Get The App

સિડનીમાં આતંકી હુમલો : 11 યહુદીઓનાં મોત

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
સિડનીમાં આતંકી હુમલો : 11 યહુદીઓનાં મોત 1 - image



- ઓસ્ટ્રેલિયામાં હનુક્કા તહેવારની યહુદીઓની ઊજવણી માતમમાં ફેરવાઈ : ઈઝરાયેલમાં 7-10ના હુમલાની યાદો તાજી થઈ

- બોન્ડી બીચ પર અફરા-તફરી વચ્ચે એક નાગરિકે હિંમત કરી આતંકી પાસેથી બંદૂક આંચકી લીધી, એક આતંકી પાકિસ્તાની હોવાનો દાવો

- સિડનીના યહુદી સમાજને નિશાન બનાવી હુમલો કરાયો, આ ખુલ્લેઆમ યહુદી વિરોધી કૃત્ય : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન

- પોલીસના વળતા ગોળીબારમાં બેમાંથી એક હુમલાખોર ઠાર, એક પકડાયો

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહુદીઓ હનુક્કા તહેવારની ઊજવણી કરી રહ્યા હતા તેવા સમયે જ બે મુસ્લિમ આતંકીઓએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દેતાં ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૨૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના જવાબમાં વળતી કાર્યવાહીમાં એક                     આતંકી ઘટના સ્થળે ઠાર કરાયો હતો અને અન્ય એકની ધરપકડ કરાઈ છે. સિડનીની આ ઘટનાએ યહુદીઓને ઈઝરાયેલમાં ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે ધાર્મિક તહેવારની ઊજવણી સમયે જ હમાસના આતંકીઓએ કરેલા હુમલાની યાદ તાજી કરાવી દીધી હતી. આ હુમલાને ભારતીયોએ પણ પહેલગામના હુમલા સાથે સરખાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રવિવારે રજાના દિવસે અંદાજે ૨,૦૦૦થી વધુ યહુદીઓ આઠ દિવસના હનુક્કા તહેવારના ભાગરૂપે પહેલા દિવસે બોન્ડી બીચના સમુદ્ર કિનારે ઊજવણી કરી રહ્યા હતા ત્યારે સાંજે ૬.૪૦ કલાકે બે મુસ્લિમ હુમલાખોર લાંબી બંદૂકોના હથિયારો સાથે એક વાહનમાંથી ઉતર્યા અને બોન્ડી પેવેલિયન પાસે ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં એક બાળક અને બે પોલીસ અધિકારી સહિત ૨૯થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. 

આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે, ગોળીઓનો અવાજ સંભળાતા જ આખા વિસ્તારમાં નાસભાગ અને અરાજક્તા ફેલાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા અને સમુદ્ર કિનારે ભારે રોકકળ મચી ગઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ કેટલાક વીડિયોમાં એક નાગરિકને હિંમત કરીને એક આતંકીને પાછળથી પકડી લેતા, તેની પાસેથી બંદૂક છીનવી લેતા અને તેની તરફ હથિયાર તાકતા જોવા મળ્યો હતો.

ન્યૂ સાઉથ પોલીસે કહ્યું કે, હુમલાખોરો સામે કાર્યવાહી કરતાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં એક આતંકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયા પર એક આતંકીની ઓળખ ૨૪ વર્ષીય પાકિસ્તાની નાવિદ અકરમ તરીકે કરાઈ છે. નાવિદ અકરમ પાકિસ્તાનના લાહોરનો નિવાસી હોવાનું કહેવાય છે. જોકે, ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનર માલ લેનયોને આ બાબતને પુષ્ટી કરવાનો ઈનકાર કર્યો હતો. એક હુમલાખોર સિક્યોરિટી સર્વિસમાં હતો, પરંતુ તેનાથી કોઈ ચોક્કસ જોખમ હોવાનું હજુ સુધી જણાયું નહોતું.

ઓસ્ટ્રેલિયાના સૌથી લોકપ્રિય અને આઈકોનીક બીચમાંના એક બોન્ડી બીચ પર યહુદી વિરોધી આ હત્યાકાંડ છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં યહુદી વિરોધી હુમલાઓની શ્રેણીમાંનો એક હોવાના સંકેત આપે છે. જોકે, સત્તાવાળાઓએ અગાઉના હુમલા અને રવિવારના ગોળીબાર વચ્ચે કોઈ સંબંધ હોવાનું સૂચવ્યું નથી.

ન્યૂ સાઉથ વેલ્સના મુખ્યમંત્રી ક્રિસ મિન્સે જણાવ્યું કે, આ હુમલો સિડનીના યહુદી સમાજને નિશાન બનાવીને કરાયો હતો. યહુદીઓ પરના આ હુમલામાં વપરાયેલા હથિયારોને કારણે તેને આતંકી હુમલો જાહેર કરાયો છે. હજારો યહુદીઓ બોન્ડી બીચ પર આઠ દિવસના હનુક્કા તહેવારની ઊજવણી માટે એકત્ર થયા હતા. આ હુમલામાં બોન્ડીના ચાબાદના મદદનીશ રબિ અને સમારંભના મુખ્ય આયોજક રબિ એલિ શ્લાન્ગરનું પણ મોત થયું હતું.

સિડનીમાં આતંકી હુમલા પછી ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગને ઓસ્ટ્રેલિયાના યહુદી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બોન્ડી બીચ પરથી જે દૃશ્યો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા અને પીડાદાયક છે. આ હુમલો વિનાશકારી આતંકી ઘટના છે. આ હુમલો ખુલ્લેઆમ યહુદી વિરોધી કૃત્ય છે.

- ઓસ્ટ્રેલિયામાં 1996 પછી પહેલી વાર આવો સામૂહિક હત્યાકાંડ

- ઓસ્ટ્રેલિયાને યહુદી વિરોધી તત્વો સામે લડવા માટે ઇઝરાયલના રાષ્ટ્રપતિ હેર્ઝોગની હાકલ

સિડની: અમેરિકાથી વિપરિત ઓસ્ટ્રેલિયામાં સામૂહિક હત્યાકાંડ ભાગ્યે જ જોવા મળતી દુર્લભ ઘટના છે. આ પહેલાં વર્ષ ૧૯૯૬માં તસ્માનિયન શહેર પોર્ટ આર્થરમાં સામૂહિક હત્યાકાંડમાં એક હુમલાખોરે ૩૫ લોકોની હત્યા કરી હતી. આ ઘટનાથી હચમચી ગયેલી ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં હથિયારો રાખવાનો કાયદો આકરો બનાવી દીધો હતો અને નાગરિકો માટે હથિયાર ખરીદવાનું અત્યંત મુશ્કેલ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયામાં આ પહેલાં હત્યા અને આત્મહત્યાની માત્ર બે ઘટનામાં વર્ષ ૨૦૧૪માં કુલ પાંચ લોકો જ્યારે ૨૦૧૮માં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં એક હુમલાખોરે તેના પોતાના પરિવારજનોને મારી નાંખ્યા પછી આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાય વર્ષ ૨૦૨૨માં ક્વીન્સલેન્ડ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ અને ખ્રિસ્તી કટ્ટરવાદીઓ વચ્ચેના ગોળીબારમાં છ લોકો માર્યા ગયા હતા.


Tags :