેશ છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાંથી 200,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, મારૂ માનવું છે કે થાઈલેન્ડ અને કંબોડિયા બંને પોતાના મતભેદો ઉકેલવા માગે છે કારણ કે અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે કે, જ્યાં સુધી બંને દેશો આ યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે વેપાર સોદા કરીશું નહીં.