થાઇલૅન્ડ-કંબોડિયા વચ્ચે 4 દિવસના યુદ્ધ પછી સીઝફાયર: મલેશિયામાં હાઇ-લેવલ બેઠક બાદ જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Thailand And Cambodia Ceasefire: થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા યુદ્ધ બાદ અંતે તત્કાલ અને શરત વિના સીઝફાયર થયું છે. મલેશિયન વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી હતી કે, થાઇલૅન્ડ અને કંબોડિયા અનેક દિવસોથી ચાલી રહેલા સરહદ સંઘર્ષનો અંત લાવવા તાત્કાલિક અને શરતો વિના યુદ્ધવિરામ પર સહમત થયા છે. મલેશિયા દ્વારા મધ્યસ્થી બાદ થાઇલૅન્ડ અને કંબોડિયા સીઝફાયર માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે અમેરિકાની એક ટીમ પણ મલેશિયા પહોંચી હતી.
કંબોડિયન વડાપ્રધાન હુન માનેટ અને થાઇલૅન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયાચાઈએ મલેશિયાના પુત્રાજયામાં ઈબ્રાહિમના નિવાસ સ્થાને યોજાયેલી શાંતિ મંત્રણામાં ભાગ લીધો હતો. જેમાં ચીન અને અમેરિકાના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.
કયા મુદ્દે છેડાયો હતો વિવાદ
બંને દેશો વચ્ચે 24 જુલાઈના રોજથી તણાવ વધ્યો હતો. 24 જુલાઈના રોજ થાઇલૅન્ડે કંબોડિયાના અનેક ઠેકાણે એફ-16 ફાઇટર પ્લેનની મદદથી બોમ્બ ફેંક્યા હતા. મે મહિનાના અંતમાં થયેલી સરહદી અથડામણમાં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે. દાયકાઓથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે (24 જુલાઈ, 2025) બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ શરુ થયું હતું અને માત્ર ચાર દિવસમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ પડોશી દેશો વચ્ચે એક દાયકા જૂનો વિવાદ ફરી પાછો ઉગ્ર બન્યો હતો.
આ યુદ્ધમાં 30ના મોત
કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યારસુધી 30થી વધુના મોત થયા છે. જેમાં થાઇલૅન્ડમાં 13 અને કંબોડિયામાં આઠ નાગરિકોનો સમાવેશ છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાંથી 200,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, મારું માનવું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા બંને પોતાના મતભેદો ઉકેલવા માગે છે કારણ કે અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે કે, જ્યાં સુધી બંને દેશો આ યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે વેપાર સોદા કરીશું નહીં.








