એ વૈજ્ઞાનિક જેમણે સૌથી પહેલા N-95 માસ્ક બનાવેલું તે કોરોના કાળમાં ફરી કામે લાગ્યા
પીટરના મતે હાલ સાત માસ્ક ખરીદી એક માસ્ક સાત દિવસ બાદ ફરી પહેરવામાં આવે તે યોગ્ય
નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
આખી દુનિયા હાલ કોરોના વાયરસ સામે ઝઝુમી રહી છે અને સાવચેતી એ એકમાત્ર કોરોનાથી બચવા માટેનું માધ્યમ છે જેમાં માસ્ક સૌથી મોટો ભાગ ભજવી રહ્યું છે. અત્યારે બજારમાં અનેક પ્રકારના માસ્ક મળી રહ્યા છે જેમાં N-95 માસ્કનો પણ સમાવેશ થાય છે અને તેને સૌથી ફાયદાકારક પણ માનવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો પોતાની જાતે આ માસ્કનું પ્રોડક્શન કરી રહ્યા છે પરંતુ એ વ્યક્તિ વિશે જાણવું પણ જરૂરી છે જેણે સૌથી પહેલા આ માસ્કની શોધ કરી હતી.
તાઈવાનનું મૂળ ધરાવતા અમેરિકી વૈજ્ઞાનિક પીટર સાઈએ સૌ પ્રથમ N-95 માસ્ક બનાવ્યું હતું અને આ માટે સિન્થેટિક ફેબ્રિકની શોધ કરી હતી. પીટરે આ કામ 1995ના વર્ષમાં કર્યું હતું અને ત્યાર બાદ લાંબો કાર્યકાળ ભોગવીને બે વર્ષ પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. જો કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસે ચીનથી નીકળીને અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રસરવાનું ચાલુ કર્યું ત્યારે માર્ચ મહીનામાં પીટર ફરી કામે લાગ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં પીટરે જણાવ્યું કે, તેમને લાગ્યું કે હેલ્થ વર્કર્સની મદદ કરવી જોઈએ અને એટલે જ તેમણે કામ પર પાછા ફરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે N-95 માસ્ક સૌથી વધારે એ લોકો માટે જરૂરી ગણવામાં આવ્યું છે જે કોરોના સંક્રમિતોના સીધા સંપર્કમાં આવતા હોય. તેમાં ખાસ કરીને ડોક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. બાકી સામાન્ય લોકો માટે તો ક્લીનિકલ માસ્ક કે રૂમાલ વગેરેનો ઉપયોગ પર્યાપ્ત માનવામાં આવે છે.
કોરોના કાળમાં પડકારો ખૂબ જ વધી ગયા હોવાથી પીટર નવેસરથી માસ્ક માટે કામ કરી રહ્યા છે. હાલ તેઓ નોક્સવિલે રિસર્ચ ફાઉન્ડેશનમાં દિવસ-રાત એક કરી રહ્યા છે અને 20 કલાક સુધી મહેનત કરી રહ્યા છે. તેમનું સંપૂર્ણ ધ્યાન હાલ માસ્કને વધું યોગ્ય બનાવવાનું છે. તેમના કહેવા પ્રમાણે તેઓ હાલ નવી મેથડ પર કામ કરી રહ્યા છે અને માસ્કને તડકામાં, ઓવનમાં રાખીને ટેસ્ટ કરી રહ્યા છે અને તેને સાબુ વડે ધોઈને વરાળ પણ આપી રહ્યા છે.
પીટરને અત્યાર સુધીમાં સૌથી પ્રભાવી કોઈ મેથડ લાગી હોય તો એ છે માસ્કને 160 ડિગ્રી ડ્રાઈ હીટમાં 30 મિનિટ સુધી રાખવાની છે. આ ફોર્મ્યુલા ઓવનમાં માસ્ક લટકાડીને કરી શકાશે. જો કે તેમના માટે આ મેથડ પણ તેમની ઉમ્મીદો પર ખરી નથી ઉતરી.
વર્તમાન સ્થિતિને જોતે પીટરે એવું સૂચન આપ્યું છે કે સાત N-95 માસ્ક ખરીદવામાં આવે અને દરરોજ નવું માસ્ક પહેરવામાં આવે. એક માસ્ક ઉતાર્યા બાદ તેને આઈસોલેટેડ જગ્યાએ લટકાવી દેવામાં આવે અને સાત દિવસ બાદ તેને ફરી વાપરવામાં આવે. પીટરના મતે જો માસ્કમાં કોઈ વાયરસ આવી પણ જાય તો આ રીતે તે નિષ્ક્રિય થઈ જશે.