Venezuela-US Tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસ્યા છે. અમેરિકન દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠેથી વધુ એક તેલ ટેન્કર જપ્ત કરતા દક્ષિણ અમેરિકાના આ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાએ આ ઘટનાને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' અને 'લૂંટ' ગણાવીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
અગાઉ અમેરિકા હોમલેન્ડ સિક્યુરિટી ચીફે પુષ્ટિ આપી હતી કે અમેરિકન દળોએ તાજેતરમાં વેનેઝુએલાના બંદર પર ડોક કરાયેલા એક તેલ ટેન્કર જપ્ત કર્યું છે. યુએસ કોસ્ટ ગાર્ડે, પેન્ટાગોન સાથે સંકલનમાં, વહેલી સવારે આ કાર્યવાહી હાથ ધરી હતી.
'આ આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી છે'
વેનેઝુએલાના ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'અમેરિકા દ્વારા વારંવાર કરવામાં આવતી આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આ ગુનાહિત કૃત્યો સજા પામ્યા વિના રહેશે નહીં. આ ગંભીર ઘટનાઓ માટે જવાબદાર લોકોએ ન્યાય અને ઇતિહાસ સમક્ષ જવાબ આપવો પડશે.' વેનેઝુએલા હવે આ મુદ્દાને યુએન સુરક્ષા પરિષદ (UNSC) અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.
ડ્રગ્સ અને આતંકવાદ સામેની લડાઈ
બીજી તરફ, અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ચીફ ક્રિસ્ટી નોએમે આ કાર્યવાહીને વાજબી ઠેરવી છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'આ ટેન્કરનો ઉપયોગ ગેરકાયદે તેલની હેરફેર માટે થતો હતો. આ તેલના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ ડ્રગ્સ સંબંધિત આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થતો હતો. યુએસ કોસ્ટ ગાર્ડ અને પેન્ટાગોને સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે.'
ટ્રમ્પની 'સંપૂર્ણ નાકાબંધી' ની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વેનેઝુએલા સામે "સંપૂર્ણ અને વ્યાપક નાકાબંધી" (Full Blockade)ની જાહેરાત કરી હતી. જે હેઠળ વેનેઝુએલાથી આવતા કે જતાં શંકાસ્પદ અને પ્રતિબંધિત ટેન્કરો પર નજર રાખવામાં આવી રહી છે. ગત 10મી ડિસેમ્બરે પણ અમેરિકાએ એક ટેન્કર જપ્ત કર્યું હતું, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ટોચ પર પહોંચ્યો છે.


