- તતિયાના ક્લાઇમેટ ચેન્જ જર્નાલિસ્ટ હતી
- સ્લોસબર્ગને મે 2024માં બીજા બાળકની ડિલિવરી વખતે એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયાનું નિદાન થયું હતું
- તાતિયાના જહોન એફ કેનેડીની પુત્રી કેરોલિન અને ડિઝાઇનર એડવિન સ્લોસબર્ગનું સંતાન હતી
વોશિંગ્ટન : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જહોન એફ કેનેડીના કુટુંબની કમનસીબી ત્રીજી પેઢીએ પણ પીછો છોડતી લાગતી નથી. કેનેડી કુટુંબની દોહિત્રી તાતિયાના સ્લોસબર્ગનું ફક્ત ૩૫ વર્ષની વયે કેન્સરથી અવસાન થયું છે. તેના કુટુંબે તેના મૃત્યુની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી અને જહોન એફ કેનેડી ફાઉન્ડેશને તેની પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે અમારી સુંદર તાતિયાના હવે આપણા હૃદયમાં રહેશે.
ક્લાઇમેટ ચેન્જ જર્નાલિસ્ટ તાતિયાના સ્લોસબર્ગને મે ૨૦૨૪માં કેન્સરનું નિદાન થયું હતું અને તેની પાસે વર્ષથી પણ ઓછો સમય હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સ્લોસબર્ગ ડિઝાઇનર એડવિન સ્લોસબર્ગ અને રાજદૂત કેરોલિન કેનેડીની પુત્રી હતી. સ્લોેસબર્ગના પતિનું નામ જ્યોર્જ મોરાન છે અને બે બાળકોમાં એક ત્રણ વર્ષનો એડવિન અને બીજો એક વર્ષનો જોસેફાઇન છે.
પત્રકાર તાતિયાના સ્લોસબર્ગે ગયા મહિને ધ ન્યૂયોર્કરમાં અ બેટલ વિથ માય બ્લડ નામના લેખમાં તેના કેન્સર સામેના જંગની પીડા વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે મે ૨૦૨૪માં પ્રસૂતિ દરમિયાન બીજા બાળકને જન્મ આપતી વખતે તેને એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. તેણે ઉમેર્યુ હતું કે મેં કિમોથેરપીથી લઈને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતો, પરંતુ કોઈ ફેર પડયો ન હતો. તેણે લખ્યું હતું કે મને દરેક વીતતા દિવસ સાથે મારા કુટુંબ સાથે બનેલી દુર્ઘટનાઓ યાદ આવવા લાગી છે, તેમા મારા નાના પ્રમુખ કેનેડી પર ૧૯૬૩માં હુમલો થયો, મારા મામા જોન એફ કેનેડી જુનિયર ૧૯૯૯માં પ્લેન ક્રેશમાં માર્યા ગયા.
તેણે વધુમાં લખ્યું હતું કે મેં મારું આખુ જીવન સારી પુત્રી, સારી વિદ્યાર્થીની, સારી બહેન તરીકે રહેવા પાછળ ખર્ચ્યુ, મેં મારી માતાનું હંમેશા ધ્યાન રાખ્યુ, તેને મેં ક્યારેય ગુસ્સે નથી કરી. હું મારા જીવનમાં કે મારા કુટુંબમાં વધુ એક કોઈ કરૂણાંતિકા જોવા માંગતી ન હતી. પણ હવે મારા જીવનમાં કેન્સરના સ્વરૂપમાં જે બનાવા લાગ્યું છે તેને અટકાવવા હું કશું કરી શકું તેમ નથી. તેણે તેના લેખમાં તેણે રોબર્ટ એફ કેનેડી જુનિયરને હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના વડા બનાવવામાં આવ્યા તે અંગે આશ્ચર્યજનક રીતે નિરાશાની લાગણી વ્યક્ત કરી હતી.
સ્લોસબર્ગ સફળ ક્લાઇમેટ ચેન્જ પત્રકાર હતી. તેણે ઇનકોન્સ્પિક્યુઅસ કન્ઝમ્પશનઃ ધ એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ યુ ડોન્ટ નો યુ હેવ નામનું પુસ્તક લખ્યું હતું. તે ન્યૂયોર્ક ટાઇમ્સમાં ક્લાઇમેટ ચેન્જ અને બીજી વિષયો પર લેખો લખતી હતી. તે માનતી હતી કે ક્લાઇમેટ ચેન્જ વિશ્વની સૌથી મોટી સ્ટોરી છે. તેમા સાયન્સથી લઈને નેચર, રાજકારણથી લઈને આરોગ્ય અને કારોબાર બધાનો સમાવેશ થાય છે.


