ચોખા અંગે જાપાનના મંત્રીએ આપ્યું એવું નિવેદન કે રાજીનામું આપવાની નોબત આવી, જાણો મામલો
Japan Agriculture Minister Resigns: જાપાનના કૃષિ મંત્રી તકુ એતોને ચોખા વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. એતોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, “મારે ક્યારેય ચોખા ખરીદવાની જરૂર પડતી નથી, કારણ કે મારા સમર્થકો મને ચોખા ભેટમાં આપતા રહે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે જાપાનમાં ચોખાની અછત અને ઊંચા ભાવોને કારણે સામાન્ય જનતા પરેશાન છે. આ ટિપ્પણીથી લોકોમાં ભારે રોષ ફેલાયો, જેના કારણે એતો પર રાજીનામું આપવાનું દબાણ વધ્યું.
બુધવારે એતોએ વડા પ્રધાન શિગેરુ ઈશિબાને પોતાનું રાજીનામું સોંપ્યું, જે સ્વીકારવામાં આવ્યું. રાજીનામું આપ્યા બાદ એતોએ પત્રકારોને કહ્યું, “જ્યારે લોકો ચોખાના વધતા ભાવોનો સામનો કરી રહ્યા છે, ત્યારે મેં અત્યંત અયોગ્ય ટિપ્પણી કરી. મને લાગે છે કે સરકારે ચોખાના ભાવોના પડકારોનો સામનો કરવો જોઈએ, અને આવી પરિસ્થિતિમાં મારા માટે આ મહત્ત્વના પદ પર રહેવું યોગ્ય નથી.” એતોએ જનતા પાસે માફી માગી અને પોતાનું નિવેદન પાછું ખેંચ્યું. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, “હું પોતે ચોખા ખરીદું છું અને ભેટમાં મળેલા ચોખા પર આધાર રાખતો નથી.”
એતોનું રાજીનામું સરકાર માટે ઝટકો
મીડિયા અહેવાલો અનુસાર, એતોના સ્થાને લોકપ્રિય પૂર્વ પર્યાવરણ મંત્રી શિંજીરો કોઈઝુમીની નિમણૂક થઈ શકે છે. આ ઘટના ઈશિબાની લઘુમતી સરકાર માટે વધુ એક ઝટકો છે, જે પહેલાથી જ જનસમર્થન ગુમાવી રહી છે. વિરોધ પક્ષોએ ચેતવણી આપી હતી કે, જો એતો બુધવારે બપોર સુધીમાં સ્વેચ્છાએ રાજીનામું નહીં આપે, તો તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.
ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે ચોખા
જાપાનમાં ચોખા એ માત્ર ખોરાક જ નથી, પરંતુ તે સંસ્કૃતિ, અર્થતંત્ર અને ધાર્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ છે. ચોખાને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે, અને શિંતો ધર્મમાં દેવતાઓને અર્પણ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સુશી, ઓનિગિરી અને મોચી જેવા જાપાની વ્યંજનોમાં ચોખા મુખ્ય ભૂમિકા ભજવે છે. સદીઓથી ચોખાની ખેતી જાપાનના ગ્રામીણ અર્થતંત્રનો આધાર રહી છે. આવી સ્થિતિમાં, ચોખાની અછત અને ઊંચા ભાવો જનતા માટે સંવેદનશીલ મુદ્દો બન્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચોખાના વધતા ભાવોએ લોકોને આર્થિક રીતે પરેશાન કર્યા છે, અને તેમને વૈકલ્પિક ખોરાકની શોધ કરવી પડી રહી છે.