મહિલાઓના પહેરવેશ અંગે વિવાદિત નિર્ણય બાદ બાંગ્લાદેશ બેન્કનો યુ-ટર્ન, આદેશ પાછો ખેંચ્યો
File Photo, Image: IANS |
Bangladesh Bank Strange Order on Women Dress Code: બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને હાંકી કાઢ્યા બાદ હવે બાંગ્લાદેશ જાણે તાલિબાના રસ્તે ચાલી રહ્યું છે. બાંગ્લાદેશની મહિલાઓ અને યુવતીઓ પર તાલિબાની ફરમાન લાગુ કરવાના શરૂ કરી દેવાયા છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ બેન્કે મહિલા કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો હતો, જેમાં મહિલાઓના કપડાં પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ આદેશ બાંગ્લાદેશની કેન્દ્રીય બેન્ક કહેવાતી બાંગ્લાદેશી બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેનો એટલો વિરોધ થયો કે, હવે બાંગ્લાદેશ બેન્કે ભોંઠુ પડી આ આદેશ પાછો ખેંચવો પડ્યો છે.
મહિલા કર્મચારીઓ માટે નિયમો
નવા નિયમો મુજબ, મહિલાઓને 'શાલીન અને પ્રોફેશનલ' કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું. જે મુજબ મહિલાઓને હાફ-સ્લીફ અને નાના કપડાંની સાથે લેગિંગ્સ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહિલાઓએ સાડી, સલવાર-સૂટ સાથે ઓઢણી અથવા અન્ય સાદા કપડા પહેરવાના રહેશે, કપડાનો રંગ પ્રોફેશનલ અને સામાન્ય હોવો જોઈએ. ફોર્મલ સેન્ડલ અથવા જૂતા તેમજ સાધારણ હિજાબ અને સ્કાર્ફ પહેરવાનો રહેશે. બાંગ્લાદેશ બેન્ક સ્ટાફ રેગ્યુલેશન 2003 ની કલમ 39 નું પાલન કરવું ફરજિયાત છે, જે મહિલા કર્મચારીઓ સાથે સંબંધિત છે.
આદેશ પર નજર રાખશે અધિકારી
આ સિવાય કહેવામાં આવ્યું હતું કે, જાતીય સતામણીની ફરિયાદ 30 કામકાજના દિવસોની અંદર સંબંધિત સમિતિને આપવાની રહેશે. કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર કાર્યાલયના દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવાનું રહેશે. પ્રત્યેક કાર્યાલય વિભાગ, પરિયોજના અથવા એકમોમાં એક અધિકારીને આ નિર્દેશનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપવામાં આવશે. કોઈપણ સૂચના વિભાગના અધ્યક્ષને આપવામાં આવશે, જે સંબંધિત કર્મચારીની સામે કાર્યવાહીની ભલામણ કરાશે.
લોકોનો વિરોધ
- જોકે, આ નિયમની સાથે જ લોકોએ બાંગ્લાદેશના બેન્ક મેનેજમેન્ટને ફેસબુક અને એક્સ પર ટેગ કરી તેમને 'શાલીન અને પ્રોફેશનલ' કપડાંની વ્યાખ્યા જણાવવા લાગ્યા. વાત એટલી આગળ વધી ગઈ કે, હવે બાંગ્લાદેશ બેન્કે પોતાના આદશને પરત ખેંચવો પડ્યો છે. કારણ કે, અનેક લોકોએ આ આદશની તુલના તાલિબાની ઓર્ડર સાથે કરી હતી.
- આ આદેશનો વિરોધ કરતા એક્સ પર એક યુઝરે લખ્યું કે, 'ઇસ્લામિક એજન્ડા હેઠળ બાંગ્લાદેશ બેન્કની મહિલા અધિકારીઓ શૉર્ટ સ્લીવ અને લેગિંગ્સ ન પહેરી શકે પરંતુ, બાંગ્લાદેશ બેન્કના ગવર્નરની દીકરી પોતાની ઈચ્છા મુજબ, કંઇપણ પહેરી શકે છે.' આ સિવાય, અન્ય એક યુઝરે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'નવા તાલિબાની યુગમાં સતર્ક તાનાશાહનું શાસન.'
વિવાદ બાદ બદલ્યો નિર્ણય
સોશિયલ મીડિયા પર વિવાદ બાદ બાંગ્લાદેશ બેન્કે ગુરૂવારે આ નિર્દેશને પરત ખેંચી લીધો હતો. પ્રવક્ત આરિફ હુસૈન ખાને કહ્યું કે, 'આ પરિપત્ર સંપૂર્ણ રીતે એક સલાહ છે. હિજાબ અથવા બુર્કા પહેરવા અંગે કોઈ ફરજ પાડવામાં નથી આવી.'