ઑસ્ટ્રેલિયાના બીચ પર લાશો વિખેરાઈ, અત્યાર સુધીમાં 12ના મોત: યહૂદી ફેસ્ટિવલ દરમિયાન આતંકવાદી હુમલો

Australia Shocked as Shooting Erupts at Bondi Beach Hanukkah Gathering | ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત 'બોન્ડી બીચ' પર રવિવારે ભીષણ હુમલા થયો. હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હનુક્કા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. હુમલા બાદ બીચ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તો જમીન પર ઢળી પડ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરૂ કરી લોકોને સમગ્ર વિસ્તારથી દૂર રહેવા ઍલર્ટ જાહેર કર્યું હતું. જે બાદ હવે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
હુમલાના ભયાવહ દૃશ્યો
બે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું
બહાદુર વ્યક્તિએ હુમલાખોરને પકડી બંદૂક ઝૂંટવી લીધી
12 લોકોના મોત
સિડની શહેર સ્થિત બોન્ડી બીચ પર સેંકડોની સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક જ તાબડતોબ ગોળીઓનો અવાજ સંભળાયો. અત્યાર સુધી 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બે હુમલાખોરોની અટકાયત
NSW પોલીસ વિભાગે ઘટના મામલે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ફાયરિંગ બાદ બે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. જોકે ઓપરેશન હજુ ચાલુ છે. જેથી લોકોને પોલીસ દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, અકરમ 24 વર્ષનો છે અને સિડનીના દક્ષિણપશ્ચિમ ઉપનગર બોનીરિગનો રહેવાસી છે. ફોટામાં અકરમ બંદૂક પકડીને અને મોટી માત્રામાં ગોળીઓ લઈને ફરતો જોવા મળે છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે નવીદ અકરમ લગભગ એક વર્ષથી બોનીરિગમાં એક મિલકતમાં તેના પરિવાર સાથે રહેતો હતો. પોલીસ હાલમાં હુમલા સાથે સંકળાયેલા મોટા કાવતરા અથવા નેટવર્કના પૂરાવા શોધવા માટે ઘર પર દરોડા પાડી રહી છે.
અનેક ઘાયલોની હાલત ગંભીર
પ્રાથમિક તપાસમાં આ હુમલાને 'લોન વુલ્ફ'નો હુમલો માનવામાં આવી રહ્યો છે, જોકે એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું કોઈ સંગઠિત આતંકવાદી નેટવર્ક સામેલ હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગોળીબાર દરમિયાન નવીદ અકરમને ગોળી વાગી હતી અને તેની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ બીચ ખાલી કરાવવામાં આવ્યો હતો અને નજીકના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘાયલોને સિડનીની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઑસ્ટ્રેલિયાના PMની પ્રતિક્રિયા
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને શોક વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચના દૃશ્યો અત્યંત ભયાનક અને વિચલિત કરી દે તેવા છે. લોકોના જીવ બચાવવા માટે પોલીસ ઓપરેશન ચલાવી રહી છે.
આ દુઃખની ઘડીમાં અમે ઓસ્ટ્રેલિયાના લોકો સાથે ઉભા છીએ: PM મોદી
ઓસ્ટ્રેલિયામાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ X પર લખ્યું કે, 'આજે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાના પહેલા દિવસે ઉજવણી કરી રહેલા લોકો પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. ભારતના લોકો વતી, હું તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખની ઘડીમાં અમે ઓસ્ટ્રેલિયાના લોકો સાથે ઉભા છીએ. ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને તમામ પ્રકારના આતંકવાદ સામેની લડાઈને સમર્થન આપે છે.'
કાર્યક્રમમાં આશરે 2,000 લોકો હાજર હતા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે 2,000 લોકો મીણબત્તી પ્રગટાવવા અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થયા હતા. લગભગ સાંજે 6:45 વાગ્યે (સ્થાનિક સમય) બે હથિયારધારી હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી બીચ પર ગભરાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી હતી.



