આતંકવાદી સંગઠન તાલિબાને મુસ્લિમોને ઘરમાં રહીને નમાઝ પઢવાની સલાહ આપી
- કોરોનાના આતંકથી આતંકવાદીઓ પણ ડરી ગયા
- તાલિબાનના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં કોરોનાથી બચવા કેમ્પેઈન શરૂ કર્યું : લોકોને માસ્ક આપીને હાથ સ્વચ્છ રાખવાની અપીલ કરી
કાબુલ, તા. 07 એપ્રિલ 2020, મંગળવાર
કોરોનાના આતંકથી આતંકવાદીઓ પણ ડરી ગયા છે. આતંકવાદી સંગઠનો તેના સભ્યોને કોરોનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. તાલિબાને ઘરમાં રહીને નમાઝ પઢવાની લોકોને અપીલ કરી છે.
અફઘાનિસ્તાનના ઘણાં વિસ્તારમાં તાલિબાની આતંકવાદીઓએ માસ્ક આપ્યા હતા. તાલિબાની આતંકવાદીઓએ લોકોને હાથ સ્વચ્છ રાખવાની સલાહ આપી હતી અને ઘરમાં રહીને નમાઝ અદા કરવાની શિખામણ પણ તાલિબાને આપી છે.
અફઘાનિસ્તાનના જોજાન પ્રાંતમાં રહેતા એક વ્યક્તિને ટાંકીને રજૂ થયેલા અખબારી અહેવાલમાં દાવો થયો હતો કે નમાઝ પછી થતાં કાર્યક્રમમાં તાલિબાનના શસ્ત્રસજ્જ આતંકવાદીઓ હાજર હતા અને એ આતંકવાદીઓએ માસ્ક પહેર્યા હતા. હાથમાં એકે-૪૭ હતી પરંતુ હાથમાં મોજા પહેર્યા હતા.
તાલિબાને તેના સમર્થક લોકોને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની ફોજના ઘૂટણે ન પડતા, પરંતુ કોરોના સામે હથિયાર મૂકીને સાવધાન રહેજો. તાલિબાને ઘણાં વિસ્તારમાં ખાસ અભિયાન શરૂ કરીને લોકોને માસ્ક આપવાની સાથે સાથે સાબુ અને સેનિટાઈઝર્સ પણ આપ્યા હતા.
તાલિબાને લોકોને અપીલ કરી હતી કે શુક્રવારે મસ્જિદમાં જવાનું ટાળે અને ઘરમાં જ નમાઝ પઢે. અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તાલિબાનની આ કેમ્પેઈનની નોંધ લઈને કહ્યું હતું કે કોરોના સામે તાલિબાને શરૂ કરેલી જાગૃતિ ઝુંબેશ સમયસરનું અને યોગ્ય પગલું છે.